You are here
Home > Local News > ગંજબજાર વેપારી મંડળ દ્વારા અભિવાદન સમારોહ યોજાયો

ગંજબજાર વેપારી મંડળ દ્વારા અભિવાદન સમારોહ યોજાયો

વિસનગર માર્કેટયાર્ડના ચેરમેન – ડીરેક્ટરોનો

ગંજબજાર વેપારી મંડળ દ્વારા અભિવાદન સમારોહ યોજાયો

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર

વિસનગર માર્કેટયાર્ડના ચેરમેન પદે ધારાસભ્ય ઋષિભાઈ પટેલ બીનહરિફ થતા ચેરમેન અને ડીરેક્ટરોનો અભિવાદન સન્માન સમારંભ ગંજબજાર વેપારી મંડળ દ્વારા યોજાયો હતો. જેમાં ધારાસભ્ય એવમ્‌ ચેરમેન ઋષિભાઈ પટેલે સોમવારથી ગુરુવાર સવારે ૮-૦૦ થી ૧૦-૦૦ સુધી માર્કેટયાર્ડમાં હાજરી આપવાનુ જણાવ્યુ હતુ.

વિસનગર માર્કેટયાર્ડના ચેરમેન તરીકે ધારાસભ્ય ઋષિભાઈ પટેલ બીનહરિફ ચુંટાતા ગંજબજાર વેપારી મંડળ દ્વારા તા.૧૩-૫-૨૦૧૬ ના રોજ માર્કેટયાર્ડના હૉલમાં ચેરમેન, વેપારી મત વિભાગના બીનહરિફ થયેલા ચાર ડીરેક્ટરો અને ખરીદ વેચાણ વિભાગ તથા ખેડુત વિભાગના ચુંટાયેલા ડીરેક્ટરોનો અભિવાદન તથા સન્માન સમારોહનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં ધારાસભ્ય એવમ્‌ ચેરમેન ઋષિભાઈ પટેલ, ગંજબજારના વેપારી અગ્રણી કરશનભાઈ પટેલ, નરોત્તમભાઈ પટેલ, વેપારી મત વિભાગના બીનહરિફ થયેલા ચાર ડીરેક્ટરો તથા અન્ય ડીરેક્ટરો, વેપારીઓ વિગેરેએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. કાર્યક્રમમાં ચેરમેન તથા ડીરેક્ટરોનુ સન્માન કરવામાં આવ્યુ હતુ.

આ કાર્યક્રમમાં કરશનભાઈ પટેલે જણાવ્યુ હતુ કે માર્કેટમાં પરિવર્તન સારૂ આવ્યુ છે, વિકાસ થશે. માર્કેટયાર્ડમાં ઘણી તાકાત છે. વિકાસ કરવો હોય એટલો થશે. ભ્રષ્ટાચાર ૧૦૦ ટકા બંધ થશે. માર્કેટ કમીટીના ચેરમેનને આવકારૂ છુ. ગંજબજાર વેપારી મંડળના પ્રમુખ તેમજ ડીરેક્ટર પી.સી.પટેલે જણાવ્યુ હતું કે વેપારીઓના જે પ્રશ્નો છે તેનો નિકાલ થશે. જે બાબતે ચેરમેન સાથે વાતચીત થઈ ગઈ છે. વેપારી મંડળનો જે હોલ જર્જરીત છે તેનુ રીનોવેશન કરી હોલ એસી બનાવી આપવાની માગણી કરી હતી. ડીરેક્ટર પરેશભાઈ પટેલે વર્તમાન વિકટ પરિસ્થિતિમાંં ખેડુત ભાઈઓએ જે નિર્ણય લીધો તેને આવકારતા જણાવ્યુ હતુ કે સાચુ સમજીને મત આપશો તો સાચા માણસોને તક મળશે. ગંજબજારનો વહીવટ અને વિકાસ ખાડે ગયો છે. માર્કેટયાર્ડને જીવતુ રાખવા કામ કરનાર વિષ્ણુભાઈ પટેલનો પરેશભાઈ પટેલે આભાર વ્યક્ત કરતા જણાવ્યુ હતુ કે, જ્યા માર્કેટયાર્ડ જીવંત છે તે શહેરની રોનક વધી છે. ધારાસભ્ય ઋષિભાઈ પટેલે પૈસો ખાધો નથી અને ખાવા દેશે નહી. સારામાં સારો વહીવટ કરી બતાવશે તેનો વિશ્વાસ છે. હરેશભાઈ ચૌધરીએ જણાવ્યુ હતુ કે ધારાસભ્ય ઋષિભાઈ પટેલ મેળવવા માટે નહી પરંતુ વેપારીઓ અને ખેડુતોના હિતમાં આવ્યા છે. ખોટા માણસોને બહાર કાઢવા ધારાસભ્યએ જે પ્રોત્સાહન આપ્યુ તે અભિનંદનને પાત્ર છે. પ્રકાશભાઈ પટેલે પણ હુફ અને સહકાર આપ્યો છે. ખેડુતો અને વેપારીઓને અન્યાય થશે તો સાથે ઉભા રહેવાની તૈયારી છે.

