You are here
Home > Prachar News > પોતે કરે તેજ સાચુ તેવી બળજબરી કરનાર કાર્યકરો – હાર્દિક પટેલની જામીનમુક્તિની ખુશાલીમાં પાટીદાર શહિદોનુ બલિદાન ભૂલ્યા

પોતે કરે તેજ સાચુ તેવી બળજબરી કરનાર કાર્યકરો – હાર્દિક પટેલની જામીનમુક્તિની ખુશાલીમાં પાટીદાર શહિદોનુ બલિદાન ભૂલ્યા

(પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર
પાટીદાર અનામત સમિતિના કન્વીનર હાર્દિક પટેલના હાઈકોર્ટે જામીન મંજુર કરતા વિસનગરમાં કેટલાક પાટીદાર કાર્યકરોએ આતશબાજી કરતા એક પાટીદાર અગ્રણીએ તીખી પ્રતિક્રિયા આપતા જણાવ્યુ છેકે હાર્દિક પટેલની જામીનમુક્તિની ખુશાલીમાં શહેરમાં બળજબરી કરનાર કહેવાતા પાટીદાર આગેવાન યુવાનો અનામત આંદોલનમાં શહિદ થયેલ પાટીદાર શહિદોનુ બલિદાન ભૂલી ગયા. પાટીદાર શહિદોના બલિદાનનો મલાજો સાચવી શક્યા નથી. રાજકીય રોટલો શેકવામાં આ આગેવાનો સમાજને ગેરમાર્ગે તો નથી દોરી રહ્યા ને?
પાટીદાર અનામત આંદોલનના અગ્રણી, પાસના કન્વીનર હાર્દિક પટેલને તા.૮-૭-૨૦૧૬ ના રોજ હાઈકોર્ટે જામીન મંજુર કરતા અનામતના કાર્યકરોમાં ખુશીની લહેર જોવા મળી હતી. જેમાં વિસનગરમાં કેટલાક પાટીદાર યુવાનોએ કાંસા ચાર રસ્તા અને ત્યારબાદ ત્રણ દરવાજા ટાજર બજરંગ ચોકમાં ભારે આતશબાજી કરી હતી. વિસનગર શહેરમાં પોતે કહે તેજ સાચુ અને પોતે કહે તેજ કરવા બળજબરી કરનાર યુવાનોના આંદોલનના નામે ચાવવાના અને બતાવવાની અલગ રીત-ભાતથી વિચલીત બની વિસનગર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ નવીનભાઈ એમ.પટેલે તીખી પ્રતિક્રીયા આપતા જણાવ્યુ છેકે, પાટીદાર અનામત આંદોલનના કહેવાતા આગેવાનોએ હાર્દિક પટેલની જામીનમુક્તિની ખુશાલી મનાવી કાંસા ચાર રસ્તા તથા ત્રણ દરવાજા ટાવર પાસે બજરંગ ચોકમાં આતશબાજી કરી પાટીદાર અનામત આંદોલનમાં શહિદ થઈ બલિદાન આપનાર ૧૪ પાટીદારોનુ બલિદાન ભુલી શહિદિનો મલાજો સાચવી શક્યા નથી. અનામતના શહિદોનુ બલિદાન અને આ બલિદાનનો મલાજો જાળવવાની જવાબદારી આતશબાજી કરનાર કાર્યકરોની છે.
અગાઉ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ૧૦ ટકા ઈબીસીની જાહેરાત કરતા આ જાહેરાતને વધાવવા વિસનગરમાં ધારાસભ્ય ઋષિભાઈ પટેલ તથા ભાજપના કાર્યકરો ત્રણ દરવાજા ટાવર પાસે બજરંગચોકમાં ઉજવણીરૂપે આતશબાજીનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ત્યારે એસપીજીના કાર્યકરો અને અનામત આંદોલનના કહેવાતા આગેવાનોએ ધારાસભ્ય અને ભાજપના કાર્યકરોને અનામત આંદોલનના શહિદોના માનમાં આતશબાજી કરતા રોક્યા હતા. ખોટુ ઘર્ષણ ન થાય તેવા આશયથી ભાજપના કાર્યકરોએ આતશબાજી કરવાનુ ટાળ્યુ હતુ. ત્યારબાદ અનામત આંદોલનના કાર્યકરોના આગ્રહથી ધારાસભ્ય તેમજ ભાજપના કાર્યકરોએ શહિદોને સાચી શ્રધ્ધાંજલી આપી હતી. ત્યારે હાર્દિક પટેલની જામીનમુક્તિની ખુશાલી મનાવનાર આતશબાજી કરનાર પાટીદાર કાર્યકરો આ પ્રસંગે શહિદોને સાચી શ્રધ્ધાંજલી આપવાનુ પણ ચુક્યા છે. અનામત આંદોલનથી શહિદ થયેલા યુવાનોનુ મહત્વ વધારે કે હાર્દિક પટેલનુ મહત્વ વધારે? કહેવાતા આગેવાનો રાજકીય રોટલો શેકવા સમાજને ગેરમાર્ગે તો નથી દોરી રહ્યાને? વિસનગરમાં પાટીદાર અનામત આંદોલનના નામે વ્યક્તિ વિરોધનુ જે રાજકારણ રમાઈ રહ્યુ છે તે આ બનાવ ઉપરથી દરેકે સમજવાની જરૂર છે. અનામત આંદોલનના નામે પોતે કહે અને પોતે કરે તેજ સાચુ તે પ્રવૃત્તિ જે કહેવાતા આગેવાનો કરી રહ્યા છે તે સમજવાની પણ સમાજને જરૂર છે.

Leave a Reply

Top