You are here
Home > Local News > વિસનગરમાં મિલ્કતના વિવાદમાં લુંટની ફરીયાદ થઈ

વિસનગરમાં મિલ્કતના વિવાદમાં લુંટની ફરીયાદ થઈ

પી.આઈ.ને જાણ કર્યા વગર પી.એસ.આઈ.એ કઈ લાલચમાં આવી લુંટની ફરીયાદ દાખલ કરી?

વિસનગરમાં મિલ્કતના વિવાદમાં લુંટની ફરીયાદ થઈ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરમાં છેલ્લા બે વર્ષથી ચાલતા એક મકાનની માલિકીના વિવાદમાં ગત રવિવારે ડી.ડી.કન્યા વિદ્યાલયના શિક્ષિકા માણસો લઈ મકાન ખાલી કરવા જતા મારામારી થઈ હતી. જેમાં બન્ને પક્ષે ફરીયાદ કરવામાં આવતા પોલીસે લુંટનો ગુનો દાખલ કર્યા છે. ત્યારે શિક્ષિકા દ્વારા કરવામાં આવેલી ફરીયાદમાં પી.એસ.આઈ.એ બે વકીલોના નામ આરોપીમાં સંડોવતા પોલીસની આ કાર્યપધ્ધતિને લઈ વિસનગરના શિક્ષિત સમાજમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. પી.આઈ.ને પુછ્યા કર્યા વગર પી.એસ.આઈ.એ લુંટ જેવી ગંભીર ગુનાની ફરીયાદ દાખલ કરતા પી.એસ.આઈ.ની આ કામગીરી ઉપર અનેક શંકાઓ સેવાઈ રહી છે.
બનાવની વિગત પ્રમાણે વિસનગરમાં ખેરાલુ રોડ ઉપર એસ્સાર પેટ્રોલપંપ સામે આવેલ પૂજા બંગ્લોઝમાં રહેતા પીન્કાબેન નરેશભાઈ પટેલનુ મકાનની અગાઉ વિષ્ણુભાઈ ઉમેદવાર પટેલે ખોટી પાવર ઓફ એટર્ની બનાવતા આ બાબતે પીન્કાબેન પટેલ દ્વારા ફરીયાદ કરવામાં આવી હતી. ત્યારબાદ વિષ્ણુભાઈ પટેલના પત્ની મીનાબેન પટેલે પીન્કાબેન પટેલ સામે એટ્રોસીટીની ફરીયાદ કરી હતી. પીન્કાબેન પટેલ રહે છે તે મકાનનો વિવાદ છેલ્લા બે વર્ષથી ચાલી રહ્યો છે. ત્યારે તા.૩-૪-૨૦૧૬ના રોજ સાંજે વિષ્ણુભાઈ પટેલ, ભરતભાઈ બારોટ તથા મહેસાણાનો એક વ્યક્તિ પીન્કાબેન પટેલના નિવાસ્થાને જઈ ઘરમાં પ્રવેશ કરી મકાન કેમ ખાલી કરતા નથી તેમ કહી પીન્કાબેન પટેલને માર માર્યો હતો. અને પીન્કાબેન પટેલના ગળામાં પહેરેલ બે તોલાના ડોકીયાની લુંટ કરી હતી. જે બાબતે પીન્કાબેન પટેલની ફરીયાદ આધારે પોલીસે ચાર વિરુધ્ધ લુંટનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
દ્બસામે પક્ષે ધરોઈ કોલોની રોડ ઉપરની પરિશ્રમ સોસાયટીમાં રહેતા મીનાબેન રવજીભાઈ છીમાભાઈ પટેલ તે વિષ્ણુભાઈ પટેલના પત્નિએ પોલીસ ફરીયાદ આપી છેકે તેઓ પીન્કાબેન પટેલના ઘરે મકાન ખાલી કરવા ગયા હતા. પીન્કાબેન પટેલને ઘર ખાલી કરવાનુ કહેતા પીન્કાબેન પટેલ, અતુલભાઈ બારોટ તથા નેહલભાઈ બારોટે ગડદાંપાટુનો તથા લોખંડની પાઈપથી માર માર્યો હતો અને અઢી તોલાના રૂા.૬૦,૦૦૦ની કિંમતના સોનાના દોરાની લુંટ કરી હતી. મીનાબેન પટેલની ફરીયાદ આધારે પોલીસે ત્રણે વિરુધ્ધ લુંટ અને એટ્રોસીટી એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો છે.
મીનાબેન પટેલ દ્વારા કરાયેલી ફરીયાદમાં પોલીસે વિસનગરના જાણીતા બે વકીલ અતુલભાઈ બારોટ અને નેહલભાઈ બારોટનુ નામ સંડોવતા વિસનગર બાર એસો.માં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. બાર એસો.ના પ્રમુખ ઈન્દ્રવદનભાઈ પટેલે આ બાબતે તટસ્થ તપાસ કરવા રજુઆત કરી છે. પી.એસ.આઈ.એ વકીલોના નામ દાખલ કરતા બાર એસો.ના વકીલોમાં રોષ છેકે અસીલ આવે તે પ્રમાણે વકીલોને કેસ લડવાના હોય છે. વકીલ પ્રત્યે દ્વેષભાવ રાખી કોઈ વ્યક્તિ દ્વારા ખોટા નામ આપવામાં આવે તો ભવિષ્યમાં બીજા વ્યક્તિઓ પણ વકીલોના નામ આરોપીમાં આપતા ટેવાય. પોલીસની આ વૃત્તી હરગીજ ચલાવી લેવાની નથી. કોંગ્રેસી અગ્રણી જીવણભાઈ દેસાઈએ ફરીયાદમાં વકીલોના નામ સંડોવતી પોલીસ વિરુધ્ધ રોષ વ્યક્ત કર્યો છેકે વિસનગર પોલીસ લુંટના ગુના દાખલ કરવા ટેવાયેલી છે. લુંટના ગુનામાં કોઈ પ્રતિષ્ઠીત વ્યક્તિનુ નામ આવતુ હોય તો પોલીસે પુરતી તપાસ કરી નામ દાખલ કરવુ જોઈએ. ફરીયાદમાં બન્ને વકીલ છે તેવો ઉલ્લેખ કરાયો છેતો પોલીસે તપાસ કરવી જોઈતી હતી. આજ ગમે તે કારણે પી.એસ. આઈ.એ પી.આઈ.ને પુછ્યા વગર પ્રતિષ્ઠીત વકીલોના નામ આરોપીમાં લખ્યા. ભવિષ્યમાં શહેરના કોઈપણ પ્રતિષ્ઠીત વ્યક્તિ સામે લુંટનો ગુનો દાખલ થઈ શકે છે. આવા વિવાદીત પી.એસ.આઈ.એ વકીલોના નામ પી.આઈ.ની મંજુરી વગર કેવી રીતે દાખલ કર્યા, વકીલો પ્રત્યે પી.એસ.આઈ.એ કયા કારણે કિન્નાખોરી રાખી તેની તપાસ કરી ડી.એસ.પી.એ પી.એસ.આઈ. સામે પગલા લેવા જોઈએ.

Leave a Reply

Top