You are here
Home > Local News > વિસનગરના લોકસંવાદ સેતુ કાર્યક્રમમાં – મંત્રીઓએ ઈન્ચાર્જ ચીફ ઓફીસર નવનીતભાઈ પટેલનો ઉધડો લીધો

વિસનગરના લોકસંવાદ સેતુ કાર્યક્રમમાં – મંત્રીઓએ ઈન્ચાર્જ ચીફ ઓફીસર નવનીતભાઈ પટેલનો ઉધડો લીધો

(પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર
વિસનગર નગરપાલિકાના ઈન્ચાર્જ ચીફ ઓફીસર નવનીતભાઈ પટેલનો ગેરકાયદેસર દબાણો તોડવાના મુદ્દે લોકસંવાદ સેતુ કાર્યક્રમમાં હાજર મંત્રીઓએ ઉધડો લેતા જણાવ્યુ હતુ કે તમારા એક પણ પ્રશ્નના જવાબમાં અમને સંતોષ નથી. અમે દબાણની જગ્યાએ જઈએ અને સરકારમાં રીપોર્ટ કરીએ તો તમારી શુ હાલત થશે. મંત્રીઓએ ઉધડો લેતા ઈન્ચાર્જ ચીફ ઓફીસરના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. ઈન્ચાર્જ ચીફ ઓફીસર ખોટા બુમ બરાડા પાડવામાં પાવરધા છે તેવુ લોકસંવાદ સેતુ કાર્યક્રમમાં હાજર મંત્રીઓ પહેલીથીજ પામી ગયા હતા.
વિસનગરના ઈન્ચાર્જ ચીફ ઓફીસર નવનીતભાઈ પટેલ ગેરકાયદેસર દબાણો અને બાંધકામો છાવરવામાં પાવરધા છે. અગાઉ ત્રણ દરવાજા ટાવર પાસે બ્રહ્મભટ્ટ ક્લાસીસની આગળ ચાલતા માર્કેટનુ બાંધકામ રોકવા ઈન્ચાર્જ ચીફ ઓફીસરે નોટીસ આપવા છતા પાછળથી ચીફ ઓફીસરની મૌખીક સુચનાથી કામ ધમધમતુ થયુ હતુ. આ સીવાય પાલિકા સભ્યોએ પણ આક્ષેપ કર્યા છેકે ગેરકાયદેસર બાંધકામ ચાલતા હોય તો રોકવા માટે ચીફ ઓફીસર નોટીસ કાઢતા નથી. ગેરકાયદેસર દબાણો અને બાંધકામોને પ્રોત્સાહન આપતી ચીફ ઓફીસર નવનીતભાઈ પટેલની પોલ વિસનગર તાલુકા લોકસંવાદ સેતુ કાર્યક્રમમાં ખુલ્લી પડી હતી.
તાલુકા સેવાસદનમાં માર્ગ મકાન વિભાગના મંત્રી જયદ્રથસિંહ પરમાર, કુટીર ઉદ્યોગ મંત્રી તારાચંદ છેડા, કલેક્ટર, પ્રાન્ત, ધારાસભ્ય વિગેરે અધિકારીઓ અને પદાધિકારીઓની હાજરીમાં લોકસંવાદ સેતુ કાર્યક્રમ યોજાયો હતો. જે કાર્યક્રમમાં અરજદાર બ્રીજેશભાઈ નટવરલાલ પટેલ દ્વારા રજુઆત કરાઈ હતી કે પાલિકા વ્હાલા દવાલાની નિતિ રાખી કામ કરે છે. અમારી સોસાયટીના દબાણકારોને ફાયદો કરાવવા પ્રયત્નો કરે છે, જ્યારે મારુ દબાણ તોડવા તાત્કાલીક કાર્યવાહી કરી હતી. અરજદારની રજુઆત સંદર્ભે ચીફ ઓફીસર નવનીતભાઈ પટેલે જણાવ્યુ હતું કે, વર્ષ-૨૦૧૪ માં પાલિકાએ ડી.એલ.આર.એ કરેલ માપણી પ્રમાણે દબાણ હટાવ્યુ છે. અત્યારે મારી પાસે મહેસાણા પાલિકાનો ચાર્જ છે. ત્યા વધુ કામ રહે છે. વિસનગર પાલિકામાં આવુ ત્યારે અન્ય કામમાં વ્યસ્ત રહેતો હોવાથી સમય બહારના કામમાં આપી શકતો નથી. ચીફ ઓફીસરનો આવો બીન્દાસ્ત જવાબ સાંભળી મંત્રી તારાચંદ છેડાએ કહ્યુ, ભાઈ તમારા એક પણ પ્રશ્નના જવાબમાં મને સંતોષ નથી, તમે શુ કરવા ખોટા જવાબો આપો છો, અત્યારે હું, બાપુ(જયદ્રથસિંહ પરમાર) અને કલેક્ટર આ દબાણની જગ્યા જોવા જઈએ અને તમે ખોટો જવાબ આપ્યો છે તેવો સરકારમાં રીપોર્ટ કરીએ તો તમારી શું હાલત થશે તેની તમને ખબર છે? આ સમયે લોકો ઉપર છાપ ઉપસાવવા મોટા બરાડા પાડી વાતો કરતા ચીફ ઓફીસર નવનીતભાઈ પટેલનુ મોં સીવાઈ ગયુ હતુ. વધુમાં મંત્રીએ એક અરજદાર વિક્રમભાઈ પટેલના પ્રશ્નમાં પણ ચીફ ઓફીસરનો જવાબ ગળે ઉતરે તેમ ન હોવાથી મંત્રી તારાચંદ છેડાએ ચીફ ઓફીસરને કહ્યુ હતું કે, લોક દરબારમાં ફરીયાદો આવતા પહેલા તેનો નિકાલ કરવો જોઈએ. લોકસંવાદ સેતુમાં આવેલ તમામ પ્રશ્નોનો ૭ દિવસમાં નિકાલ કરી તેનો રીપોર્ટ કલેક્ટરશ્રીને મોકલી આપવા ચીફ ઓફીસરે ખાત્રી આપી હતી.

Leave a Reply

Top