You are here
Home > News > પ્રમુખના પિતાના માર્કેટમાં પણ દબાણ છે-દબાણકર્તા મારા પિતાનુ દબાણ હશે તો પણ તોડીશ-પ્રમુખ પ્રજ્ઞાબેન

પ્રમુખના પિતાના માર્કેટમાં પણ દબાણ છે-દબાણકર્તા મારા પિતાનુ દબાણ હશે તો પણ તોડીશ-પ્રમુખ પ્રજ્ઞાબેન

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરમાં ખેરાલુ રોડ ઉપર સ્પાન મેઘા મોલની સામેના માર્કેટમાં એક દુકાનદારે દબાણ કરતા તેનો વિવાદ વર્ક્યો છે. ગેરકાયદેસર દબાણ સામે કાર્યવાહીની હિલચાલ થતા દબાણકર્તાએ આક્ષેપ કર્યો છેકે પ્રમુખના પિતાના માર્કેટમાં પણ દબાણ છે. આ બાબતે પ્રમુખે શહેરમાં દાખલો બેસે એવી કામગીરી કરવા જણાવ્યુ છેકે મારા પિતાના માર્કેટમાં દબાણ હશે તો પણ તોડીશ. જોકે પ્રમુખના પિતાના માર્કેટ આગળ પણ બે દુકાનો ગેરકાયદેસર હોવાનુ જાણવા મળ્યુ છે.
વિસનગર શહેરમાં ગઠબંધનના શાસનની સત્તા સંભાળી ત્યારથી શહેરમાં ગેરકાયદેસર કેબીનો મુકવાની અને ગેરકાયદેસર માર્કેટો બનાવવાની પ્રવૃત્તિ ધમધમી છે. સભ્યોની વારંવારની રજુઆત બાદ પણ ચીફ ઓફીસર ગેરકાયદેસર દબાણો અને બાંધકામો સામે નોટીસો કાઢી કાર્યવાહી નહી કરતા ગઠબંધન શાસન ઉપર આક્ષેપો થઈ રહ્યા છે. ગઠબંધન શાસનની આબરૂના ધજાગરા ઉડી રહ્યા છે. ત્યારે આબરૂ બચાવવા અને આક્ષેપોને ખોટા ઠરાવવા પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલ તથા તેમની સાથેના કેટલાક સભ્યોએ આવા દબાણો સામે કાર્યવાહી કરવા બીડુ ઝડપ્યુ છે. ખેરાલુ રોડ ઉપર બી.કે.સીનેમાની જગ્યામાં બનેલ સ્પાન મેઘા મોલની સામે આવેલ ધનલક્ષ્મી માર્કેટમાં દુકાન ધરાવતા મહાલક્ષ્મી ફેબ્રીકેશનવાળા પ્રહેલાદભાઈ પટેલે તેમની દુકાન આગળ દબાણ કરતા ભારે વિવાદ સજાર્યો છે. આ દબાણ દુર કરવાની હિલચાલ થતા પ્રહેલાદભાઈ પટેલે જણાવ્યુ છેકે અમારૂ માર્કેટ ૩૦ વર્ષ જૂનુ છે. માર્કેટની છતમાંથી પોપડા પડે છે. જાનહાની થાય તેમ છે. જે બાબતે અગાઉ માર્કેટના વેપારીઓ દ્વારા આસીસ્ટન્ટ કલેક્ટર સમક્ષ પણ રજુઆત કરવામાં આવી છે. માર્કેટ જર્જરીત થતા રીપેરીંગ કરવામાં આવ્યુ છે. પ્રહેલાદભાઈ પટેલે પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલ ઉપર આક્ષેપ કરતા વધુમાં જણાવ્યુ છેકે, જીગર એગ્રો ઈન્ડસ્ટ્રીઝ વાળા માર્કેટમાં બે દુકાનનુ બાંધકામ મળેલ છે. માર્કેટ ગેરકાયદેસર છે. દુકાન આગળ શટર્સ ખોટા ફીટ કર્યા છે. સીડીના ભાગે બાંધકામ કરી શટર લગાવી બંધ કરેલ છે. નીચે બ્રહ્માણી હોટલ બંધ કરવાનુ કાવતરૂ કરેલ છે. આ માર્કેટની જગ્યા પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલના પિતાની છે. અમોને ધનલક્ષ્મી માર્કેટમાં ખોટી રીતે હેરાન કરે છે. જાણવા મળ્યા પ્રમાણે જીગર એગ્રો ઈન્ડસ્ટ્રીઝ આગળ આવેલ બે દુકાનો પણ ગેરકાયદેસર છે. જેની સામે પણ કોઈ કાર્યવાહી થતી નથી.
પ્રહેલાદભાઈ પટેલના આક્ષેપ બાબતે પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલે જણાવ્યુ છેકે મારા પિતાના માર્કેટમાં દબાણ જણાશે તો તે પણ તોડતા વિચાર કરીશ નહી. પ્રમુખે જણાવ્યુ છેકે પ્રહેલાદભાઈ પટેલને હાજર રાખી મારા પિતાના માર્કેટની માપણી કરાવીશ અને માપણી કરતા વધારાનુ બાંધકામ જણાશે તો તોડતા વિચાર કરીશ નહી.
જોકે કડા ત્રણ રસ્તાથી પાલડી ત્રણ રસ્તા સુધીના હાઈવે ઉપર કેટલાક માર્કેટો નિયમ પ્રમાણે રોડથી ૫૦ થી ૭૦ ફૂટ દુર છે. જ્યારે કેટલાક માર્કેટ રોડને અડીને આવેલા છે. પાલિકા દ્વારા આવા ગેરકાયદેસર બાંધકામો સામે કાર્યવાહી કરી દાખલો બેસાડવામાં નહી આવે તો માર્કેટના દુકાનદારો દુકાન આગળની માર્જીનની જગ્યામાં દબાણ શરૂ કરશે તો રોડ સુધી આવી જશે. અને આ હાઈવેની દશા પણ શહેરના અંદરના રોડ જેવી થઈ જશે. આ હાઈવે ઉપર ફૂટપાથ ઉપર પણ પુષ્કળ પ્રમાણમાં દબાણો થયા છે. કેટલાકે ફૂટપાથને વખાર બનાવી દીધી છે. ત્યારે પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલે જે રીતે ગૌરવપથ રોડ ઉપરથી દબાણો હટાવ્યા તે રીતે હાઈવે પરની ફૂટપાથ ઉપરથી પણ દબાણો દુર કરવા જોઈએ.

Leave a Reply

Top