You are here
Home > Local News > માર્કેટયાર્ડ શેષની ગેરરીતીમાં કર્મચારીઓની સંડોવણી બહાર આવી

માર્કેટયાર્ડ શેષની ગેરરીતીમાં કર્મચારીઓની સંડોવણી બહાર આવી

(પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર
વિસનગર માર્કેટયાર્ડમાં જે રીતે માર્કેટયાર્ડની મિલ્કતો વેચાણમાં મોટુ કૌભાંડ થયેલ છે તેજ રીતે માર્કેટ શેષમાં પણ મોટી ગેરરીતી થઈ છે. ધારાસભ્ય ઋષિભાઈ પટેલે માર્કેટયાર્ડના ચેરમેન પદે હોદ્દો સંભાળ્યા બાદ માર્કેટ શેષની ગેરરીતીની તપાસનો ધમધમાટ થયો છે. જેમાં કેટલાક કર્મચારીઓ પણ ફસાયા હોવાનુ જાણવા મળ્યુ છે. આવા કર્મચારીઓની બદલી કરવામાં આવી છે.
વિસનગર માર્કેટયાર્ડની મિલ્કતો વેચાણ લેખ કરી સસ્તામાં ફટકારી મારવામાં આવતા પૂર્વ ચેરમેન પ્રહેલાદભાઈ ગોસા સામે માર્કેટની મિલ્કતોની ગેરરીતી મુદ્દે પોલીસ ફરિયાદ થઈ છે. માર્કેટયાર્ડની મિલ્કતોની વેચાણમાં જે રીતે ગેરરીતી થઈ હતી તેવીજ ગેરરીતી માર્કેટ શેષમાં થઈ છે. માર્કેટના વેપારીઓ પાસેથી શેષના ઉઘરાવેલ કરોડો રૂપિયા માર્કેટમાં જમા થયા નથી. વેપારીઓ દ્વારા શેષની રકમ આપવામાં આવી છે. પરંતુ પાવતીઓ ફાટી નથી. મિલ્કત વેચાણની ગેરરીતીના કેસમાં શેષની ખાયકી બાબતે પણ જે તે વખતે તપાસ કરતા પોલીસ અધિકારીએ માર્કેટયાર્ડમાંથી માહિતી મેળવી હતી. વહિવટદારના શાસનમાં માર્કેટયાર્ડ દ્વારા કેટલી શેષ માર્કેટમાં જમા થઈ કેટલી પાવતી ફાટી અને કેટલી શેષ બારોબાર થઈ તેની માહિતી આપી હતી. પરંતુ આ તપાસમાં શહેરના જીનના વેપારીઓના પગ તળે રેલો આવે તેમ હોવાથી વેપારીઓની ઉચ્ચ રજુઆત સંદર્ભે પોલીસ તપાસમાં આ કૌભાંડ બહાર આવ્યુ નહોતુ. જાણવા મળ્યા પ્રમાણે વહીવટદારના ગત હિસાબી વર્ષના શાસનમાં તમામ શેષની આવક માર્કેટમાં જમા થઈ છે. જેના કારણે ગત વર્ષે માર્કેટમાં ઓછી આવક અને ઓછો વેપાર હોવા છતા અગાઉના વર્ષ કરતા ફક્ત રૂા.૧૫ લાખ જેટલીજ શેષની ઓછી આવક થઈ છે.
જાણવા મળ્યા પ્રમાણે શેષની આવકમાં પણ મોટુ કૌભાંડ હોઈ ધારાસભ્ય ઋષિભાઈ પટેલે ચેરમેનનો ચાર્જ સંભાળ્યા બાદ શેષની આવક અને તેમાં થયેલ કૌભાંડની તપાસ હાથ ધરી છે. આ તપાસમાં માર્કેટના વેપારીઓ ઉપરાંત જીનના વેપારીઓને માર્કેટયાર્ડની ઓફીસમાં બોલાવ્યા હતા. આ વેપારીઓએ વખતોવખત માર્કેટની શેષ ઉઘરાવતા કેટલાક કર્મચારીઓને શેષની રકમ આપી દીધી હોવાનુ જણાવ્યુ હતુ. જે રકમ આપી હતી તેટલી રકમ માર્કેટમાં જમા થઈ નથી. વેપારીઓએ કયા સમયે કેટલી રકમ શેષની આપી તેની માહિતી માર્કેટમાં આપી છે. આ તપાસમાં માર્કેટ શેષની રકમ કેટલાક કર્મચારીઓએ પણ બારોબાર વગે કરી હોવાનુ જાણવા મળતા આવા કર્મચારીઓની બદલી કરી અન્ય કામગીરી સોપવામાં આવી છે. ટુંક સમયમાં માર્કેટ શેષમાં કેટલુ કૌભાંડ થયુ છે તેમાં માર્કેટનુ કેટલુ નુકશાન થયુ છે તેનો ધડાકો થાય તો નવાઈ નહી.

Leave a Reply

Top