You are here
Home > Local News > વિસનગર તાલુકા સેવાસદનમાં લોકસંવાદ સેતુ કાર્યક્રમ યોજાયો – લોકસંવાદમાં અરજદારોએ પ્રશ્નોનો ધોધ વરસાવતા મંત્રીઓ અટવાયા

વિસનગર તાલુકા સેવાસદનમાં લોકસંવાદ સેતુ કાર્યક્રમ યોજાયો – લોકસંવાદમાં અરજદારોએ પ્રશ્નોનો ધોધ વરસાવતા મંત્રીઓ અટવાયા

(પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર
વિસનગર તાલુકા સેવાસદનમાં રાજ્યના કુટીર ઉદ્યોગમંત્રી તારાચંદ છેડા અને માર્ગ અને મકાન વિભાગના મંત્રી જયદ્રથસિંહ પરમારના અધ્યક્ષસ્થાને લોકસંવાદ સેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલ, જીલ્લા કલેક્ટર આલોકકુમાર પાન્ડે, પ્રાન્ત અધિકારી વી.જી.રોર, મામલતદાર આર.એમ.દંતાણી, તાલુકા વિકાસ અધિકારી, ડી.એસ.નાયી, ઈન્ચાર્જ ચીફ ઓફીસર નવનીતભાઈ પટેલ સહીત વિવિધ સરકારી વિભાગના અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ૭૨ અરજદારોમાં ૨૩ અરજદારોએ પોતાના પ્રશ્નોની રજુઆતો કરી હતી. જેમાં કેટલાક અરજદારોએ પાલિકા ચીફ ઓફીસર નવનીતભાઈ પટેલની કામગીરી બાબતે રોષ વ્યક્ત કર્યો હતો.
વિસનગર તાલુકા સેવાસદનમાં ગત બુધવારે રાજ્યના કુટીર ઉદ્યોગમંત્રી તારાચંદ છેડા અને માર્ગ અને મકાન વિભાગના મંત્રી જયદ્રથસિંહ પરમારના અધ્યક્ષસ્થાને લોકસંવાદ સેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શહેર-તાલુકાના ૭૨ અરજદારોમાં ૨૩ અરજદારોએ હાજર રહી પોતાના પ્રશ્નોની રજુઆત કરી હતી. જેમાં ગટરલાઈન, પીવાના પાણીની સમસ્યા, સી.સી.રોડ બનાવવા બાબત, બિનઅધિકૃત દબાણ દુર કરાવવા, ધરોઈનુ પાણી મેળવવા, રી-સર્વેની માપણી, નવીન ટ્યુબવેલ મંજુર કરવા, જી.ટી.પી.એલ.દ્વારા ગ્રાહકોને સેટઅપ બોક્ષનુ બીલ આપવા, એસ.ટી.બસ શરૂ કરવા, જેવા અન્ય પ્રશ્નોની રજુઆતો થઈ હતી. ત્યારે મંત્રીશ્રીએ તમામ રજુઆતકર્તાઓના પ્રશ્નોનુ ઝડપી નિરાકરણ લાવવા સબંધકર્તા કચેરીના અધિકારીને સુચના આપી હતી. જેમાં વિક્રમભાઈ પટેલ નામના અરજદારે બન્ને મંત્રીશ્રીઓ અને જીલ્લા કલેક્ટર સમક્ષ પોતાની હૈયાવરાળ કાઢતા જણાવ્યું હતુ કે મેં ગટરલાઈન અને વરસાદી પાણીના નિકાલ બાબતે આજદીન સુધીમાં દરેક લોક દરબાર અને લોકસંવાદ સેતુના કાર્યક્રમમાં રજુઆતો કરી છે. છતાં આજદીન સુધી કોઈ કામ થયુ નથી. લોકદરબાર કાર્યક્રમમાં તો પ્રજાને ટલ્લે ચડાવ્યા સિવાય કોઈ વાત જ નથી. ગત તા.૨૬-૮-૨૦૧૪ ના રોજ યોજાયેલ લોકસંવાદ સેતુ કાર્યક્રમમાં મંત્રીશ્રી દિલીપજી ઠાકોરે જાહેરમાં કહ્યુ હતુ કે આ સરકાર કાગળીયા ઉપર ચલાવવાની નથી. પરંતુ આ સરકાર તો હવામાં જ ચાલી છે. અગાઉ જે અધિકારી કામ કરતા હતા તેમની કચ્છમાં બદલી કરી દેવામાં આવી. આમ લોકદરબારમાં વાયદા કરવામાં આવે છે. પ્રજાના કોઈ કામ થતા નથી. અરજદારની રજુઆત સાંભળ્યા બાદ મંત્રીશ્રી તારાચંદ છેડાએ ચીફ ઓફીસર અને તાલુકા વિકાસ અધિકારીને તમામ પ્રશ્નોનો ઝડપી નિકાલ કરી તેનો જીલ્લા કલેક્ટરશ્રીને રિપોર્ટ રજુ કરવા સુચના આપી હતી. જ્યારે મનિષભાઈ પટેલ(ગળીયા) નામના અરજદારે જી.