You are here
Home > Local News > તાલુકાના ગામડાના પ્રશ્નોનો ઝડપી નિકાલ લાવવા ધારાસભ્યએ ખાત્રી આપી ધારાસભ્ય તથા ટીડીઓનુ સરપંચ એસો.દ્વારા સન્માન કરાયુ

તાલુકાના ગામડાના પ્રશ્નોનો ઝડપી નિકાલ લાવવા ધારાસભ્યએ ખાત્રી આપી ધારાસભ્ય તથા ટીડીઓનુ સરપંચ એસો.દ્વારા સન્માન કરાયુ

(પ્ર.ન્યુ.સ.)ષ્ઠવિસનગર,રવિવાર
વિસનગર માર્કેટયાર્ડના હૉલમાં સરપંચ એસો.દ્વારા માર્કેટયાર્ડના ચેરમેન ધારાસભ્ય ઋષિભાઈ પટેલનુ અને નવનિયુક્ત બાહોશ ટીડીઓ વિજયભાઈ ચૌધરીનો સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં ધારાસભ્ય ઋષિભાઈ પટેલે ગામડાઓના વિવિધ પડતર પ્રશ્નોનો ઝડપી નિકાલ લાવવા માટે ખાત્રી આપી હતી. જ્યારે ટીડીઓ વિજયભાઈ ચૌધરીએ વિકાસ માટે સરપંચોને પુરો સહકાર આપવા જણાવ્યુ હતુ.
વિસનગર માર્કેટયાર્ડના હૉલમાં તા.૨૩-૬-૨૦૧૬ ના રોજ સરપંચ એસોસીએશન દ્વારા માર્કેટયાર્ડના ચેરમેન ધારાસભ્ય ઋષિભાઈ પટેલ અને ટીડીઓ વિજયભાઈ ચૌધરીનુ સન્માન કરવા માટેનો એક કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ધારાસભ્ય ઋષિભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તલાટીશ્રી, સરપંચશ્રીઓ તથા તાલુકા પંચાયત સ્ટાફની મીટીંગ મળી હતી. જેમાં સરપંચ એસો.દ્વારા માર્કેટયાર્ડના ચેરમેન તરીકે વરાયેલા ધારાસભ્ય ઋષિભાઈ પટેલનુ શાલ અને ફુલહારથી બહુમાન કરવામાં આવ્યુ હતુ. તેમજ નવા આવેલા તાલુકા વિકાસ અધિકારી વિજયભાઈ ચૌધરીનુ પણ ફુલહાર તથા શાલ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યુ હતુ. આ સાથે તાલુકા પંચાયતના નિવૃત્ત થયેલ ના.કા.ઈ.ગણેશભાઈ પટેલ તથા આગામી સમયમાં નિવૃત્ત થનાર તલાટી કમ મંત્રીશ્રીઓને પણ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યુ હતુ. સરપંચ એસો.ના પ્રમુખ ભરતભાઈ ચૌધરીએ સ્વાગત પ્રવચન કરી ધારાસભ્ય, ટીડીઓ, સ્ટાફ, સરપંચો, તલાટીઓ તથા અન્ય હોદ્દેદારોનુ ઉષ્માભર્યુ સ્વાગત કર્યુ હતુ.
આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી વિજયભાઈ ચૌધરીએ તેમના પ્રવચનમાં સરપંચશ્રીઓ તથા તલાટીશ્રીઓને વિસનગર તાલુકો તા.૨૫-૭-૨૦૧૬ પહેલા ઓ.ડી.એફ કરવાનો હોઈ તમામ ગામોમાં બાકી શૌચાલયો સ્વચ્છ ભારત મિશન(ગ્રા)ની ગાઈડલાઈન મુજબ ગુણવત્તાવાળા બને તે તે માટે કાર્યવાહી કરવા અપીલ કરવામાં આવી હતી. સાથે સરપંચોના ગામને લગતા વિકાસના પ્રશ્નોનો ઝડપી નિકાલ કરવા માટેની ખાત્રી પણ આપવામાં આવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય તથા માર્કેટયાર્ડના ચેરમેન ઋષિભાઈ પટેલે પણ સરપંચો દ્વારા મીટીંગમાં મળેલ રજુઆતો-પ્રશ્નો અન્વયે વિગતે ચર્ચા વિચારણા કરી તમામ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવા માટેની ખાત્રી આપવામાં આવી હતી. માર્કેટયાર્ડ દ્વારા મળતા લાભોમાં પણ હકારાત્મક વલણ અપનાવવામાં આવશે તેમ જણાવવામાં આવ્યુ હતુ. તાલુકાના વિકાસ માટે એમ.પી,એમ.એલ.એ., આયોજન, એટીવીટી અને નાણાપંચની ગ્રાન્ટો અંગેનુ પણ માર્ગદર્શન આપવામાં આવેલ હતુ. આ સીવાય તાલુકાને ઓડીએફ બનાવવા માટે તથા તાલુકાના ગામોના પ્રશ્નો બાબતે પણ ઝડપથી નિરાકરણ થાય તેવા પ્રયત્નો કરવામાં આવશે તેવી ખાત્રી પણ આપવામાં આવી હતી. ૧૩ મા નાણાપંચની મુદત વધારા અંગે સરકારમાં રજુઆત કરવામાં આવી છે અને તેનો હકારાત્મક ઉકેલ આવશે તેવુ ધારાસભ્યએ જણાવ્યુ હતુ. ધારાસભ્યએ વધુમાં તાલુકાના વિકાસ માટે સરકારના ગતિશીલ ગુજરાત અભિગમ અન્વયે તમામને ફાળવવામાં આવેલ લક્ષ્યાંકો, ગ્રાન્ટોનો ઉપયોગ સમયસર કરી કામો પૂર્ણ કરવા તમામ સરપંચ અને તલાટીઓને અનુરોધ કર્યો હતો. આમ ધારાસભ્ય ઋષિભાઈ પટેલ દ્વારા તાલુકાના વિકાસ માટે કામ કરવા પોતાની પ્રતિબધ્ધતા દોહરાવી હતી. આ સમગ્ર કાર્યક્રમનુ સંચાલન રાવળાપુરા સરપંચ ભરતભાઈ ચૌધરી, કાંસા એન.એ.સરપંચ ચેતનભાઈ પટેલ તથા વાલમ પ્રા.શાળાના શિક્ષક શૈલેષભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યુ હતુ.

Leave a Reply

Top