શરબત, છાસ, નાસ્તાના સેવાકેમ્પોથી ફેલાયેલી ગંદકી દુર કરવા રથયાત્રા બાદ પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલની સુચનાથી સ્વચ્છતા કરાઈ

Local News No Comments on શરબત, છાસ, નાસ્તાના સેવાકેમ્પોથી ફેલાયેલી ગંદકી દુર કરવા રથયાત્રા બાદ પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલની સુચનાથી સ્વચ્છતા કરાઈ

(પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર
વિસનગરમાં રથયાત્રા માટેના શરબત, છાસ, નાસ્તાના સેવાકેમ્પોના કારણે ખુબજ કચરો અને ગંદકી ફેલાય છે. ત્યારે આ વર્ષે પાલિકા પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલની સુચનાથી, સ્વચ્છતા ચેરમેન જગદીશભાઈ ચૌહાણના પ્રયત્નોથી રથયાત્રા બાદ તુર્તજ કચરો સાફ કરી દવાનો છંટકાવ કરી પાલિકા દ્વારા સરાહનીય સ્વચ્છતા કરવામાં આવી હતી.
વિસનગરમાં નિકળતી પરંપરાગત રથયાત્રા માટે શહેરના વેપારીમંડળો, મિત્રમંડળો, સંસ્થાઓ દ્વારા રથયાત્રામાં જોડાનાર લોકો માટે તેમજ રથયાત્રાના દર્શન કરવા આવનાર લોકો માટે લીંબુ શરબત, છાસ, મહાપ્રસાદ, નાસ્તો, બીસ્કીટ વિગેરેના કેમ્પ કરવામાં આવે છે. શરબત, છાસ, નાસ્તો એ ડીસ્પોજેબલ ગ્લાસ તથા ડીશોમાં આપવામાં આવતા હોવાથી સેવા કેમ્પના સ્થળે ભારે કચરો એકઠો થાય છે, ભારે ગંદકી ફેલાઈ છે. લીંબુ શરબત, છાસ અને મહાપ્રસાદના કારણે માખીઓ પણ ખુબજ મોટા પ્રમાણમાં જોવા મળે છે. શહેરના માર્ગો પાલિકા દ્વારા રાત્રીના સમયે સાફ કરવામાં આવે છે. ત્યારે રથયાત્રાના સેવાકેમ્પોના કારણે ફેલાયેલો કચરો આખો દિવસ પડી ન રહે તે માટે આ વર્ષે પાલિકા પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલ, સ્વચ્છતા ચેરમેન જગદીશભાઈ ચૌહાણ તથા સભ્યો દ્વારા ખાસ સફાઈ ઝુંબેશ કરવામાં આવી હતી. રથયાત્રા જ્યાથી નિકળે તેના થોડા સમય બાદ પાલિકાના સફાઈ કામદારો ટ્રેક્ટર લઈને નિકળ્યા હતા. સેવાકેમ્પના સ્થળે એકઠો થયેલો કચરો ઉપાડી સફાઈ કરી દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. રથયાત્રા લગભગ સાંજે ૬-૦૦ કલાકે પુર્ણ થઈ હતી તે સમયે શહેરમાં રથયાત્રા માર્ગના મોટાભાગના રસ્તાઓ સાફ કરવામાં આવ્યા હતા. પ્રમુખ તથા સ્વચ્છતા ચેરમેનના પ્રયત્નોથી થયેલી સફાઈની સરાહના થઈ હતી.

Leave a comment

Back to Top