You are here
Home > Local News > કાંસામાં પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ જશુભાઈ પટેલ દ્વારા આયોજીત – માર્કેટયાર્ડની ચુંટણી માટે પ્રહલાદભાઈ ગોસાના સમર્થનમાં જંગી સભા

કાંસામાં પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ જશુભાઈ પટેલ દ્વારા આયોજીત – માર્કેટયાર્ડની ચુંટણી માટે પ્રહલાદભાઈ ગોસાના સમર્થનમાં જંગી સભા

(પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર
વિસનગર માર્કેટયાર્ડની ચુંટણીમાં બન્ને પક્ષના ઉમેદવારો દ્વારા મતદારોને રીઝવવા માટે પોતાની તમામ શક્તિઓનો ઉપયોગ કરી રહ્યા છે. બન્ને પક્ષના ઉમેદવારો માર્કેટયાર્ડની ચુંટણીમાં જંગી બહુમતીથી વિજયી બનવાનો દાવો કરી રહ્યા છે. ત્યારે વિસનગર તાલુકા કાંસા ગામના વતની અને પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ જશુભાઈ પટેલે માર્કેટયાર્ડની ચુંટણીમાં ચેરમેન પદના ઉમેદવાર પ્રહેલાદભાઈ ગોસાને બહુમતીથી વિજયી બનાવવા માટે ગત શુક્રવારે સાંજે કાંસા અંબાજી માતા મંદિરના પટાંગણમાં સભાનુ આયોજન કર્યુ હતુ. જેમાં તાલુકાની ૪૦ સહકારી મંડળીઓના આગેવાનો અને મતદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

