You are here
Home > Local News > વિસનગર તાલુકાના પશુપાલકોએ રેલી કાઢીને આવેદન આપ્યુ

વિસનગર તાલુકાના પશુપાલકોએ રેલી કાઢીને આવેદન આપ્યુ

IMG_3689IMG_3693

(પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર
અમુલ ફેડરેશન દ્વારા મહેસાણા દૂધસાગર ડેરીને કરાયેલા અન્યાયના મુદ્દે સમગ્ર જીલ્લાના પશુપાલકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. પશુપાલકો ઠેર-ઠેર રેલીઓ કાઢીને સબંધકર્તા અધિકારી અને પદાધિકારીઓને આવેદન પત્ર આપીને પોતાની રજુઆતો કરી રહ્યા છે. જેમાં ગત ગુરૂવારે વિસનગર તાલુકાના પશુપાલકોએ શહેરની આદર્શ હાઈસ્કુલના સંકુલમાંથી વિશાળ રેલી કાઢીને મામલતદાર કચેરીએ પહોચ્યા હતા. જ્યાં દૂધસાગર ડેરીના ઉપાધ્યક્ષ આશાબેન ઠાકોરે મહેસુલ નાયબ મામલતદાર બીપીનભાઈ પટેલને આવેદનપત્ર આપીને પોતાની રજુઆતો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સુધી પહોચાડવા અનુરોધ કર્યો હતો.
અમુલ ફેડરેશન દ્વારા પશુપાલકોને દુધના ભાવોમાં થયેલા અન્યાયને દુર કરવા અને ડેરીના પદાધિકારીઓ સામે કરાયેલ ખોટા કેસોને પાછા ખેંચવાની માગણી સાથે વિસનગર તાલુકાના પશુપાલકોએ શહેરની આદર્શ હાઈસ્કુલના સંકુલમાંથી ગત ગુરુવારે સવારે ૧૦-૦૦ કલાકે વિશાળ રેલી કાઢી હતી. આ રેલી વિવિધ લખાણોવાળા બેનરો સાથે શહેરના ગૌરવપથ, રેલ્વે સર્કલ, માર્કેટયાર્ડ થઈને મામલતદાર કચેરીએ પહોચી હતી. જ્યા દૂધસાગર ડેરીના ઉપાધ્યાય આશાબેન ઠાકોરે, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજુભાઈ ચૌધરી સહીતના આગેવાનોની હાજરીમાં મહેસુલ નાયબ મામલતદાર બીપીનભાઈ પટેલને આવેદન પત્ર આપીને પોતાની રજુઆતો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સુધી પહોચાડવા અનુરોધ કર્યો હતો. ત્યારે નાયબ મામલતદારે પશુપાલકોને તેમની રજુઆત સરકારમાં પહોચાડવાની ખાત્રી આપી હતી. આવેદનપત્રમાં પશુપાલકોની શું માગણી હતી તે જોઈએ તો માનસિંહભાઈ ઈન્સ્ટીટ્યુટ ઓફ ડેરી એન્ડ ફૂડ ટેકનોલોજી (એમ.આઈ. ડી.એફ.ટી.)ને અમુલ ફેડરેશન દ્વારા રૂા.૫ કરોડની સહાય ચુકવવામાં આવે, એમ.આઈ.ટી. નું સંચાલન દુધ સાગર રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (દુરડા)ને સોંપવામાં આવે, દિલ્હી નજીક દૂધમાનસાગર ડેરી-માનેસર અને દૂધમોતી સાગર ડેરી ધારૂહેડાનો દિલ્હીના બજારમાં હિસ્સો ૧૦૦ ટકાથી ઘટાડીને ૩૯ ટકા કરી દેવાયો છે. અમુલ ફેડરેશન દ્વારા દુધસાગર ડેરીના દૂધના વેચાણમાં દિલ્હીના બજારમાં ઘટાડો કરાતા દૂધસાગર ડેરીને પાવડર બનાવવો પડે છે. જેના કારણે દૂધસાગર ડેરીને છેલ્લા ચાર વર્ષમાં આશરે ૧૨૪ કરોડથી વધારે રૂપિયાનુ નુકશાન ભોગવવુ પડ્યુ છે જેવા અન્ય મુદ્દાઓની રજુઆતો કરાઈ છે. આ ઉપરાંત્ત પશુપાલકોએ દુધસાગર ડેરીને બદનામ કરવા માટે તેના પદાધિકારીઓ ઉપર કરવામાં આવેલ ખોટી પોલીસ ફરીયાદો પાછી ખેંચવાની પણ માગણી કરી છે. મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં પશુપાલક મહિલાઓએ અમુલ ફેડરેશનના મેનેજીંગ ડીરેક્ટર સોઢીના છાજીયા લઈ સુત્રોચ્ચાર કર્યા હતા. ત્યારે ભાજપ સરકાર પશુપાલકોની રજુઆતોને ધ્યાને લઈને તેમને ક્યારે ન્યાય આપે છે તે જોવાનુજ રહ્યુ?

Leave a Reply

Top