નૂતન સાયન્સના ૬૪ વિદ્યાર્થીઓનુ પરિણામ અટકતા ભાવિ અંધકારમય

નૂતન સાયન્સના ૬૪ વિદ્યાર્થીઓનુ પરિણામ અટકતા ભાવિ અંધકારમય

News No Comments on નૂતન સાયન્સના ૬૪ વિદ્યાર્થીઓનુ પરિણામ અટકતા ભાવિ અંધકારમય

(પ્ર. ન્યુ.સ.) વિસનગર,રવિવાર
આજે વાલીઓ પોતાના બાળકને સારૂ શિક્ષણ આપવા માટે શહેરની જાણીતી શૈક્ષણિક સંસ્થામાં મુકે છે. પરંતુ ઘણીવાર નામ બડે દર્શન ખોટે કહેવતની જેમ સંસ્થાના સત્તાધિશોના અંદરોઅંદરના વિવાદમાં વિદ્યાર્થીઓનુ ભાવિ અંધકારમય બને છે. વિસનગર નૂતન સર્વ વિદ્યાલયના કેમ્પસમાં આવેલ નૂતન એસ.એસ.પટેલ સાયન્સ કોલેજના બી.એસ.સી.ના સેમેસ્ટર-૧ના ૬૪ વિદ્યાર્થીઓનુ દોઢ મહિના સુધી યુનિવર્સિટી દ્વારા પરિણામ આપવામાં નહી આવતા છેવટે કંટાળેલા વિદ્યાર્થીઓએ ગત સોમવારે સવારે નૂતન સાયન્સ કોલેજ આગળ ભારે હોબાળો મચાવ્યો હતો. ત્યારે કોલેજના સત્તાધિશોએ વિદ્યાર્થીઓને સહયોગ આપવાને બદલે કુંભકર્ણની ઘોર નિંદ્રામાં પોઢી ગયા હતા.
વિસનગર નૂતન સર્વ વિદ્યાલયના કેમ્પમાં આવેલ નૂતન એસ.એસ.પટેલ સાયન્સ કોલેજમાં દોઢ મહિના પહેલા બી.એસ.સી.ના ૬૪ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. છતાં યુનિવર્સિટી દ્વારા આજદીન સુધી એકપણ વિદ્યાર્થીઓનુ પરિણામ જાહેર કરવામાં આવ્યુ નહતુ. જેથી આ બાબતે વિદ્યાર્થીઓએ વારંવાર નૂતન સાયન્સ કોલેજના પ્રિન્સીપાલ આર.એમ.પટેલ સહીતના જવાબદારોને રજુઆતો કરી હતી. ત્યારે મોટી મોટી જાહેરાતો કરીને વિદ્યાર્થીઓને આકર્ષતી કોલેજના એકપણ સત્તાધિશે વિદ્યાર્થીઓનુ ઝડપી પરિણામ લાવવા સફળ પ્રયત્ન કરવામાં આવ્યો નહતો. જેથી બી.એસ.સી.ના કંટાળેલા ૬૪ વિદ્યાર્થીઓએ પોતાનો ન્યાય મેળવવા ગત સોમવારે સવારે નૂતન સાયન્સ કોલેજની બહાર ભારે હોબાળો મચાવ્યો હતો. આ હોબાળો આશરે એકાદ કલાક સુધી ચાલ્યો હતો. નૂતનની બહાર આવતા-જતા લોકો પણ ભેગા થઈ ગયા હતા. છતાં આ સંસ્થાના પ્રિન્સીપાલ કે ટ્રસ્ટી મંડળના એકપણ સભ્ય વિદ્યાર્થીઓની મુશ્કેલીનુ નિરાકરણ લાવવા માટે આવ્યા નહતા. પરિણામે વિદ્યાર્થીઓમાં સંસ્થાના સત્તાધિશો ઉપર ભારોભાર રોષ પેદા થયો હતો. વિદ્યાર્થીઓનુ કહેવુ હતું કે, અમે સારી સંસ્થા સમજીને મોંઘી ફી ભરીને શિક્ષણ મેળવવા આવ્યા હતા. પરંતુ બી.એસ.સી.ના સેમેસ્ટર-૧ નું દોઢ મહિના સુધી યુનિવર્સિટીમાંથી પરિણામ ન અપાતા અમારૂ ભાવિ અંધકારમય બન્યુ છે. કોલેજના પ્રિન્સીપાલે પરિણામ આપવાના રોજ બે દિવસના વાયદા કરીને દોઢ મહિનો કર્યો છે. ત્યારે સંસ્થાના સત્તાધિશોએ વિદ્યાર્થીઓના ભાવિ ખાતર પુરતા પ્રયત્નો કરીને વિદ્યાર્થીઓને તેમનુ પરિણામ અપાવવા કોઈ પ્રયત્ન નહી કરતા છેવટે વિદ્યાર્થીઓ પાટણ યુનિવર્સિટીમાં જઈ રજુઆત કરી હતી.

Leave a comment

Back to Top