ટી.પી.એલ.દ્વારા સેટઅપ બોક્ષનુ બીલ આપવામાં નહી આવતુ હોવાના મુદ્દે રજુઆત કરતા વેચાણવેરા અધિકારીએ જવાબ આપ્યો હતો કે ગુજરાત મુલ્ય વર્ધિત વેરો અધિનિયમ-૨૦૦૩ ની કલમ ૬૦ તથા નિયમ-૪૨ મુજબ નોંધાયેલ વ્યક્તિ(વેપારી) બીલ આપવા માટે જવાબદાર છે. પરંતુ ઉમા કેબલ વિસનગર વેટ કાયદા અન્વયે નોંધાયેલ ના હોઈ તેઓને બીલ આપવાની ફરજ પાડી શકાતી નથી. વેચાણવેરા અધિકારીનો જવાબ સાંભળીને મંત્રીશ્રીએ કહ્યુ કે જો જીટીપીએલ વાળા ગ્રાહકને સેટઅપ બોક્ષનુ બીલ ન આપે તો વસ્તુની ગેરંટી શું? કાલે વેપારી કહેશે મારી પાસેથી વસ્તુ ખરીદીજ નથી તો શું કરવાનુ? આમ કહીને સબંધકર્તા કચેરીના અધિકારીને રેડ પાડવાનુ જણાવી અરજદારોને ન્યાય આપવા સુચના આપી હતી. જોકે આવા તો ઘણા પ્રશ્નો હતા જેના જવાબો આપવામાં અધિકારીઓ ગેં ગેં ફે ફે કરતા હતા. પરંતુ બન્ને મંત્રીશ્રીઓ અને જીલ્લા કલેક્ટરે તમામ અધિકારીઓને અરજદારોના પ્રશ્નોનો નિકાલ લાવવા સુચના આપીને તેનો રીપોર્ટ કરવા જણાવ્યુ હતુ. અગાઉ યોજાયેલ લોકસંવાદ સેતુના કાર્યક્રમ કરતા આ લોકસંવાદ સેતુના કાર્યક્રમમાં માર્ગ અને મકાન વિભાગના મંત્રી, જયદ્રથસિંહ પરમાર, કુટીર ઉદ્યોગમંત્રી તારાચંદ છેડા, વિસનગર ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલ, જીલ્લા કલેક્ટર આલોકકુમાર પાંડેએ અરજદારોને ઝડપી ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે અગાઉના દરેક લોકદરબાર અને લોકસંવાદ કાર્યક્રમોમાં અરજદારોને થયેલા અનુભવોના લીધે આ લોકસંવાદ સેતુના કાર્યક્રમમાં માત્ર ૨૩ અરજદારોએ હાજર રહી પોતાની રજુઆતો કરી ન્યાયની આશા રાખી હતી. અરજદારોમાં એવી ચર્ચા હતી કે લોકસંવાદ સેતુ કે લોકદરબારનો કાર્યક્રમ હોય દરેકમાં મંત્રીશ્રીઓ કાગળ ઉપર કામગીરી બતાવવા આવે છે. હકીકતમાં આ કાર્યક્રમમાં મેચ ફિક્સીંગ જેવુજ હોય છે. માત્ર સામાન્ય પ્રશ્નોમાં ન્યાય અપાય છે. જ્યારે વિવાદીત પ્રશ્નોમાં તેઓ અરજદારને ફુટબોલની જેમ રમાડતા હોય છે. પરિણામે લોકોને આવા કાર્યક્રમો ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો છે. આજે પોલીસનો લોકદરબાર હોય કે ફરીયાદ નિવારણ કાર્યક્રમ દરેકમાં અરજદારો ન્યાય મેળવવા ધક્કા ખાય છે. ત્યારે જોવાનું એ છેકે આ લોકસંવાદ સેતુના કાર્યક્રમમાં કેટલા અરજદારોને અધિકારીઓ ન્યાય આપે છે.
અત્રે નોંધપાત્ર બાબત છેકે આ કાર્યક્રમમાં ફુલચંદભાઈ પટેલ નામના કોર્પોરેટરે પોલીસ ઉપર આક્ષેપ કરતા જણાવ્યુ હતુ કે પોલીસ શહેરમાં ચાલતા દારૂના અડ્ડા બાબતે જાણતી હોવા છતાં કોઈ કાર્યવાહી કરતી નથી. જો કોઈ વ્યક્તિ પોલીસને દારૂના અડ્ડા વિશે માહિતી આપે તો તે લીક થાય છે. કોર્પોરેટરની રજુઆત સાંભળીને મંત્રીશ્રી તારાચંદ છેડાએ શહેર પી.આઈ.એમ.એચ. વાઘેલાને શહેરમાં ચાલતા દારૂના અડ્ડાઓ ઉપર દરોડા પાડી કાયદેસરની કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો.

Leave a Reply

Top