You are here
Home > Prachar News > પાલિકા અને કેળવણી મંડળના નામે મીટીંગ કરી – ખેરાલુમાં લોકો પાસેથી શિક્ષણના નામે દાન ઉઘરાવવાની પેરવી

પાલિકા અને કેળવણી મંડળના નામે મીટીંગ કરી – ખેરાલુમાં લોકો પાસેથી શિક્ષણના નામે દાન ઉઘરાવવાની પેરવી

(પ્ર.ન્યુ.સ.)ખેરાલુ,રવિવાર
ખેરાલુ નગરપાલિકા અને ખેરાલુ તાલુકા ઉત્તર વિભાગની કેળવણી મંડળના સંયુક્ત ઉપક્રમે તા.૬-૬-૨૦૧૬ ના રોજ સોમવારે ખેરાલુ પાલિકાના સભાખંડમાં નગરના આગેવાનોની મીટીંગ બોલાવી હતી. જેનો મુખ્ય વિષય ગર્લ્સ હાઈસ્કુલ અને મ્યુનિસીપલ હાઈસ્કુલના જીર્ણ થઈ ગયેલા મકાનોને રીપેરીંગ કરવાનો હતો. એજન્ડામાં જણાવ્યુ હતુ કે કેળવણી ક્ષેત્રે આધુનિકરણ અને સ્પર્ધાત્મક વ્યવસ્થા ગોઠવવા ગ્રામસભાના આયોજન પૂર્વે સાથે મળી વિચાર કરીએ. ભાવિ પેઢીના હીત માટે નિર્ણય કરવાનો હતો.
આ મીટીંગની શરુઆત ખેરાલુના નિવૃત્ત પ્રિન્સીપાલ તથા નગરના આદરણીય પોપટભાઈ બ્રહ્મભટ્ટે કરી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, કેળવણી મંડળ અને પાલિકાએ શિક્ષણક્ષેત્રે ભારે ઉદાસીનતા રાખી છે. પૈસા પાત્ર લોકો પોતાના બાળકો વિસનગર મહેસાણા ભણાવે છે. પરંતુ ખેરાલુની સ્કુલોમાં મધ્યમ વર્ગ અને નીચલા વર્ગના બાળકો અભ્યાસ કરે છે તેમની સલામતી માટે મકાન રીપેરીંગની સુવિધા આપવી પડે. બન્ને સંસ્થાઓની ઉદાસીનતાથી ખેરાલુ શહેર શિક્ષણ ક્ષેત્રે ૫૦ વર્ષ પાછળ પડી ગયુ છે. કેળવણી મંડળે મકાનો રીપેરીંગ કર્યા નથી. બન્ને સ્કુલોના મકાનો ૧૦ કરોડ રૂપિયાના છે. જેનો હાલ કોઈ રણીધણી નથી. છેલ્લા ૧૫ વર્ષથી સ્લેબ નાંખવો. રીપેરીંગ કરવુ જેવી જવાબદારી કેળવણી મંડળ નીભાવતી નથી તો શુ રીપેરીંગનુ નિરાકરણ ન આવે તો હાથ ઉપર હાથ રાખી બેસી રહેવુ તે ગામની નિષ્ફળતા કહેવાશે. ત્રણ મુદ્દા કેળવણી મંડળ સમક્ષ મુક્યા છે. જેમાં મકાનના સુધારા વધારા કેવી રીતે કરવા? (૧) કેળવણી મંડળ બેન્કમાંથી લોન લઈ રીપેરીંગ કરે તેની ભરપાઈ ખેરાલુ શહેર કરશે. (૨) પૂર્વનો ભાગ કેળવણી મંડળ નગરને સોંપી દે. એટલેકે કેળવણી મંડળના બે ભાગ થાય. (૩) વહીવટી બાબતો અને મકાનની માલિકી સીવાય તમામ બાબતોનું સંચાલન ખેરાલુ શહેર હસ્તક રહેશે.
ચર્ચા વિચારણા અંતે સ્કુલોનો ટેક્ષ ઘટાડવા પાલિકા સંમત થઈ ત્યારે કેળવણી મંડળ વતી ઘેમરભાઈ ચૌધરીએ કહ્યુ કે અમારે ભાડુ જોઈતુ નથી તેવો પત્ર લખી દીધો છે. ગ્રામ સભા બોલાવાનું સર્વાનુમતે નક્કી થયુ. પાલિકા પ્રમુખ પ્રેમજીભાઈ દેસાઈએ જણાવ્યુ હતુ કે કેળવણી મંડળ અખંડ રહેશે. પાલિકા, કેળવણી મંડળ અને નગરે જુની વાતો ભુલવી પડશે. નગરના લોકોની નાગરિક સમિતીને સંપુર્ણ અધિકારો અપાશે. કેળવણી મંડળ ઠરાવ કરી પાલિકાને મોકલે તે પછી કાર્યવાહી શરુ થશે. સંચાલક મંડળ(પાલિકા), કેળવણી મંડળ અને નગરજનોની સરખી ભુલ છે.
