You are here
Home > News > વિસનગર ટીડીઓએ જ્ઞાતિવાદનો ભેદભાવ રાખ્યા વગર રંગાકુઈમાં તણાવભરી સ્થિતિમાં જાહેર રસ્તાના દબાણો દુર કર્યા

વિસનગર ટીડીઓએ જ્ઞાતિવાદનો ભેદભાવ રાખ્યા વગર રંગાકુઈમાં તણાવભરી સ્થિતિમાં જાહેર રસ્તાના દબાણો દુર કર્યા

(પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર
વિસનગર તાલુકાના રંગાકુઈ ગામમાં જાહેર રસ્તા ઉપર થયેલા દબાણને દુર કરાવવા માટે ગામનાજ રહીશે તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત સહીત વિવિધ કચેરીઓમાં રજુઆત કરી હતી. જેમાં જીલ્લા વિકાસ અધિકારીના આદેશથી ટીડીઓ વિજયભાઈ ચૌધરી સહીતના સ્ટાફે ગત મંગળવારે તણાવભરી પરિસ્થિતિમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ દુર કરવાની કામગીરી હાથ ધરી હતી. ટીડીઓએ તમામ દબાણકર્તા પોતાની જ જ્ઞાતિના હોવા છતાં કોઈપણ જાતનો ભેદભાવ રાખ્યા વગર દબાણ દુર કરાવતા સમગ્ર તાલુકાના લોકોએ તેમની કામગીરીની સરાહના કરી હતી.
રંગાકુઈ ગામના જાહેર રસ્તા ઉપર ગ્રામ પંચાયતના માજી સરપંચ ચૌધરી નેનાભાઈ માધાભાઈના ભાઈ ચૌધરી મણાભાઈ માધાભાઈએ મકાન બનાવતા થોડુક દબાણ કર્યુ હતુ. છતાં ગામમાં અંદરોઅંદર વિખવાદ ઉભો ન થાય તે માટે ગ્રામજનો રસ્તા પરનુ નડતરરૂપ દબાણ દુર કરાવવા કોઈ કાર્યવાહી કરતા ન હતા. પરંતુ કોઈ કારણોસર ગામના રહીશ ચૌધરી ઈશ્વરભાઈ ભેમાભાઈએ માજી સરપંચના ભાઈ ચૌધરી મણાભાઈ માધાભાઈ, ચૌધરી સોમાભાઈ ગલબાભાઈ, ચૌધરી કિર્તીભાઈ પ્રભુદાસ, ચૌધરી જીવતબેન જેસંગભાઈ, ચૌધરી દિનેશભાઈ કાનજીભાઈ, ચૌધરી જોઈતાભાઈ બેચરભાઈ, ચૌધરી મણીબેન પ્રભુદાસ, ચૌધરી મફતભાઈ કચરાભાઈ, ચૌધરી રામાભાઈ છનાભાઈ, ચૌધરી રમેશભાઈ વેલાભાઈ અને ચૌધરી શાન્તાબેન માનાભાઈએ ગામના જાહેર રસ્તા ઉપર કરેલ દબાણ હટાવવા ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયત સહીતની સબંધકર્તા કચેરીમાં લેખિત રજુઆતો કરી હતી. ત્યારે જીલ્લા વિકાસ અધિકારીએ અરજદારે આપેલ આધાર-પુરાવાને ધ્યાને રાખીને તપાસ કરાવતા તમામ દબાણકર્તાએ કાચુ-પાકું દબાણ કર્યુ હોવાનુ માલુમ પડ્યુ હતુ. ત્યારબાદ જીલ્લા વિકાસ અધિકારીની સુચનાથી તાલુકા વિકાસ અધિકારી વિજયભાઈ આર.ચૌધરીને આદેશ કરતા તેમને ગત મંગળવારે રંગાકુઈનુ રસ્તા પરનુ દબાણ દુર કરવાની કામગીરી શરૂ કરી હતી. પરંતુ મંગળવારે સવારે ટીડીઓ વિજયભાઈને કારોબારીની મીટીંગ હોવાથી તેમને તાલુકા પંચાયતની ટીમને દબાણ દુર કરાવવા મોકલી હતી. જ્યાં ગ્રામ પંચાયતના સરપંચ અમૃતભાઈ એસ.