IMG_3486
આ સભામાં કાંસા સેવા સહકારી મંડળીના પ્રમુખ અને પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ જશુભાઈ પટેલે ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલ ઉપર આકરા પ્રહારો કરતા જણાવ્યુ હતુ કે ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલે પોતાની સત્તાનો દુરઉપયોગ કરીને જીલ્લા રજીસ્ટ્રાર દ્વારા તાલુકાની ઘાઘરેટ, સાતુસણા, કમાણા, ઉદલપુર અને લક્ષ્મીપુરા સહકારી મંડળીઓને કારણદર્શક નોટીસો અપાવી હતી. જેમાં ત્રણ મંડળીઓના હોદ્દેદારોએ નામદાર હાઈકોર્ટમાં અરજી કરતા હાઈકોર્ટે કારણદર્શક નોટીસો પરત ખેચી લેવા જીલ્લા રજીસ્ટ્રારને આદેશ કર્યો છે. જ્યારે ધારાસભ્યના ડરથી ઉદલપુર અને લક્ષ્મીપુરા સહકારી મંડળીઓના હોદ્દેદારો તેમના શરણે થતા ધારાસભ્યએ બન્ને મંડળીઓને આપેલી કારણદર્શક નોટીસો પાછી ખેચાવી હતી. અને આજ મંડળીઓના હોદ્દેદારોને ચુંટણીમાં ઉમેદવાર બનાવ્યા છે. આમ ધારાસભ્યએ જે મંડળીઓને નોટીસો અપાવી હતી તે મંડળીઓનો હોદ્દેદારોને ઉમેદવાર બનાવતા બન્ને મંડળીઓના કારોબારી સભ્યો હોદ્દેદારોના નિર્ણયથી નારાજ થયા છે. જોકે અગાઉ ધારાસભ્યએ ચુંટણીમાં પોતાના પ્રતિસ્પર્ધી ગણાતા ભોળાભાઈ પટેલને પતાવવા માટે પ્રકાશ પટેલને હાથો બનાવી પોલીસ કેસો કરાવ્યા હતા. ત્યારબાદ ધારાસભ્યએ પોતાના હરીફ ગણાતા પ્રહલાદભાઈ પટેલ સામે ખોટા કેસો કરાવી માર્કેટયાર્ડમાં વહીવટદાર નિમ્યા અને ચુંટણી લાવ્યા. વધુમાં ધારાસભ્યએ પોતાની સત્તાનો દુરઉપયોગ કરીને મહેસાણા ડીસ્ટ્રીક બોર્ડના મેનેજર એન.સી.પટેલ દ્વારા બેંકના સુપરવાઈઝર નિરવ પટેલ તાલુકાની સહકારી મંડળીઓના હોદ્દેદારો અને કારોબારી સભ્યોને આજની(જશુભાઈની) સભામાં ન જવા માટે દબાણ કરવામાં આવ્યુ હતુ. છતાં પણ ૪૦ સહકારી મંડળીઓના ૩૭૦ મતદારો સભામાં મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આતો ધારાસભ્ય તાલુકાની બીપીએલ યાદી લઈને ફરે છે. જ્યારે અમારી પાસેતો તાલુકાના મતદારોની યાદી છે. જ્યારે તાલુકા પંચાયત પ્રમુખના પતી અને વડુના પત્ની અમૃતભાઈ પટેલે ધારાસભ્ય પ્રત્યે રોષ વ્યક્ત કરતા જણાવ્યુ હતુ કે ધારાસભ્યને આ ચુંટણીમાં નહી પતાવો તો તે વિસનગર તાલુકાને પતાવી દેશે. જેથી અંદરોઅંદરના મનદુઃખ ભલીને માર્કેટયાર્ડની ચુંટણીમાં ધારાસભ્યને હરાવજો. કારણકે આ ધારાસભ્ય તાલુકા પંચાયત દ્વારા થતા વિકાસની ગ્રાન્ટોમાં પણ રોડા નાખે છે. જ્યારે માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન પ્રહલાદભાઈ પટેલ(ગોસા)એ જણાવ્યુ હતુ કે ધારાસભ્ય ઋષિકેશ પટેલ માર્કેટયાર્ડની ચુંટણી જીતવા રૂા.૫ કરોડ ખર્ચ કરવાની વાતો કરે છે. તેના કરતા ખેડૂતોને રૂપિયા આપે તો હું તેમને હોદ્દો આપી દઉં. આ ધારાસભ્યએ તો પોતાની સત્તાનો દુરઉપયોગ કરીને મારી ઉપર ખોટા પોલીસ કેસો કરાવ્યા છે. મારા ઉપર કેસો કરવા માટે અમદાવાદના જાણીતા વકીલોને ભેગા કર્યા હતા. ધારાસભ્ય પોલીસ ઉપર ખોટા દબાણ લાવતા હોવાનુ પોલીસ પણ જાણે છે. છતાં ધારાસભ્ય મારા ઉપર ભ્રષ્ટાચારના કરેલા આક્ષેપો આજદીન સુધી સાબિત કરી શક્યા નથી. ધારાસભ્ય મેં ભ્રષ્ટાચાર કર્યો હોય તેવુ સાબિત કરી બતાવે તો હું રાજકારણ છોડવા તૈયાર છુ. જોકે વિસનગરના ઈતિહાસમાં આ એકજ ધારાસભ્ય એવો છે જે સરકારી તંત્રનો દુરઉપયોગ કરીને લોકોને દબાવે છે. જો હું ભ્રષ્ટાચાર કરીને રૂપિયા ઘરે લઈ ગયો હોય તો ધારાસભ્ય સાબિત કરી બતાવે. મારી પાસે ઘર અને જમીન વર્ષોથી છે. આતો ધારાસભ્યને દરેક બાબતે રોકવાવાળો હું એકલોજ છું. એટલે તે મને પતાવવા નિકળ્યો છે. પરંતુ મારા સમાજના લોકો મારી સાથે છે. મારા ઉપર કેસો થયા ત્યારે મારા સમાજના કેટલાક લોકો ધારાસભ્યને કેસો પાછા ખેંચાવાની વાત કરતા તેમને કહ્યુ મારે પ્રહલાદભાઈને પતાવવાના છે. ત્યારે આગામી દરેક ચુંટણીમાં હું ધારાસભ્યની વિરુધ્ધમાં પ્રચાર કરીશ પણ તેમને ટેકો ક્યારેય નહી આપુ. છેલ્લે પ્રહલાદભાઈ પટેલે તમામ મતદારોને પોતાના ઉપર વિશ્વાસ રાખીને ચુંટણીમાં જીતાડવા અનુરોધ કર્યો હતો. અને ગમે ત્યારે માર્કેટયાર્ડનો હિસાબ આપવાની લોકોને જાહેરમાં ખાત્રી આપી હતી. વધુમાં તેમને ધારાસભ્યથી તાલુકાના લોકો ત્રાસી ગયા છે. આજે કેટલાક ગામોમાં તો ધારાસભ્ય જઈ શકતા નથી તેવી ભુલો કરી છે. જ્યારે આજે પણ હું તાલુકાના દરેક ગામમાં જઈ શકુ છુ. પરિણામે માર્કેટયાર્ડની ચુંટણીમાં ૩૭૦ થી ૪૦૦ મતો તાલુકાની સહકારી મંડળીઓના સહકારથી મને મળવાના છે. દરેક મતદારે તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત અને નગરપાલિકાની ચુંટણીની જેમ આ ચુંટણીમાં પણ ધારાસભ્યને પતાવવાના છે. જેના માટે મતદારોને મતદાનના દિવસે જાગૃત રહેવા અપીલ કરી હતી. જ્યારે ઉમતાના ડેલીગેટે ઉમતા ગામની સહકારી મંડળીના ૧૫ માંથી ૧૨ મત પ્રહલાદભાઈ ગોસાની પેનલને અપાવવાની બાહેધરી આપી હતી. આ સભામાં હરીભાઈ પટેલ(ઉમતા), શંકરભાઈ પટેલ (વાલમ), તાલુકા સંઘના ઉપપ્રમુખ કમલેશભાઈ પટેલ, જે.ડી.ચૌધરી, કોંગ્રેસના આગેવાન પશાભાઈ પટેલ, જીલ્લા ડેલીગેટ હસમુખભાઈ ચૌધરી(મગરોડા), પ્રધાનજી ઠાકોર સહીતના આગેવાનોએ પોતાના વક્તવ્યમાં ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલે તેમના શાસનમાં કરેલ સત્તાના દુરઉપયોગી માહિતી આપીને તમામ સહકારી મંડળીઓના મતદારોને પ્રહલાદભાઈ પટેલની પેનલને વિજયી બનાવવા અપીલ કરી હતી.

Leave a Reply

Top