You are here
Home > Local News > મહેતાવાડ, ચબુતરાવાસના લોકો સમક્ષ પાલિકાના બહાને – ખેરાલુ વિજ કચેરીની ચોર કોટવાલને દંડે તેવી નિતી

મહેતાવાડ, ચબુતરાવાસના લોકો સમક્ષ પાલિકાના બહાને – ખેરાલુ વિજ કચેરીની ચોર કોટવાલને દંડે તેવી નિતી

(પ્ર.ન્યુ.સ.)ખેરાલુ,રવિવાર
ખેરાલુ નગરમાં વિજ કચેરીના ડેપ્યુટી એન્જીનીયર અને જુુનીયર એન્જીનીયરોએ લોડ વધારા માટે લોકોને કોઈપણ પ્રકારની સુચના આપી નથી. કાળઝાળ ગરમીમાં લોડ પુરુ ન મળતા લોકોના એસી ચાલતા નથી. જેથી મહેતાવાડ અને ચબુતરા વાસના લોકોએ વિજ કચેરીમાં ફરીયાદ કરી ત્યારે વિજ કચેરીના અધિકારીઓએ બહાનુ કાઢ્યુ કે ખેરાલુ પાલિકા અમને ડીપી ઊભી કરવા જગ્યા ફાળવતી નથી તો અમે કેવી રીતે લોડ(વોલ્ટેજ) પુરા પાડી શકીએ. નફ્ફટાઈભર્યા જવાબથી લોકો ચુપ થઈ ગયા. બીચારા બાપડા ગ્રાહકો વીલે મોંઢે ઘેર આવ્યા.
આ બનાવ બાબતે જાગૃત લોકોએ ખેરાલુ પાલિકા પ્રમુખ પ્રેમજીભાઈ દેસાઈ તથા ઉપપ્રમુખ રસીકભાઈ કડીયા સમક્ષ ફરીયાદ કરી કે વિજ કચેરીવાળા પાલિકાનો વાંક કાઢી લોડ (વોલ્ટેજ) પુરા આપતા નથી. પાલિકા પ્રમુખ/ઉપપ્રમુખે યુધ્ધના ધોરણે સોમવારેજ વિજ કચેરીને પત્ર લખ્યો કે વિજ કચેરીને સમગ્ર ખેરાલુ શહેરમાં યોગ્ય લાગે તે જગ્યાએ વિજ ડીપી ઉભી કરવી હોય તો પાલિકા તંત્રને સાથે રાખી તમે જગ્યાની પસંદગી કરો. વિજ કચેરીના અધિકારીઓએ પાલિકાનો વાંક કાઢ્યો પણ પાલિકાએ આખા નગરમાં જ્યાં પણ વિજ ડીપી ઉભી કરવી હોય ત્યાં લેખીત સંમતી આપતા વિજ અધિકારીઓની ચાલ ઉંધી પાડી દીધી.
વિજ કચેરીના અધિકારીઓની આળસને કારણે આખુ નગર અત્યારે ઓછા વોલ્ટેજને કારણે હેરાન થઈ રહ્યુ છે. જો વિજ કચેરીએ છ મહિના પહેલા એટલેકે દિવાળી પછી પાલિકાનો સંપર્ક કરી વીજ ડીપી ઉભી કરવા માંગણી કરી હોતતો અત્યારે નગરમાં વોલ્ટેજનો પ્રશ્ન હલ થઈ ગયો હોત. વિજ કચેરીના અધિકારીઓને પોતાના સ્વાર્થ સીવાય કશામાં રસ નથી. નોકરી કરવી એટલે માત્ર નિયમિત પગાર લેવો તેવોજ અર્થ કરી લોકસેવાના મંત્રને ભુલી અધિકારીઓ લોકોને હૈરાન કરી રહ્યા છે. ખેરાલુ શહેરમાં વીજ ડીપી ઉભી કરવા માટે શિયાળામાં ન વિચાર્યુ હવે કાળઝાળ ગરમીમાં બે-ચાર વખત ચાર-પાંચ કલાક લાઈટો બંધ રાખી વિજ ડીપી ઉભી કરશે જેનાથી આખુ ખેરાલુ શહેર હૈરાન પરેશાન થઈ જશે. સમયસર લોકઉપયોગી કામો ન કરનાર આવા અધિકારીઓ ઉપર કોઈ કાર્યવાહી થવાની નથી. કારણ ગુજરાત વિદ્યુત બોર્ડ હવે કંપની બની ગઈ છે. નફો રળવાનું સાધન હોય તેમ વિજ કચેરીના વિસનગર અને મહેસાણા એ.સી.ઓફીસોમાં બેસતા સાહેબોએ સેવાના માધ્યમને ધંધો બનાવી દીધો છે. ખેરાલુ વિજ કચેરીના અધિકારીઓ ઉપર કોઈ પગલા ભરાશે નહી. કારણ ભ્રષ્ટ તંત્ર વિજ કચેરીનો નિયમ થઈ ગયો છેકે વર મરો કન્યા મરો પણ ગોરનું તરભાણુ ભરો. લોકોનું થવુ હોય તે થાય, લોકોને ઓછા વોલ્ટેજ મળે તેમાં ઉચ્ચ અધિકારીઓને શુ તકલીફ હોય. પૈસા તો લોકો વિજબીલના ભરેજ છે પછી લોકસેવા કરી શુ ફાયદો? ખરેખર આવુ વિચારતા અધિકારીઓને કડકમાં કડક સજા કરવી જોઈએ પણ..? આવા અધિકારીઓને છાવરતા ભ્રષ્ટ તંત્રને કહે કોણ?

Leave a Reply

Top