You are here
Home > Local News > અનામત આંદોલનમાં વારંવાર એસ.ટી.બસોને ભોગ બનાવતા બસો ડાયવર્ટ કરાઈ

અનામત આંદોલનમાં વારંવાર એસ.ટી.બસોને ભોગ બનાવતા બસો ડાયવર્ટ કરાઈ

અનામત આંદોલનમાં વારંવાર એસ.ટી.બસોને ભોગ બનાવતા
કાંસા અને કુવાસણા રોડ ઉપરની બસો ડાયવર્ટ કરાઈ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર, રવિવાર
અનામત આંદોલન પાટીદારોનુ ત્યારે અન્ય સમાજોને પણ સહન કરવાનો વારો આવ્યો છે. જેલભરો આંદોલનના તોફાનમાં કાંસા ગામ અને કુવાસણા ગામના બસ સ્ટેન્ડ પાસે બસોને તોડફોડ કરી સળગાવવામાં આવતા એસ.ટી.તંત્ર દ્વારા આ બન્ને રોડની બસો બંધ કરી ડાયવર્ટ કરવામાં આવી છે. એસ.ટી.તંત્રના આ વલણના કારણે લોકોમાં ભારે રોષ ફેલાયો છે.
મહેસાણા જેલભરો આંદોલનના તોફાન પગલે વિસનગરમાં કાંસા ગામના બસ સ્ટેન્ડ આગળ ત્રણ બસોને તોડફોડ કરી આગ લગાવાઈ હતી. જ્યારે વિસનગર વિજાપુર રોડ ઉપર કુવાસણા ગામ આગળ બે બસોના કાચ ફોડી એક બસને આગ લગાવતા એસ.ટી.તંત્રને ભારે નુકશાન થયુ હતુ. સ્ટેટ ટ્રાન્સપોર્ટ દ્વારા નહી નફો નહી નુકશાનના ધોરણે લોકહિતમાં બસો ચલાવાય છે ત્યારે આંદોલનના તોફાનમાં બસોને વારંવાર ટાર્ગેટ બનાવતા એસ.ટી.તંત્ર દ્વારા પણ હવે કડક વલણ અપનાવાયુ છે. એસ.ટી.તંત્ર દ્વારા વિસનગરથી ઉંઝા રૂટ ઉપર દોડતી કાંસા, વાલમ રૂટની બસો બંધ કરી વિસનગરમાં દેણપ ત્રણ રસ્તા, કાજીઅલીયાસણાથી ખંડોસણ ગામમાં થઈને ઉંઝા રૂટ ઉપર બસોની આવનજાવન શરૂ કરાઈ છે. જ્યારે વિસનગરથી વિજાપુર તરફ જવા માટે કુવાસણા ઘાઘરેટ રોડની બસો બંધ કરી વિસનગરથી વાયા રાલીસણા, ભાલક, બાકરપુર, ગોઠવા થઈને વિજાપુર તરફની બસોની આવનજાવન શરૂ કરવામાં આવી છે.
એસ.ટી.તંત્રના આ વલણથી હાલમાં બસ સેવાથી વંચીત આ ગામના લોકોમાં ભારે રોષ ફેલાયો છે. આ ગામના અન્ય સમાજના લોકોની લાગણી છેકે બસો પાટીદારોના ટોળાએ સળગાવી તેની સામે એસ.ટી.તંત્ર દ્વારા ગંભીર ફરીયાદો કરવામાં આવી છે. પછી એસ.ટી. દ્વારા આવુ પગલુ ભરવાનુ કારણ શું? બસો પાટીદારોના ટોળાએ સળગાવી ત્યારે બસો બંધ કરવાથી અન્ય સમાજના લોકો પણ બસ સેવાથી અલીપ્ત થઈ ગયા છે. કાજીઅલીયાસણા રૂટ ઉપર આખલીપરા, કૃષ્ણપરૂ આગળ પાટીદારોની સોસાયટીઓ આવેલી છે. આમ વિસનગર ભાલક રોડ ઉપર સુંશી અને રાલીસણામાં પણ પાટીદારોનુ પ્રભુત્વ છે. ભવિષ્યમાં આંદોલનના તોફાનોમાંં આ બન્ને રૂટ ઉપર બસોને નુકશાન થશે તો શુ એસ.ટી.તંત્ર ઉંઝા તરફ અને વિજાપુર તરફ જતી બસો બંધ કરી દેશે. ગત ઓગષ્ટ માસના આંદોલનમાં કડા ગામ પાસે પણ બસને નુકશાન કરાયુ હતુ તો શુ અમદાવાદ રૂટની બસો બંધ કરવામાં આવશે. પાટીદાર અનામત આંદોલનમાં ગુજરાતમાં ઘણી જગ્યાએ બસોને નુકશાન કરાયુ તો આ દરેક જગ્યાએ રૂટ ડાયવર્ટ કરાયા છે? શું અગાઉ ભૂતકાળમાં થયેલા તોફાનોમાં ક્યારેય બસને નુકશાન થયુ નથી? આવા પ્રશ્નો સાથે ડેપોના આ નિર્ણયથી ભારે રોષ ફેલાયેલો છે.

Leave a Reply

Top