You are here
Home > Prachar News > વિસનગરમાં ગેરકાયદેસર બાંધકામ કરનારને લીલાલહેર – કાયદેસર બાંધકામની મંજુરી માટે અરજી કરનાર પરેશાન

વિસનગરમાં ગેરકાયદેસર બાંધકામ કરનારને લીલાલહેર – કાયદેસર બાંધકામની મંજુરી માટે અરજી કરનાર પરેશાન

(પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર
વિસનગર પાલિકામાં સમયસર ટીપીની મીટીંગ નહી મળતા બાંધકામ મંજુરી માટેની લગભગ ૫૦ ફાઈલો રજળી રહી છે. શહેરમાં અત્યારે એવી પરિસ્થિતિ છેકે કોઈપણ મંજુરી વગર ગેરકાયદેસર બાંધકામ કરનારને લીલાલહેર છે. જ્યારે કાયદેસર બાંધકામની મંજુરી માટે અરજી કરનાર પરેશાન થઈ ગયા છે.
વિસનગર નગરપાલિકાના ઈન્ચાર્જ ચીફ ઓફીસર સમય નહી આપતા અને જેમની કાયમી ચીફ ઓફીસર તરીકે નિમણુંક કરી છે તેવા ચીફ ઓફીસર કલ્પેશભાઈ ભટ્ટ ચાર્જ નહી સંભાળતા અત્યારે શહેરમાં બાંધકામ મંજુરી મેળવવાની અરજી કરનાર અરજદારો પરેશાન થઈ ગયા છે. પાલિકામાં બાંધકામ મંજુરી માટે લગભગ ૫૦ જેટલી ફાઈલો મંજુરીના મહોરના રાહ જોવામાં ધુળ ખાઈ રહી છે. બાંધકામ મંજુરી માટે આવેલ અરજીઓની તપાસ કરી ટાઉન પ્લાનીંગ ચેરમેન જશુભાઈ પટેલે અરજદારોને બોલાવી ખુટતા દસ્તાવેજોની પુર્તતા કરી ફાઈલો તૈયાર કરીને મુકી છે. તમામ ફાઈલો મહેસાણા અધિકારી સમક્ષ રજુ કરી ટીપી ચેરમેને ચેક કરાવી લીધી છે. પરંતુ પાલિકાના ઈન્ચાર્જ ચીફ ઓફીસર સમય નહી ફાળવતા ટીપીની મીટીંગનુ આયોજન કરી શકાતુ નથી. ઈન્ચાર્જ ચીફ ઓફીસર દેસાઈએ અગાઉ મીટીંગ માટે તા.૨૮-૬ ની તારીખ આપી હતી. ત્યારબાદ મીટીંગ માટે તા.૫-૭ ની તારીખ જણાવી હતી. જે બન્ને તારીખો નક્કી કર્યા બાદ ઈન્ચાર્જ ચીફ ઓફીસર મીટીંગ કેન્સલ કરતા છેવટે તા.૧૨-૭-૨૦૧૬ ના રોજ ટીપીની મીટીંગનુ આયોજન કરાયુ હતુ. ઈન્ચાર્જ ચીફ ઓફીસરની સંમતી બાદ નગર નિયોજક, ડી.એમ.ઓ.તમામની મીટીંગ માટે સંમતી મેળવવામાં આવી હતી. મીટીંગના દિવસે પાલિકાની જનરલ માટે પણ નિર્ણય કરાયો હતો. પાલિકા જનરલ અને ટીપીની મીટીંગનો એજન્ડા કાઢવા પાલિકા કર્મચારીઓ ઈન્ચાર્જ ચીફ ઓફીસર દેસાઈની સહી લેવા ઉંઝા પાલિકામાં ગયા ત્યારે ઈન્ચાર્જ ચીફ ઓફીસરે સહી કરવાનો ઈન્કાર કરી જણાવ્યુ હતુ કે, કાયમી ચીફ ઓફીસર કલ્પેશભાઈ ભટ્ટ આવીને સહીઓ કરશે. ઈન્ચાર્જ ચીફ ઓફીસરે મીટીંગના એજન્ડા માટે સહીઓ નહી કરતા ટીપીની મીટીંગની ત્રીજી તારીખ પણ રદ થઈ છે. આ બાબતે ટીપી ચેરમેન જશુભાઈ પટેલે રોષ વ્યક્ત કરતા જણાવ્યુ છેકે, મીટીંગ બાબતે ચીફ ઓફીસર ખોટા વાયદા આપતા બાંધકામ મંજુરી માટે અરજી કરનાર અરજદારોમાં ખોટા પડી રહ્યા છીએ. તારીખ નક્કી થાય ત્યારે અરજદારોને આશ્વાસન આપી છીએ કે નક્કી થયેલ તારીખે ફાઈલ મંજુર થઈ જશે અને તારીખ નક્કી કર્યા બાદ કેન્સલ કરતા અરજદારોને જવાબ આપી શકતા નથી. અધિકારીઓના કારણે અરજદારો ધક્કા ખાઈ રહ્યા છે.
વિસનગર પાલિકા વિસ્તારમાં અત્યારે પરિસ્થિતિ એવી છેકે કાયમી ચીફ ઓફીસર નહી હોવાથી ગેરકાયદેસર બાંધકામો ધમધમી રહ્યા છે. ગેરકાયદેસર બાંધકામો વિરુધ્ધ રજુઆતો થાય છે પરંતુ ઈન્ચાર્જ ચીફ ઓફીસર કાર્યવાહી કરતા નથી. જ્યારે કાયદેસર મંજુરી મેળવી બાંધકામ કરવા માગતા લોકો બાંધકામ મંજુરી મેળવવા પાલિકાના ધક્કા ખાઈ રહ્યા છે.

Leave a Reply

Top