નૂતન કેળવણી મંડળના વાઈસ ચેરમેન પ્રકાશભાઈ પટેલે જણાવ્યુ હતું કે, નૂતન કેળવણી મંડળ, મજુરી મંડળી અને માર્કેટયાર્ડના ધારાસભ્યએ સાચા માણસોને સાથ આપ્યો છે. સાચા અને સારા માણસોની પડખે રહેજો. અનુભવ ઓછો હશે તો ચાલશે. ગંજબજારના પાંચ વર્ષના વહીવટમાં એકપણ દાગ પડવા દઈશુ નહી. વિકાસ ઈચ્છતા હોઈએ તો સારા વ્યક્તિને દરેક જગ્યાએ મદદ કરવી જોઈએ. ખોટા માણસો આંદોલનનો રાજકીય ઉપયોગ કરી ખોટા લાભ લેવાનો પ્રયત્ન કરશે તો સંસ્થા અને સમાજ બન્નેને નુકશાન થશે. વિસનગરની અસ્મીતા ટકાવવી હોય તો સંસ્થાઓ ટકાવવી પડશે. નૂતન કેળવણી મંડળમાં હુફ બદલ ધારાસભ્યનો આભાર માન્યો હતો. ધારાસભ્ય તેમજ ચેરમેન ઋષિભાઈ પટેલે જણાવ્યુ હતું કે વિસનગર માર્કેટયાર્ડને ગુજરાતના અન્ય મોટા માર્કેટોની હરોળમાં લાવવાનુ વિઝન છે. વિકાસ માટે વેપારીઓ અને ખેડુતોના સુચનો આવકાર્ય છે. ખેડુતોને ઉંચા ભાવ મળે તોજ બહારના તાલુકાના ખેડુતો માર્કેટમાં માલ વેચવા આવશે. માર્કેટના હક્કનો તમામ પૈસો માર્કેટની તીજોરીમાં આવશે. ચુંટણી ભુલી જવાની છે. સાથે હતા કે નહતા તેવી વેરભાવના નહી જોવા મળે. ભાજપ અને કોંગ્રેસ સહીતના ૩૫ પાટીદાર ધારાસભ્યોએ પાટીદારોને અનામત માટે સરકારમાં રજુઆત કરી હતી. સરકારે ૧૦ ટકા પ્રમાણે સવર્ણોને અનામત આપી છે. હવે જે ચાલી રહ્યુ છે તે રાજકારણ ચાલી રહ્યુ છે. માર્કેટની ચુંટણી સમયે ચર્ચાયેલી નાનામાં નાની વાતો ટપકાવી રાખી છે. બધાને સાથે બેસાડી નિર્ણય કરીશુ. ચુંટણી સમયે આપેલા વચનોમાંથી ૫૦ થી ૬૦ ટકા વચનો એકજ વર્ષમાં પુરા કરીશુ એકહથ્થુ ક્યારેય નિર્ણય નહી લેવાય. માર્કેટયાર્ડમાં સોમવારથી ગુરૂવાર સુધી સવારે ૮-૦૦ થી ૧૦-૦૦ સુધી હાજરી રહેશે.

Leave a Reply

Top