You are here
Home > Local News > ચુંટણીમા ત્રણ મંડળીઓ અને વેપારી મતદારો રદ કરવાના વિવાદમાં ખેરાલુ માર્કેટયાર્ડ માટે આજે હાઈકોર્ટમાં સુનાવણીની શક્યતા

ચુંટણીમા ત્રણ મંડળીઓ અને વેપારી મતદારો રદ કરવાના વિવાદમાં ખેરાલુ માર્કેટયાર્ડ માટે આજે હાઈકોર્ટમાં સુનાવણીની શક્યતા

ચુંટણીમા ત્રણ મંડળીઓ અને વેપારી મતદારો રદ કરવાના વિવાદમાં
ખેરાલુ માર્કેટયાર્ડ માટે આજે હાઈકોર્ટમાં સુનાવણીની શક્યતા

(પ્ર.ન્યુ.સ.)ખેરાલુ,રવિવાર
ખેરાલુ માર્કેટયાર્ડમા મતદાર યાદીની પ્રાથમિક પ્રસિધ્ધિ પછી પહેલા બે મંડળીઓ રદ કરી હતી. જેમા ખેરાલુ તેલીબીયા ઉત્પાદક સહકારી મંડળીનો સહકારી ખરીદ વેચાણ વિભાગમા ઉમેરો કરવામા આવ્યો ત્યારબાદ અંતિમ મતદારયાદી પ્રસિધ્ધ કરવામા આવી તેમાંથી ખેરાલુ તેલીબીયા ઉત્પાદક સહકારી મંડળીને સહકારી ખરીદ વેચાણ વિભાગમાંથી રદ કરવામા આવતા ત્રણ મંડળીઓવાળા અને વેપારી વિભાગમાં ભાજપના આગેવાનોના નામ ઘુસાડી દેવા મુદ્દે ચાર અપિલો હાઈકોર્ટમા કરવામા આવી છે. આ અપિલોમા મહત્વની વાત એ છે કે જેમણે ના દુરસ્ત તબિયતના કારણે ખેરાલુ માર્કેટયાર્ડની ચુંટણીમાંથી ક્ષેત્ર સંન્યાસ લીધો હતો. તેવા માર્કેટયાર્ડના પૂર્વચેરમેન દલજીભાઈ રામજીભાઈ ચૌધરીએ બે અપીલ દાખલ કરાવી ફરીથી સક્રિય થઈ ગયા છે. જયારે અપીલો દાખલ કરવામા આવી ત્યારે હાઈકોર્ટે હુકમ કર્યો કે ૬-૬-ર૦૧૬ના રોજ ઉઘડતી કોર્ટે સુનવણી થશે જેથી આજે ત્રણ મંડળીઓ અને વેપારી મતદારો મુદ્દે સહકારી આગેવાનોમા ભારે ઉત્સુકતા જોવા મળશે. ખેરાલુ માર્કેટયાર્ડમાં અંતિમ મતદાર યાદી પ્રસિધ્ધ કરવામા આવી તે પછી કૃષિ પેદાશ અને બિયારણ ઉત્પાદક સંઘ લી.ખેરાલુને સહકારી ખરદી વેચાણ મત વિભાગની યાદીમાંથી રદ કરતા પૂર્વે ચેરમેન દલજીભાઈ રામજીભાઈ ચૌધરીએ હાઈકોર્ટમા અપીલ કરી છે.
આ મંડળીને રદ કરવા બાબતે ચર્ચાતી વિગત પ્રમાણે કોઈપણ પ્રકારની કામગીરી કરેલી ન હોવાથી તેને રદ કરવામા આવી છે. વેપારી મત વિભાગમા ૧૪૩ મત છે. જેમા જુના ૩૯ કે ૪૦ મુળ વેપારીઓના બદલામા ૧૦૦ ઉપરાંત મત વધારાના ભાજપ સમર્પિત લોકોના દાખલ કરી દેતા પટેલ મનુભાઈ તળશીભાઈ અને ચૌધરી દલજીભાઈ રામજીભાઈના કહેવાથી હાઈકોર્ટમાં અપીલ કરી મત રદ કરાવવા માંગણી કરી છે. ખેડુત મત વિભાગમાંથી મંદ્રોપુર (ફ) સેવા સહકારી મંડળી લી.મંદ્રોપુરને રદ કરતા ચૌધરી માનસંગભાઈ લવજીભાઈએ હાઈકોર્ટમા અપીલ કરી છે. સહકારી ખરીદ-વેચાણ વિભાગની મતદાર યાદીમા ખેરાલુ તેલીબીયા ઉત્પાદક સહકારી મંડળીનુ નામ પ્રથમ મતદાર યાદીમા ઉમેરી અંતિમ મતદાર યાદીમા નામ કમી કરતા દેસાઈવાડના મહાદેવવાસમા રહેતા મહેન્દ્રભાઈ મોતીભાઈ દેસાઈએ હાઈકોર્ટમાં અપીલ કરી છે.
ઉપરોક્ત ચાર અપીલોની સુનવણી આજે ૬-૬-ર૦૧૬ના રોજ યોજાવાની શકયતા છે. ખેરાલુ માર્કેટયાર્ડમા ધારાસભ્ય ભરતસિંહ ડાભી સામેના ગ્રુપને કોગ્રેસના એક મહત્વના ગ્રુપનો ટેકો છે. જેમા ખેરાલુ તાલુકા કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઈ દેસાઈનુ ગ્રુપ પણ મદદ કરી રહ્યુ છે. ચુંટણી સમયે બન્ને પક્ષો મજબુત પેનલો સામ સામે ઉતારશે પરંતુ જો હાઈકોર્ટ ચારે અપીલો માન્ય રાખી મતદાન કરવાની પરમીશન આપશે તો ધારાસભ્ય ભરતસિંહ ડાભી અને ભિખાલાલ ચાચરીયા ગ્રુપને ચુંટણીમા મોટો ફટકો પડશે. જોઈએ હવે શુ થાય છે.

Leave a Reply

Top