સાગથળા સરપંચની નિષ્કાળજીથી રોગચાળો ફેલાવાનો ભય

સાગથળા સરપંચની નિષ્કાળજીથી રોગચાળો ફેલાવાનો ભય

News, Prachar News No Comments on સાગથળા સરપંચની નિષ્કાળજીથી રોગચાળો ફેલાવાનો ભય

સાગથળા સરપંચની નિષ્કાળજીથી રોગચાળો ફેલાવાનો ભય

(પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર
ખેરાલુ તાલુકાના સાગથળા ગ્રામ પંચાયતના સરપંચની નિષ્કાળજીના કારણે ગામમાં ગંદકી જોવા મળે છે. ગંદકીના કારણે ગ્રામજનો નાની-મોટી બિમારીમાં સપડાયા છે. જેમાં થોડા દિવસો પહેલા ગામના કેટલાક લોકોમાં ડેન્ગ્યુ જેવા ગંભીર રોગના લક્ષણો દેખાતા ગ્રામજનોમાં ભારે ફફડાટ ફેલાયો છે. છતાં ગ્રામ પંચાયતના સરપંચ અને આરોગ્યતંત્રના અધિકારીઓએ ગામમાં ફેલાયેલી ગંદકી દૂર કરવા કોઈ પગલા લીધા નથી.
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર ભારતને સ્વચ્છ અને સુંદર બનાવવાની ઝુંબેશ ઉપાડી છે. જેમાં સ્થાનિક ભાજપના રાજકીય આગેવાનો પોતાના વિસ્તારને ગંદકીમુક્ત બનાવવાના જાહેરમાં બણગા ફુંકતા હતા. પરંતુ સમય થતા આજ આગેવાનોને જાણે નરેન્દ્રભાઈ મોદીમાં કે તેમના સ્વચ્છતા અભિયાનમાં રસ ઉઠી ગયો હોય તેવું લાગે છે. જેના કારણે આજે કેટલાય ગામોમાં ઠેર-ઠેર ગંદકી જોવા મળે છે. જેમાં ખેરાલુ તાલુકાના સાગથળા જેવા નાના ગામમાં સરપંચની નિષ્કાળજીના લીધે ગામમાં ગંદકી ફેલાઈ છે. ગંદકીના લીધે ઝેરી મચ્છરોનો ઉપદ્રવ વધતા ગ્રામજનો નાની-મોટી બિમારીઓમાં સપડાયા છે. જેમાં થોડા દિવસો પહેલા ગામના ૮ થી ૧૦ લોકો ડેન્ગ્યુ જેવા ગંભીર રોગના ભરડામાં આવી જતા ગ્રામજનોને રોગચાળો ફેલાવાનો ડર પેદા થયો છે. હાલમાં ગ્રામજનોમાં એવી ચર્ચા છેકે ગામમાં ઘણા સમયથી ગંદકી અને ગંદા પાણીના ખાબોચીયા ભરાયેલા રહે છે. જે બાબતે ગ્રામજનો દ્વારા વારંવાર સરપંચને રજુઆતો કરવા છતાં તેમના તરફથી ગંદકી દુર કરાવવા કોઈ પગલા લેવામાં આવતા નહતા. જ્યારે આરોગ્યતંત્રના અધિકારી તો કાળઝાળ ગરમીમાં એ.સી.ની ઠંડકમાંથી બહાર નિકળવાની હિંમત કરતા નથી. આમ ગ્રામ પંચાયતના સરપંચ અને આરોગ્યતંત્રના અધિકારીની નિષ્કાળજીના લીધે ગામમાં ડેન્ગ્યુ જેવા ગંભીર રોગે માથુ ઉચક્યુ છે. ત્યારે ગ્રામજનોના આરોગ્યને ધ્યાને લઈને સરપંચે ગામમાં ફેલાયેલી ગંદકી દુર કરાવવા તાત્કાલિક પગલા ભરી ગ્રામજનોને રોગચાળાના ભયમાંથી મુક્ત કરાવવા જોઈએ. જોકે આ લખાય છે ત્યાં સુધી ગ્રામ પંચાયત દ્વારા ગંદકી દુર કરવામાં આવી નથી.

 

Leave a comment

Back to Top