You are here
Home > Local News > મામલતદાર આર.એમ.દંતાણી અને સ્ટાફની આવડત તથા મહેનતથી તાલુકા સેવાસદનમાં EBCના ૧૨૦૦ સહીત ૧૮૦૦૦ દાખલા નીકળ્યા

મામલતદાર આર.એમ.દંતાણી અને સ્ટાફની આવડત તથા મહેનતથી તાલુકા સેવાસદનમાં EBCના ૧૨૦૦ સહીત ૧૮૦૦૦ દાખલા નીકળ્યા

(પ્ર.ન્યુ.સ.)      વિસનગર,રવિવાર

સરકાર દ્વારા બીન અનામત કક્ષાના આર્થિક રીતે નબળા વર્ગો માટે ૧૦ ટકા અનામત જાહેર કરવામાં આવ્યા બાદ પાટીદારો દ્વારા તેનો વિરોધ કરી સરકારની આ જાહેરાતને લોલીપોપ ગણવામાં આવી રહી છે. ત્યારે બીજી બાજુ ૧૦ ટકા અનામતનો લાભ લેવા આવકના દાખલા લેવા બીન અનામત જ્ઞાતિઓનો ભારે ઘસારો તાલુકા સેવાસદનમાં જોવા મળી રહ્યો છે. વિસનગર તાલુકા સેવાસદનમાં બે માસના ગાળામાં ૧૨૦૦ ઈબીસી સહીત વિવિધ ૧૮૦૦૦ દાખલા નીકળ્યા છે. જે મામલતદાર આર.એમ.દંતાણી તથા તેમના સ્ટાફની કુનેહભરી લોકહિતની કામગીરી આભારી છે.

વિવિધ પરીક્ષાના પરિણામો જાહેર કરતા એપ્રીલ, મે અને જુન માસ એટલે તાલુકા સેવાસદનમાં આવકના અને નોની ક્રીમીલીયર દાખલા કાઢવાની સીઝન. આ ત્રણ માસના સમયમાં મામલતદાર ઓફીસનો મોટાભાગનો સ્ટાફ આ કામગીરીમાં જોતરાયેલો રહે છે. મામલતદાર આર.એમ.દંતાણીના માર્ગદર્શનમાં એટીવીટી નાયબ મામલતદાર રમીલાબેન પટેલ, કોમ્પ્યુટર ઓપરેટર સહદેવ પટેલ, નિલેશ પટેલ, પરથીજી ઠાકોર, ગૌરવ(ગોપી) પરમાર વિગેરે અરજદારોને બીજા દિવસે સમયસર દાખલા મળી રહે તે માટે મોડી રાત સુધી કામગીરી નિભાવી રહ્યા છે. એટીવીટીમાં અરજદારોના ટોળા હોય છે ત્યારે આવી કાળઝાળ ગરમીમાં બફારો અને સકોફેશન જેવી પરિસ્થિતિમાં આખો દિવસ એટીવીટીમાં બેસી કામ કરતા સ્ટાફની કામગીરી ખરેખર બીરદાવનારી છે. દાખલા મેળવવા સીટી અને ગ્રામ્ય વિસ્તારના અરજદારોનો ખુબજ ઘસારો રહે છે. આખા દિવસમાં ૨૦૦ દાખલા આપવાનીજ તંત્રની કેપેસીટી છે. ત્યારે અરજદારોને નંબરની રાહ જોઈ આખો દિવસ બેસી રહેવુ ન પડે તે માટે મામલતદાર દ્વારા ટોકન પધ્ધતિ શરૂ કરવામાં  આવી છે. દિવસમાં ૨૦૦ ટોકન આપવામાં આવે છે. ટોકન ન મળ્યો હોય તે બીજા દિવસ આવી શકે છે. ટોકન પધ્ધતિથી આખો દિવસ બગડતો નથી. ટોકન મેળવવા વહેલી સવારથીજ એટીવીટી કેન્દ્ર આગળ લાઈનો લાગે છે. આવકના દાખલા માટે વાલીની જરૂર પડતી હોવાથી ઘણા સીનીયર સીટીઝન્સ લાઈનમાં ઉભા રહેલા જોવા મળે છે. ઈબીસીમાં નોકરીનો લાભ લેવા માટે કેટલીક પરણીત યુવતીઓ પોતાના નાના બાળક સાથે લાઈનમાં ઉભા રહેતા દેખાય છે. ખરેખર ઉનાળાની કાળઝાળ ગરમીમાં દાખલા લેવા માટે અરજદારોની પરિસ્થિતિ દયનીય બને છે. ત્યારે એટીવીટી કેન્દ્રની બહાર અરજદારોને તડકામાં ઉભા રહેવુ પડે છે. શેડ માટે મામલતદાર દ્વારા દરખાસ્ત કરાઈ છે પરંતુ માર્ગ અને મકાન વિભાગના પેટનુ પાણી હાલતુ નથી. માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ અહી આવી કલાક ઉભા રહેતો સાચી પરિસ્થિતિ સમજાય. અરજદારો માટે પીવાના પાણીની પણ કોઈ વ્યવસ્થા નથી. જેનો અરજદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

જોકે આવી પરિસ્થિતિમાં પણ એટીવીટી કેન્દ્રમાં એપ્રીલ અને મે માસમાં વિવિધ ૧૮૭૨૩ દાખલા નીકળ્યા છે. જેમાં વિસનગર સીટી વિસ્તારમાં આવકના ૮૦૧, સામાજીક શૈક્ષણિક પછાત વર્ગ પ્રમાણપત્રના ૬૨, એસ.સી.,એસ.ટી. જ્ઞાતિના દાખલા ૧૦, નોન ક્રીમીલીયર પ્રમાણપત્ર ૯૭૯ સહીત કુલ ૧૯૨૦ દાખલા નીકળ્યા છે. જ્યારે વિસનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના આવકના દાખલા ૮૨૨૨, એસ.સી.એસ.ટી.જ્ઞાતિના દાખલા ૫૫, સામાજીક શૈક્ષણિક રીતે પછાત વર્ગનુ પ્રમાણપત્ર ૨૮૨, નોન ક્રીમીલીયર અંગેના પ્રમાણપત્ર ૪૮૩૪ સહીત કુલ ૧૩૫૧૨ દાખલા નીકળ્યા છે. નોકરી તથા શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે બીન અનામત કક્ષાના આર્થિક રીતે નબળા વર્ગોના ઈબીસી દાખલામાં વિસનગર સીટીના ૨૯૮ તથા ગ્રામ્ય વિસ્તારના ૯૨૧ દાખલા નીકળ્યા છે. લોકોને સમયસર દાખલા મળી રહે તે માટે મામલતદાર આર.એમ.દંતાણી તથા તેમના સ્ટાફની કામગીરી સરાહનીય છે.

Leave a Reply

Top