કેળવણી મંડળને અલગ કરવુ હોય તો ૮ થી ૧૦ કરોડ જોઈએ જે હાલ પાલિકા પાસે નથી.
ઉપરોક્ત મીટીંગ પછી બીજા દિવસે અમે કેળવણી મંડળના પ્રમુખ મોહનભાઈ દેસાઈ તથા કેળવણી મંડળના મંત્રી રામસંગભાઈ ચૌધરી(બળાદ)ને મળવા ગયા. પ્રશ્ન-૧ મોહનભાઈ દેસાઈને પ્રશ્ન કર્યો કે મીટીંગમાં ત્રણ મુદ્દા સમાધાન માટે મુક્યા હતા. તેમાં તમે કયા મુદ્દે સંમત છો? કેળવણી મંડળ અલગ કરવા. લોન લેવા કે નગરને રીપેરીંગ કરવા સત્તા આપવા? જવાબ :- ત્રણમાંથી એકપણ મુદ્દે હું કે મારા સાથી વહીવટકર્તા સંમત નથી. કેળવણી મંડળને બન્ને સ્કુલોનું સંચાલન સોંપી દો દાન ઉઘરાવવાની જરુરજ નથી. તમામ ખર્ચ કેળવણી મંડળ કરશે. કોલેજ કેમ્પસ કરતા પણ સારુ કેમ્પસ બનાવીશુ. તમામ ભૌતિક સગવડો ઉભી કરીશુ. ગાર્ડન બનાવી ફુવારા લગાવીશુ. પ્રશ્ન-૨ કેળવણી મંડળને અલગ કરવા પાલિકા પ્રમુખે જણાવ્યુ કે અમારી પાસે રૂા.૮ થી ૧૦ કરોડ નથી તો શુ. તમે મંડળ અલગ કરવા રૂપિયા માંગ્યા હતા? જવાબ :- ના અમે કોઈ માંગણી કરી નથી. પ્રમુખ જૂઠુ બોલે છે. પ્રશ્ન-૩ પાલિકા કેળવણી મંડળને સંચાલન સોંપી દે પછી તમે બન્ને સ્કુલો કોલેજ કેમ્પસમાં લઈ જાવ તેવો નગરજનોને ડર છે. તો તમે શુ કરવા માંગો છો? જવાબ :- અમે ઠરાવ કરી ખેરાલુ નગરજનોને લેખીત આપીયે કે અમે અને અમારા વખતો વખતના વહીવટકર્તા ક્યારેય સ્કુલોનુ સ્થળાંત્તર ન કરી શકે. બોલો પછી બિક શાની? ખેરાલુ પાલિકા સંચાલિત સ્કુલોમાં વખતો વખતના પ્રમુખો અને સભ્યોએ અસંખ્ય શિક્ષકો છેલ્લા ૫૦ વર્ષમાં ભર્યા છે. મોટાભાગની શિક્ષકોની નિમણુંકમાં ભ્રષ્ટાચાર થયો. જો શિક્ષકોની ભરતીના નાણાંની એફડીઓ પાલિકાએ કરી હોત તો અત્યારે કરોડો રૂપિયા શિક્ષણ માટે પાલિકા પાસે હોત હાલ રીપેરીંગ માટે દાન ઉઘરાવવા નીકળવાના છે તેની જરુરજ ન હોત. શિક્ષણમાં ભ્રષ્ટાચાર કર્યો પાલિકા સભ્યોએ અને હવે દાન નગરજનો આપે, આતો ક્યાંનો ન્યાય? ૨૦૧૭ ની પાલિકાની ચુંટણીમાં બન્ને સ્કુલોના રીપેરીંગનો પ્રશ્ન વિરોધ પક્ષો ન ઉઠાવે તે માટે હોબાળા શરુ કર્યા છે.
અને છેલ્લે નાગરિક સમિતી બને અને સમાધાન થાય તો કેળવણી મંડળના પ્રમુખ, પાલિકા પ્રમુખ અને નાગરિક સમિતીના પ્રમુખ પોપટભાઈ બ્રહ્મભટ્ટની સહીથી ખાતુ બેંકમાં દાન મુકવા ખોલવામાં આવશે. નગરમાં ચર્ચા થતી હતી કે ચારજણની સહી રાખો જેમાં ચોથો વ્યક્તિ પાલિકા ચીફ ઓફીસર રાખો. લોકોને પાલિકાના સભ્યો ઉપર વિશ્વાસ નથી. ખેરાલુમાં સત્તાની લાલચમાં ચાલતા મકાન રીપેરીંગના ખેલમાં ખેરાલુ નગરને ગેરમાર્ગે દોરવાનુ બંધ કરો. બન્ને સ્કુલો કેળવણી મંડળને સોંપી દો તોજ સારુ સંચાલન થશે તેવુ કેળવણી મંડળ મક્કમ રીતે માને છે.

Leave a Reply

Top