You are here
Home > Prachar News > સ્યુસાઈડ નોટથી આબરૂના લીરા ઉડ્યા બાદ પોલીસ જાગી ફરિયાદ દાખલ કરાવવા હવે આત્મહત્યા કરવી પડશે?

સ્યુસાઈડ નોટથી આબરૂના લીરા ઉડ્યા બાદ પોલીસ જાગી ફરિયાદ દાખલ કરાવવા હવે આત્મહત્યા કરવી પડશે?

સ્યુસાઈડ નોટથી આબરૂના લીરા ઉડ્યા બાદ પોલીસ જાગી

ફરિયાદ દાખલ કરાવવા હવે આત્મહત્યા કરવી પડશે?

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર મારવાડીવાસના ઝઘડામાં હિજરત કરી ગયેલા પરીવારોના ઘરમાં નુકશાન કર્યુ હોવાની ફરિયાદ વિસનગર પોલીસ દાખલ કરતી નહતી. ત્યારે મારવાડીવાસના માથાભારે ગૃપના માનસીક ત્રાસથી અને પોલીસની કનડગતથી એક વ્યક્તિએ આત્મહત્યા કરી હતી. આત્મહત્યા કરનારે સ્યુશાઈડ નોટમાં લખ્યુ હતુ કે, પોલીસ પૈસા માંગે છે, ફરીયાદ દાખલ કરતી નથી. સ્યુશાઈડ નોટથી પોલીસની આબરૂના ચીથરા ઉડ્યા બાદ પોલીસે આ બનાવમાં ૧૧ વિરુધ્ધ ગુનો દાખલ કર્યો હતો. ત્યારે પોલીસની આવી રીત રસમોથી ચર્ચાઈ રહ્યુ છેકે હવે ‘ફરિયાદ દાખલ કરાવવા આત્મહત્યા કરવી પડશે?’
વિસનગર મારવાડીવાસમાં તા.૧૪-૭-૧૪ ના રોજ બે જુથ વચ્ચે ઝઘડો થતા આ ઝઘડામાં મારવાડી જયેશભાઈ ગોવિંદભાઈની હત્યા થઈ હતી. આ ઝઘડામાં હત્યાનો ભોગ બનેલ જયેશભાઈ મારવાડીનુ જુથ માથાભારે હોવાથી સામેના જુથના અરજણભાઈ કાળુભાઈ મારવાડીનો પરિવાર, પ્રવિણભાઈ સવજીભાઈ મારવાડી, પરબતભાઈ કાળુભાઈ મારવાડી, સરદારભાઈ કાળુભાઈ મારવાડી વિગેરે કુટુંબના માણસો પોતાના મકાનને તાળા મારી બહારગામ જતા રહ્યા હતા. જેઓ હાઈકોર્ટના આદેશથી પોલીસ પ્રોટેક્શન સાથે ઘરે આવતા ઘરે આવીને જોયેલ તો બંધ ઘરના બારણા તુટેલા હતા. ઘરમાં કાળુ ઓઈલ જેવુ પ્રવાહી નાખ્યુ હતુ. પાણીના હોજમાં બુટ ચંપલ તથા પથરા નાખી ગંદકી કરી હતી. માથાભારે જુથની આવી હેવાનીયત સામે કરશનભાઈ કાળુભાઈ મારવાડીએ મકાનોને નુકશાન કરનાર સામે પોલીસ ફરીયાદ કરવા અરજી આપી હતી. પરંતુ પોલીસે ફરીયાદ દાખલ કરી નહોતી. પોલીસની આવી નિષ્ક્રીયતા સામે માથાભારે જુથની હિંમત વધતા કરશનભાઈ મારવાડી અને તેમના પરિવારને એવી ધમકી આપી હતી કે કોર્ટના ચુકાદામાં નિર્દોષ છુટશો તો અમે તમને સજા આપીશુ. માથાભારે જુથની આવી ધમકીઓથી ત્રાસી કરશનભાઈ કાળુભાઈ મારવાડીએ પોલીસ અને માથાભારે તત્વો વિરુધ્ધ સ્યુશાઈડ નોટ લખી દવા પી આત્મહત્યા કરી હતી. જે બાબતની ફરિયાદમાં પણ પોલીસે પોતાનુ પાપ છુપાવવા પ્રયત્ન કર્યો હતો. અગાઉ રબારી યુવતીએ સ્યુશાઈડ નોટ લખી આત્મહત્યા કરી હતી. જેમાં યુવતીના ભાઈએ ફરિયાદ કરતા પોલીસે એફ.આઈ.આર.માં યુવતી દ્વારા લખાયેલી સ્યુશાઈડ નોટના શબ્દોનો ઉલ્લેખ કર્યો હતો. જ્યારે મારવાડીવાસના બનાવમાં કરશનભાઈ મારવાડીએ આત્મહત્યા કરતા મૃતકના પુત્ર દ્વારા આપવામાં આવેલ ફરિયાદમાં પોલીસ વિરુધ્ધની સ્યુશાઈડ નોટનો કોઈ ઉલ્લેખ કરાયો નહોતો. આત્મહત્યા કરનાર કરશનભાઈ મારવાડીને જેટલો સામેના જુથનો ત્રાસ હતો તેટલોજ પોલીસ અધિકારીઓનો પણ ત્રાસ હતો. ત્યારે આરોપીઓમાં સામેના જુથના લોકોનાજ નામ લખવામાં આવ્યા છે. પોલીસ અધિકારીઓને બચાવવામાં આવ્યા છે.
આત્મહત્યા કરનાર કરશનભાઈ મારવાડીએ પોતાની હયાતીમાં મકાનને નુકશાન કરનાર સામે ગુનો નોંધવા પોલીસને ભારે કાકલુદી કરી હતી. ત્યારે પોલીસ દ્વારા પૈસા માગવામાં આવ્યા હતા. કરશનભાઈ મારવાડીની આત્મહત્યા બાદ તેમની વિધવા પત્ની પાર્વતીબેન કરશનભાઈ મારવાડીની ફરીયાદ લઈ વિસનગર પોલીસે બંધ મકાનોમાં તોડફોડ અને નુકશાન કરવા બદલ મારવાડી હંસાબેન રણછોડભાઈ, મારવાડી રણછોડભાઈ ગણેશભાઈ કોર્પોરેટર, મારવાડી પીન્કીબેન શાન્તીલાલ, મારવાડી લીલાબેન ઉર્ફે કાળી શાન્તીલાલ, મારવાડી શંકરભાઈ ગણેશભાઈ, મારવાડી રતનબેન પરષોત્તમભાઈ, મારવાડી લવંગબેન ઉજમભાઈ, મારવાડી રેખાબેન શંકરભાઈ, મારવાડી કાન્તાબેન ગોવિંદભાઈ, મારવાડી સપનાબેન રમેશભાઈ તથા મારવાડી જયશ્રીબેન જયેશભાઈ એમ ૧૧ આરોપીઓ વિરુધ્ધ ગુનો દાખલ કર્યો છે. આત્મહત્યા કરનારે પોતે જીવતા હતા ત્યારે આ ફરીયાદ દાખલ કરવા ઘણા પ્રયત્ન કર્યા હતા. જેમની આત્મહત્યા બાદ પોલીસે ફરિયાદ દાખલ કરતા વિસનગરમાં બુધ્ધીજીવી લોકો પ્રશ્ન કરી રહ્યા છેકે, ‘શુ હવે વિસનગરમાં પોલીસ ફરિયાદ કરાવવા આત્મહત્યા કરવી પડશે?’

Leave a Reply

Top