You are here
Home > Prachar News > સેવાસદનમાં ટાઈપરાઈટરોની ચીઠ્ઠી પ્રથાથી લુંટાતા અરજદારો

સેવાસદનમાં ટાઈપરાઈટરોની ચીઠ્ઠી પ્રથાથી લુંટાતા અરજદારો

(પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર
વિસનગર તાલુકા સેવાસદનના સંકુલમાં ઘણા વર્ષોથી ટાઈપ રાઈટરો અડીંગો જમાવીને બેઠા છે. જેમાં કેટલાક ટાઈપ રાઈટરો અરજદારની અજ્ઞાનતાનો ફાયદો ઉઠાવીને સોગંધનામાના કામમાં ઉઘાડી લુંટ ચલાવી રહ્યા છે. અત્યારે આવકના દાખલા તથા નોન ક્રિમિલેયર સર્ટી માટે વિદ્યાર્થીઓ વાલીઓનો ઘસારો છે. જેમને લુંટીને ટાઈપ રાઈટરો નોટરીને ઘી કેળા થઈ ગયા છે. છતાં જેની તાલુકા સેવાસદનના સંકુલમાં શું ચાલે છે તે જોવાની જવાબદારી છે તેવા મામલતદાર કે પ્રાન્ત અધિકારી દ્વારા આવા ટાઈપ રાઈટરો સામે કોઈ પગલા લેવામાં આવતા નથી. ત્યારે તંત્રના ઉચ્ચ અધિકારીઓએ અરજદારોના હિતમાં ડમી અરજદાર મોકલીને સોગંધનામાના કામમાં ઉઘાડી લુંટ ચલાવતા ટાઈપ રાઈટરો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.
વિસનગર તાલુકા સેવાસદનમાં કેટલાક ટાઈપરાઈટરો ગેરકાયદેસર અડીંગો જમાવીને બેઠા છે. આ ટાઈપરાઈટરોને આજુબાજુના નોટરીવાળા સાથે સાંઠગાંઠ હોય છે. જેથી કોઈપણ પ્રકારના સોગંધનામામાં નોટરી કરાવવા આવતા અરજદારોને તેઓ પોતાના લાગતા વળગતા નોટરીવાળા પાસે સોગંધનામાની નોટરી કરાવવા મોકલે છે. અરજદાર ભૂલથી બીજા કોઈ નોટરીવાળા પાસે નોટરી કરાવવા ન જતો રહે તે માટે તેઓ એક ચીઠ્ઠી આપે છે. જેના આધારે નોટરીવાળા અરજદાર પાસેથી નોટરીનો ચાર્જ લેતા નથી. પરંતુ નોટરી સાથેના સોગંધનામાનો ચાર્જ ટાઈપરાઈટરો લે છે. જેમાં વળી એકજ જગ્યાએ બેસતા ટાઈપરાઈટરો નોટરી સાથેના સોગંદનામામાં અરજદારો પાસેથી રૂા.૧૬૦ થી ૨૦૦ સુધી અલગ-અલગ ચાર્જ વસુલે છે. આ ઉપરાંત જો કોઈ વિદ્યાર્થી અરજદાર વાલીની ગેરહાજરીમાં નોટરી પાસે સોગંધનામામાં નોટરી કરાવવા જાય તો તેઓ તેની પાસેથી વધુ રૂપિયા લઈને વાલીની સહીનુ સેટીંગ કરી આપે છે. આમ કાયદાના જાણકાર નોટરીવાળા વધુ રૂપિયા કમાવવાની લ્હાયમાં કાયદાની ઐસી કી તૈસી કરીને વાલીની ગેરહાજરીમાં વિદ્યાર્થીઓને સોગંધનામુ કરી આપતા હોવાનુ અરજદારોમાં ચર્ચાય છે. છતાં મામલતદાર આર.એમ. દંતાણી અને પ્રાન્ત અધિકારી વી.જી.રોરે આજદીન સુધીમાં સંકુલમાં બેસતા ટાઈપરાઈટરો સામે કડક પગલા ભર્યા નથી. પરિણામે ટાઈપરાઈટરોને અજ્ઞાન અરજદારોની મજબુરીનો ફાયદો ઉઠાવીને સોગંધનામાના કામમાં ઉઘાડી લુંટ ચલાવવામાં મોકળુ મેદાન મળી ગયુ છે. ત્યારે જીલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓએ તાલુકાના અરજદારો પાસેથી ઉઘાડી લુંટ ચલાવતા ટાઈપરાઈટરોને ખુલ્લા પાડવા ડમી અરજદાર મોકલવો જોઈએ. જેથી ટાઈપ રાઈટર અને નોટરીવાળા વચ્ચેના સાંઠગાંઠનો પર્દાફાશ કરી શકાય. જ્યારે બીજીબાજુ શહેર-તાલુકાના અરજદારોએ પણ જાગૃતતા દાખવીને ટાઈપ રાઈટરોની ચીઠ્ઠીને કચરાપેટીમાં નાખી સરકારી ધારાધોરણ મુજબ નોટરીની ફી લેતા નોટરીવાળા પાસે સોગંધનામાની કે કોઈપણ પ્રકારની નોટરી કરાવવી જોઈએ. નહી તો કેટલાક ટાઈપરાઈટરો પોતાના આર્થિક ફાયદા સારૂ અરજદારો પાસેથી લખાણ સાથેના સોગંધનામામાં ઉઘાડી લુંટ કરવામાં જરાય ખચકાશે નહી?

Leave a Reply

Top