You are here
Home > News > તલાટીઓની મીલીભગતથી ખાનગી જમીન માલિકોને લીલાલહેર રેકર્ડમાં સુધારા કરી ગૌચર જમીનની લ્હાણી

તલાટીઓની મીલીભગતથી ખાનગી જમીન માલિકોને લીલાલહેર રેકર્ડમાં સુધારા કરી ગૌચર જમીનની લ્હાણી

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
જમીનોના ભાવ વધતા ગૌચર અને સરકારી પડતર ઉપર જમીન માલિકો કેટલાક ખેડૂતોની નજર બગડી છે. વિસનગર તાલુકાના કમાણા ગામમાં કેટલાક તલાટીઓએ ખેડૂતો સાથે મળી રેકર્ડમાં ચેડા કરી ગૌચરની જમીન ભેટ આપી દેતા ચકચાર જાગી છે. આ બાબતે રજુઆત થતા ૧૦ વર્ષમાં આ સુધારા થયા હોવાથી ટીડીઓએ આ અરસામાં ફરજ બજાવી ચુકેલા ૬ તલાટીઓના નામનો અહેવાલ નાયબ ડીડીઓને મોકલી આપ્યો છે. જે તપાસનો ધમધમાટ વર્તાઈ રહ્યો છે. નવાઈની વાતતો એ છેકે સરકારી જમીનની લ્હાણી કરેલ જમીનમાં એક જમીન ઉપર બાંધકામ કરવા તાલુકા પંચાયત દ્વારા મંજુરી પણ આપી દીધી છે. કમાણા ગ્રામ પંચાયતના પૂર્વ સભ્ય પટેલ બબલદાસ ઉગરદાસ દ્વારા સમગ્ર લ્હાણી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. જોવાનુ એ છેકે ભાજપ સરકારમાં આવા કૌભાંડો કરનાર તલાટીઓ અને જમીન માલિકોને શબક શીખવવામાં આવે છેકે પછી ઢાંક પીછોડ કરવામાં આવે છે. તાલુકામાં અગાઉ આવા ઘણા કૌભાંડો દબાઈ ગયા છે.
વિસનગર તાલુકાના કમાણા ગામમાં તલાટીઓની મીલીભગતથી ગૌચર જમીનની લ્હાણી કૌભાંડની સમગ્ર વિગતો જોતા કમાણા ગામની પૂર્વમાં ગામઠાણ, ગૌચર અને સીમતળના નંબરો આપેલા છે. જેમાં ગૌચરની મોટી જમીનનો સ.નં.૧૨૫૨ આવેલ છે. જેને અડીને આવેલા ૧૨૫૨/૨, ૧૨૫૨/૩, ૧૨૫૨/૪ અને ૧૨૫૨/૫ માં સ.નં.૧૨૫૨/૨ પટેલ નારણભાઈ મગનદાસ વિગેરેના છે. આ સ.નં.નુ માપ ડી.એલ.આર.ની નકલ પ્રમાણે ૦-૬ ગુંઠા છે. પરંતુ આ માપ હાલના ૭-અ ના ઉતારા પ્રમાણે ૦/૦૭/૦૮ થઈ ગયુ છે. સ.નં.૧૨૫૨/૩ માં પટેલ મોહનભાઈ શંકરભાઈનુ નામ ચાલે છે. ડીએલઆરની નકલ પ્રમાણે આ સર્વે નં.નુ માપ ૦/૧ ગુઠા છે. પરંતુ હાલના ૭-અ ના ઉતારામાં ૦/૦૩/૦૧ માપ થઈ ગયુ છે. સ.નં.૧૨૫૨/૪ પટેલ પશાભાઈ શંકરદાસ વિગેરેના નામે ચાલે છે. ડી.એલ.આર.માં આ સ.નં.નુ માપ ૦/૦૧ ગુંઠા છે. પરંતુ ૭-અ માં ૦/૦૪/૧૬ માપ થઈ ગયુ છે. સ.નં.૧૨૫૨/૫ માં પટેલ કાન્તીભાઈ જોઈતારામ વિગેરેના નામ ચાલે છે. ડી.એલ.આર.પ્રમાણે આ સ.નં.નુ માપ ૦/૦૩ ગુંઠા છે. જ્યારે ૭-અ માં ૦/૦૬/૦૫ માપ થઈ ગયુ છે. જમીનોમાં ગેરરીતી કરી માપ વધારતા ગ્રામ પંચાયતના પૂર્વ સભ્ય પટેલ બબલદાસ ઉગરદાસ દ્વારા આ બાબતે ખાતાકીય અરજીઓ કરવામાં આવી છે. જેમાં જણાવ્યા પ્રમાણે તલાટીઓ અને જમીન માલિકોએ મળીને રેકર્ડમાં સુધારો કર્યા છે. આ બાબતે તા.