ચૌધરી, તલાટી કનુભાઈ ચૌધરી, તાલુકા સર્કલ, દિનેશભાઈ પટેલ, રૂપસંગજી ઠાકોર, આઈ.આર.ડી.શાખાના અ.મ.ઈ. મનસુખભાઈ પટેલ, તલાટી આગેવાન મનહરભાઈ મોદી, તલાટી સુરેશભાઈ પટેલ (ઘાઘરેટ), તલાટી જી.કે.(ભાલક) સહીતના સ્ટાફે પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી હતી. આ દરમિયાન અચાનક જેસીબી ચાલુ ન થતા બીજુ જેસીબી મોકલવા માટે ટીડીઓ વિજયભાઈને જાણ કરવામાં આવી હતી. બીજુ જેસીબી આવે તે પહેલા પાકા મકાનના દબાણકર્તાના ભાઈ માજી સરપંંચ નેનાભાઈ ચૌધરીએ ગમે તે કરીને જીલ્લા પંચાયતની અપિલ સમિતિમાંથી માત્ર પોતાના ભાઈનુ દબાણ તોડવાની કામગીરી અટકાવા હાલ પુરતો મનાઈ હુકમ લાવ્યા હતા. જેથી તાલુકા પંચાયતની ટીમે બીજા જેસીબીથી બાકીના દબાણકર્તાના દબાણો દુર કરવાનુ શરૂ કરતા એક મહિલાએ રસ્તા પરની માટી નહી હટાવવા ભારે વિરોધ દર્શાવ્યો હતો. મહિલાએ જેસીબી અટકાવી દીધુ હતુ. જે સમયે તણાવભરી સ્થિતિ સર્જાતા તાલુકા પંચાયતનો સ્ટાફ અને મહિલા પોલીસ લાચાર બનીને ઉભી હતી. કોઈ ઘર્ષણ ન થાય તેવા પ્રયત્નો કરતા હતા. આ બાબતની ટીડીઓ વિજયભાઈ ચૌધરીને જાણ કરતા તેઓ તાલુકા પંચાયતના કર્મચારી ભગુભાઈ પટેલ તથા તાલુકા પી.આઈ.ડી.સી.રાઓલ સહીતના સ્ટાફ સાથે ષ્ઠતાત્કાલીક દબાણ દુર કરાવવા દોડી આવ્યા હતા. અને પોતાની વહીવટી સુઝ અને નિડરતાથી બાકીના તમામ દબાણો દુર કરાવ્યા હતા. ટીડીઓની હાજરીમાં ગ્રામજનોએ દબાણ દુર કરવામાં પોતાનો સહયોગ આપ્યો હતો. જોકે ટીડીઓ વિજયભાઈ ચૌધરીએ બાકીના તમામ દબાણો હટાવ્યા બાદ આજુબાજુના રહીશોના ખેતરમાં કે વાડામાં પાણી ન ભરાય તે માટે દિવાલ અને રસ્તા ઉપર આર.સી.સી.રોડ બનાવવા માટે કાર્યવાહી કરવા ગ્રામ પંચાયતના સરપંચને સલાહ આપી હતી.
અત્રે નોંધપાત્ર બાબત છેકે આ દબાણ તોડવા માટે આજુબાજુના ગામમાંથી કોઈ જેસીબી મોકલવા તૈયાર ન હતુ. છતાં ટીડીઓ વિજયભાઈના કહેવાથી નજીકના એક ગામમાંથી જેસીબી તો આવ્યુ. પણ તે દશેરાના દિવસે ઘોડુ ન દોડે તે કહેવતની જેમ ખરા સમયે ચાલુ ન થયુ. ત્યારે ટીડીઓ વિજયભાઈ ચૌધરીએ પોતાની જવાબદારી અને જોખમે બહારગામથી બીજુ જેસીબી મંગાવી ખડેપગે હાજર રહી બાકીના દબાણો દુર કરાવ્યા હતા. જોકે અગાઉના એક ટીડીઓએ ફરજ ઉપર જ્ઞાતિવાદ ચલાવી કાર્યવાહી કરતા એક અરજદારને અન્યાય કર્યો હતો. ત્યારે ટીડીઓ વિજયભાઈ ચૌધરીએ પોતાની જ જ્ઞાતિના દબાણકર્તાનુ દબાણ દુર કરાવીને પોતાની ફરજ પર નિષ્પક્ષ કામગીરીના દર્શન કરાવ્યા હતા. જેની તાલુકાના લોકોએ સરાહના કરી હતી.

Leave a Reply

Top