ચેરમેને વેપારીઓ સાથે મીટીંગ કરી સંમતી મેળવી – માર્કેટયાર્ડના યુજર્સ ચાર્જથી રૂા.૧૮ લાખની આવક થશે

Local News No Comments on ચેરમેને વેપારીઓ સાથે મીટીંગ કરી સંમતી મેળવી – માર્કેટયાર્ડના યુજર્સ ચાર્જથી રૂા.૧૮ લાખની આવક થશે

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
માર્કેટયાર્ડ એ નિયંત્રીત ચીજ વસ્તુઓનો વેપાર કરવાનુ માર્કેટ છે. પરંતુ વિસનગર માર્કેટયાર્ડમાં ખેતપેદાશની ચીજવસ્તુઓ સીવાય પણ અન્ય વસ્તુઓના વેપારની પેઢીઓ આવેલી છે. જે પેઢીઓ-દુકાનો દ્વારા માર્કેટયાર્ડના કોઈ ટેક્ષ કે ચાર્જ આપવામાં આવતો નહોતો. ધારાસભ્ય ઋષિભાઈ પટેલે ચેરમેન પદ સંભાળતાજ આ વેપારીઓ ઉપર યુજર્સ ચાર્જ નાખતા માર્કેટયાર્ડને વાર્ષિક રૂા.૧૮ લાખની આવક થશે.
વિસનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમીતી એટલેકે માર્કેટયાર્ડમાં ખેત ઉત્પાદન સીવાયની વસ્તુઓ વેચતી પણ પેઢીઓ અને દુકાનો આવેલી છે. ખેતપેદાશની વસ્તુઓના વેપારમાં માર્કેટયાર્ડના વેપારીઓ રૂા.૧૦૦ એ ૬૦ પૈસા માર્કેટશેષ ભરે છે. જ્યારે ખેતપેદાન સીવાયની વસ્તુઓનો વેપાર કરતા વેપારીઓ પાસેથી માર્કેટયાર્ડ દ્વારા કોઈ ચાર્જ વસુલવામાં આવતો નહોતો. ધારાસભ્ય ઋષિભાઈ પટેલ માર્કેટયાર્ડના ચેરમેન પદનો ચાર્જ સંભાળતા બોર્ડ ઓફ ડિરેક્ટરોની રજુઆત બાદ નિયંત્રીત ચીજ વસ્તુઓનો વેપાર કરતા ન હોય તેવા વેપારીઓ પાસેથી માર્કેટયાર્ડના રોડ, ગટર, સ્ટ્રીટલાઈટ, પાણી, સીક્યુરીટી વિગેરે પુરી પાડવામાં આવતી સુવિધાઓનો ચાર્જ વસુલવા યુજર્સ ચાર્જ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
યુજર્સ ચાર્જ કેવી રીતે ગણવો તે માટે વેપારીઓ સાથે ચેરમેનની મીટીંગ મળી હતી. વેપારીઓના ટર્નઓવર પ્રમાણે શેષના દર મુજબ યુજર્સ ચાર્જ વસુલવામાં આવે તો વેપારીઓને માર્કેટમાં મોટી રકમનો ચાર્જ આપવાનો થતો હતો. પરંતુ વેપારીઓની વિનંતીથી બોર્ડ ઓફ ડીરેક્ટર્સ દ્વારા ધંધાના પ્રકાર પ્રમાણે ટોકન યુજર્સ ચાર્જ વસુલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં દરેક વેપારીને રૂબરૂ બોલાવી સંમતી લેવામાં આવી હતી. માર્કેટમાં નિયંત્રીત ચીજ વસ્તુઓનુ વેચાણ ન કરતા હોય તેવા વેપારીઓની સર્વસંમતી બાદ માર્કેટયાર્ડ દ્વારા યુજર્સ ચાર્જ લગાવવામાં આવતા માર્કેટયાર્ડનુ વાર્ષિક રૂા.૧૮ લાખનો સીધો ફાયદો થશે. નિતિ સારી હોય તો અણ આવડત હોય તો પણ સારા નિર્ણયો લેવાય છે. ધારાસભ્ય ઋષિભાઈ પટેલે માર્કેટયાર્ડનુ ચેરમેન પદ સંભાળી સહકારી ક્ષેત્રમાં નવા નિશાળીયા તરીકે એન્ટ્રી કરી છે. તો પણ માર્કેટ અને ખેડૂતોના વિકાસ તથા હિતમાં સરાહનીય આવકારદાયી નિર્ણયો કરતા ખેડૂત અને વેપારીઓમાં આનંદની લાગણી ફેલાઈ છે.

Leave a comment

Back to Top