You are here
Home > Prachar News > વિકાસમંચની કોર કમિટિના સભ્યએ આપેલ વચન ભૂલી – વિસનગર પાલિકા સભ્યોએ સ્મશાનના દાનના લાકડા વેચી માર્યા

વિકાસમંચની કોર કમિટિના સભ્યએ આપેલ વચન ભૂલી – વિસનગર પાલિકા સભ્યોએ સ્મશાનના દાનના લાકડા વેચી માર્યા

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર વિકાસમંચના સભ્યો અને વિસનગર વિકાસમંચના પાલિકામાં ચુંટાયેલા કોર્પોરેટરોએ સ્મશાનના લાકડાનો વેપાર કરી શરમજનક કાર્ય કર્યુ છે. આ કાર્યને કદાચ કુદરત પણ માફ નહિ કરે.
પ્રાપ્ત માહિતી મુજબ ગત વર્ષ ભારે વંટોળના કારણે વિસનગર ડોસાભાઈ બાગમાં અનેક ઝાડ પડી ગયા હતા. તે અરસામાંજ વિસનગર સાર્વજનિક સ્મશાનગૃહના વહીવટકર્તાઓએ અગ્નીસંસ્કાર માટે વિનામુલ્યે લાકડા આપવાનો પ્રસ્તાવ મુકી લોકોને લાકડાનુ દાન આપવાનુ આહ્‌વાહન કર્યુ હતુ. ત્યારબાદ વિકાસમંચની રચના થઈ. વિકાસમંચના પ્રયત્નોથી વિસનગર પાલિકામાં ગઠબંધનના બહુમતી સભ્યો ચુંટાયા તે વખતે વિકાસમંચની કોર કમીટીના અગ્રણી સમક્ષ વાત મૂકાઈ કે બાગમાં પડી ગયેલા ઝાડનુ લાકડુ વિસનગર સ્મશાનગૃહમાં દાન કરાય. જે વાત વિકાસમંચના અગ્રણીઓએ સ્વીકારી. વિકાસમંચના કોર કમિટિના કેટલાક સભ્યો સાથે લાકડા દાનની ચર્ચા કરી એવા નિર્ણય ઉપર આવ્યા કે પાલિકા સીધેસીધુ લાકડુ દાન આપી શકતી નથી. જ્યારે તેની હરાજી થાય ત્યારે હરાજીમાં ટોકન કિંમતની બોલી બોલી લાકડુ સ્મશાનગૃહમાં અપાશે. જ્યારે વ્યક્તિ પાસે સત્તા આવે ત્યારે પહેલામાં પહેલુ કાર્ય વચન ભુલવાનુ થાય છે. વિસનગર પાલિકા દ્વારા બાગમાં પડી ગયેલા ઝાડોના લાકડાની હરાજી કરાઈ. જેમાંથી ફક્ત ૨૫ હજાર રૂપિયાજ મળ્યા હતા. આ લાકડુ ઓછામાં ઓછા ૫૦ મૃતદેહોને અગ્નિદાહ અપાય તેટલુ લાકડુ હતુ. જે વેચી મારવામાં આવ્યુ. પાલિકા પણ સાર્વજનિક સંસ્થા છે અને સ્મશાન ગૃહ પણ સાર્વજનિક છે. પાલિકા પાસે આવક છે. સ્મશાનગૃહ દાન ઉપર ચાલે છે. ૨૫ હજાર રૂપિયાની આવકથી પાલિકાને કોઈ ફેર પડવાનો નહતો. છતાં આવી નજીવી કિંમત માટે વિકાસમંચના કોર કમિટિના સભ્યોને તેમનુ આપેલુ વચન કેમ યાદ ન આવ્યુ? હવે લાકડું વેચાઈ ગયુ છે. પાલિકા સભ્યો અને વિકાસમંચના સભ્યો દ્વારા જાણે અજાણે એક મોટુ પાપ થઈ ગયુ છે. કર્મના સિધ્ધાંત મુજબ આ પાપકર્મ જવાબદાર છે. તેમને નડી શકે છે. જેથી પાલિકા કોર્પોરેટરો અને વિકાસમંચના સભ્યોએ તેનુ પ્રાયશ્ચિત કરવુ પડશે. એક મૃતદેહને અગ્નિદાહ માટે એક હજાર રૂપિયાનુ લાકડુ સામાન્ય રીતે જોઈએ. જેથી પાલિકા સભ્યો અને વિકાસમંચના સભ્યો એક એક હજારનુ દાન કરી ૫૦ થી ૬૦ હજાર એકત્રિત કરી દાન આપશે તો થયેલા પાપકર્મનુ પ્રાયશ્ચિત થઈ શકશે અને તે કરવું જોઈએ.

Leave a Reply

Top