You are here
Home > Local News > બસ સળગાવતા કુવાસણા રોડની બસ બંધ કરાઈ હતી – રાલીસણા રોડ ઉપર ઝાડ કાપી બસોને રોકી

બસ સળગાવતા કુવાસણા રોડની બસ બંધ કરાઈ હતી – રાલીસણા રોડ ઉપર ઝાડ કાપી બસોને રોકી

(પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર
જેલભરો આંદોલનના તોફાનોમાં એસ.ટી.તંત્રએ કુવાસણા રોડની બસો બંધ કરી સુંશી રાલીસણા રોડ ઉપર બસ શરૂ કરી હતી. પરંતુ રાલીસણા રોડ ઉપર વૃક્ષો કાપી રોડ બ્લોક કરાતા બસો આ રૂટ ઉપરથી ડાયવર્ટ કરાઈ છે. આ દરમ્યાન આ રોડ ઉપર બસો દોડશે તો પાટીદાર સમાજની કોઈ જવાબદારી રહેશે નહી તેવો ડેપો મેનેજરને ધમકીભર્યા પત્ર મળતા પોલીસને જાણ કરવામાંં આવી છે.
જેલભરો આંદોલનના તોફાનમાં વિસનગરમાં વિજાપુર રોડ કુવાસણા ગામ પાસે બસોને તોડફોડ કરી આગ લગાવતા વિસનગર ડેપો દ્વારા આ રૂટ ઉપર જતી બસો બંધ કરી રાલીસણા, સુંશી રોડ ઉપર બસો ડાયવર્ટ કરી હતી. ત્યારે તા.૨૭-૪-૨૦૧૬ની રાત્રે સુંશી અને રાલીસણા વચ્ચે ઝાડ કાપી રોડ બ્લોક કરાયો હતો. રાત્રે ૯-૦૦ કલાકે પાટણ આમેર બસ આ રૂટ ઉપર જતા ઝાડ પડ્યા હોવાથી વિસનગર ડેપોમાં પરત આવી હતી. ત્યારે ડેપો મેનેજરે તુર્તજ કડા રાઠોડીપુરા ગોઠવા થઈ વિજાપુર રોડ ઉપર બસ ડાયવર્ટ કરી વિજાપુર તરફનો બસ વ્યવહાર શરૂ કર્યો હતો. જાણવા મળ્યા પ્રમાણે કુવાસણા રોડ ઉપર બસ સળગાવવાના ગુનામાં રાલીસણાના વિનુભાઈ પટેલની પોલીસ ધરપકડ કરવા જતા રોષે ભરાયેલા પાટીદાર કાર્યકરોએ ઝાડ કાપી રોડ ચક્કાજામ કર્યો હતો.
આ દરમ્યાન વિસનગર ડેપો મેનેજર પી.આર.પ્રજાપતિને પોસ્ટકાર્ડ દ્વારા એક નનામો પત્ર મળ્યો હતો કે વિસનગર ડેપો દ્વારા સુંશી રાલીસણા રૂટ ઉપર બસો દોડાવશે અને બસોને કોઈ નુકશાન થશે તો તેની જવાબદારી પાટીદાર સમાજની રહેશે નહી. ડેપો મેનેજરને આ પત્ર મળતાજ તેની જાણ પોલીસને કરાઈ હતી. જોકે સુંશી રાલીસણા રોડ ઉપર ઝાડ કાપી રોડ બ્લોક કરવામાંં આવતા રાત્રે અવરજવર કરતા વાહનોને ભારે મુશ્કેલી પડી હતી. ઝાડ કાપી રોડ બ્લોક કરનાર તત્વોની માહિતી મેળવી કડક પગલા ભરવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Top