You are here
Home > Local News > વિસનગરમાં બે દિવસમાં ટીયરગેસના ૬૭ સેલ છોડાયા

વિસનગરમાં બે દિવસમાં ટીયરગેસના ૬૭ સેલ છોડાયા

જેલભરો આંદોલનના તોફાનોમાં ટોળા વિખેરવા
વિસનગરમાં બે દિવસમાં ટીયરગેસના ૬૭ સેલ છોડાયા

(પ્ર.ન્યુ.સ.)  વિસનગર,રવિવાર
વિસનગરમાં જેલભરો આંદોલન અને બંધના એલાનના બન્ને દિવસ થઈ તોફાનો ટોળાઓને વિખેરવા ટીયરગેસના ૬૭ સેલ છોડવામાં આવ્યા હતા. જ્યારે પોલીસને જવાબ આપવા આ વખતે તોફાની તત્વોએ ફટાકડાના નાઝી બોંબ અને બાંબુનો ઉપયોગ કર્યો હોવાનુ પણ જાણવા મળ્યુ છે. તોફાનોમાં આ નવતર પ્રયોગનો સામનો કરવા પોલીસ પણ અમુજાઈ હતી.
મહેસાણા જેલભરો આંદોલનના દિવસે લાલજીભાઈ પટેલને તથા પાટીદાર યુવાનો ઉપર પોલીસ તુટી પડતા ગંભીર ઈજાઓ થતા તેના ઘેરા પ્રત્યાઘાતરૂપે વિસનગરમાં આંદોલનના દિવસે બપોરથીજ તોફાનો શરૂ થયા હતા. કાંસા એન.એ.વિસ્તારમાં રોડ ઉપર આડાશો મુકી ટાયરો સળગાવ્યા હતા. પોલીસ સ્થળ ઉપર પહોચતા ટોળાએ પથ્થરમારો શરૂ કર્યો હતો. સાંજના સમયે વાતાવરણ વધારે ઉગ્ર બન્યુ હતુ. આ ટોળાઓને વિખેરવા રવિવારની સાંજે અને રાત્રે કાંસા એન.એ.વિસ્તારમાં પોલીસે ટીયરગેસના ૨૦ સેલ છોડ્યા હતા. ત્યારબાદ બંધના એલાનના દિવસે એન.એ.વિસ્તાર તથા ખેરાલુ રોડ કલ્યાણ બંગ્લોઝ આખલીપરા સામે તોફાની તત્વોએ રોડ ઉપર આડાશો મુકી ટાયરો સળગાવ્યા હતા. જે ખસેડવા જતા પોલીસ ઉપર પથ્થરમારો થતા આ બન્ને વિસ્તારમાં થઈ પોલીસે ટીયરગેસના ૪૭ સેલ છોડ્યા હતા.
જોકે આ વખતે પોલીસને તોફાની ટોળાનો નવતર પ્રયોગનો અનુભવ થયો હતો. જે પ્રયોગનો સામનો કેવી રીતે કરવો તેમાં પોલીસ અમુજાઈ હતી. આ વખતના તોફાનોમાં તોફાનીટોળાએ પોલીસ ઉપર ફટાકડાના મોટા અવાજ કરતા નાઝી બોંબ સળગાવી ફેક્યા હતા. આ ઉપરાંત્ત આકાશમાં ઉંચે સુધી ફુટતા બાંબુનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હોવાનુ જાણવા મળ્યુ છે. બાંબુ આકાશમાં ૮૦ થી ૯૦ મીટર ઉંચે ફૂટે છે. જે બાંબુનો ઉપયોગ પોલીસ સામે કરાયો હોવાનુ જાણવા મળ્યુ છે.

Leave a Reply

Top