૫-૧૦-૨૦૦૮ માં મુખ્યમંત્રીશ્રીના જનસંપર્કમાં અરજી આપી હતી. તા.૬-૧-૨૦૦૮ ના રોજ લોક ફરિયાદ નિવારણમાં કલેક્ટરને રૂબરૂ મુલાકાતમાં રજુઆત કરી હતી. કલેક્ટરે મામલતદારને તપાસ કરી નિકાલ કરવા તાકીદ કરી હતી. પરંતુ મામલતદારે આ બાબતે કોઈ જાતની તપાસ કરી નહોતી. મામલતદાર પાસે કેસ પહોચી અટકી ગયો હતો. પટેલ બબલદાસ ઉગરદાસ પંચાયતના સભ્ય હતા ત્યારે તા.૧૮-૫-૨૦૧૫ ના દિવસે મામલતદાર તથા મુખ્યમંત્રીશ્રીના સ્વાગત કાર્યક્રમમાં અરજી કરી હતી. જે તપાસ કલેક્ટરે પ્રાન્તને સોપી અને પ્રાન્તે મામલતદારને તપાસ સોપી અને મામલતદારે જીલ્લા વિકાસ અધિકારીને તપાસ સોપી. સરકારી અધિકારીઓએ પણ આ કેસની ઢાંકપીછોડ કરવા કેવુ એકબીજાના માથે નાખ્યુ છે તે જોવાની બાબત છે. છેલ્લે મામલતદારે તપાસ કરતા રેકર્ડ સાથે ચેડા કરી જમીન માપમાં ફેરફાર થયો હોવાનો અહેવાલ જીલ્લા વિકાસ અધિકારીને આપ્યો હતો. તેમજ વર્ષ ૧૯૮૩-૮૪ થી વર્ષ ૧૯૯૧-૯૨ દરમ્યાન કમાણા ગામે તલાટી તરીકે કયા કર્મચારી ફરજ બજાવતા હતા તે વિગતો મેળવી આ તલાટીઓએ ક્ષેત્રફળમાં થયેલ ફેરફાર કયા કારણોસર કરેલ છે તે સબંધે વિગતો મેળવી તલાટીઓની જવાબદારી નક્કી કરી પગલા ભરવા જણાવ્યુ છે. વિસનગર તાલુકા પંચાયત કચેરીએ રેકર્ડ સાથે ચેડા થયેલ આ દશ વર્ષના અરસામાં કમાણા ગામમાં તલાટી તરીકે પટેલ પ્રહેલાદભાઈ ગણેશભાઈ, પટેલ મધુસુદનભાઈ દેવચંદભાઈ, પટેલ મંગળદાસ એન., ચૌધરી નાથુભાઈ એન., પટેલ એમ.એન. તથા ડી.એસ.સોનીએ તલાટી તરીકે ફરજ બજાવી હોવાનો નાયબ ડીડીઓને અહેવાલ મોકલ્યો છે.
નવાઈની બાબતતો એ છેકે રેકર્ડ સાથે ચેડા કરી મેળવેલી જમીનમાં તાલુકા પંચાયતે કોઈપણ આધાર જોયા વગર ફક્ત ૭-અ ના ઉતારો જોઈ પરવાનગી આપતા બાંધકામ પણ થઈ ગયુ છે. પટેલ મણીલાલ જોઈતારામે આ બાંધકામ કર્યુ છે. જે કમાણા ગામના મહિલા સરપંચના સસરા થાય છે. બીજા મોહનભાઈ શંકરલભાઈ પટેલે પણ એન.એ.પરવાનગી તથા ગ્રામ પંચાયતની પરવાનગી વગર બાંધકામ કરી દીધુ છે. સરકારી કર્મચારીઓ અને જમીન માલિકો રેકર્ડમાં સુધારા કરી સરકારી જમીન હડપ કરવા જે ગેરકાયદેસર કૃત્ય કર્યુ છે તે ગુનાને પાત્ર છે. આવા ગુનેગારો સામે પગલા ભરી સરકારી જમીનો ઉપરથી ગેરકાયદેસર કબજો ખાલી કરાવવા પટેલ બબલદાસ ઉગરદાસ દ્વારા અરજીઓ કરવામાં આવી છે.

Leave a Reply

Top