વડાપ્રધાનના સ્વચ્છ ભારત મિશન (ગ્રામ્ય) અંતર્ગત વિસનગર તાલુકાને ODF કરવા TDOની ઝુંબેશ

Local News No Comments on વડાપ્રધાનના સ્વચ્છ ભારત મિશન (ગ્રામ્ય) અંતર્ગત વિસનગર તાલુકાને ODF કરવા TDOની ઝુંબેશ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છતાના આગ્રહી એવા મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે તા.ર-૧૦-ર૦૧૪ના રોજ સ્વચ્છ ભારત મિશન (ગ્રામ્ય) યોજના અમલમાં મુકી હતી. જેમા સરકાર દ્વારા શૌચાલય વિહોણા જરૂરીયાત મંદ પરિવારોને શૌચાલય બનાવવા માટે જરૂરી સહાય ચુકવામા આવે છે. જેમા વિસનગર તાલુકાને તા.રપ-૭-ર૦૧૬ સુધીમા O.D.F(ખુલ્લામાં શૌચક્રિયા મુક્ત) કરવા માટે જીલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ વિસનગર ટી.ડી.ઓ દ્વારા અલગ ટીમો બનાવી ઝુંબેશ ચલાવવામા આવી છે.
સ્વચ્છ ભારત મિશન (ગ્રામ્ય) યોજના અંતર્ગત ગ્રામ્ય કક્ષાના તમામ બી.પી.એલ, એ.પી.એલ તથા જરૂરીયાતમંદ પરિવારોને પોતાના ઘરમાં શૌચાલય બનાવવા માટે રાજ્ય સરકાર તરફથી રૂા.૧ર,૦૦૦ની સહાય ચુકવવામા આવે છે. આ યોજનાનો જરૂરીયાતમંદ પરિવારોને લાભ અપાવવા માટે તાલુકા પંચાયતની આઈ.આર.ડી.કચેરીના કર્મચારીઓના પ્રયત્નોથી આજે દરેક ગામડાઓમા ઘેરઘેર શૌચાલયો બન્યા છે. મહેસાણા જીલ્લા વિકાસ અધિકારી એસ.કે.લાંઘાએ સમગ્ર જીલ્લાને O.D.F(ખુલ્લામાં શૌચક્રિયા મુક્ત) બનાવવા માટે દરેક તાલુકાના તાલુકા વિકાસ અધિકારીને આદેશ કર્યો છે. જેમા આજે વડનગર અને ઉંઝા તાલુકાને O.D.F જાહેર કર્યા છે. જયારે બાકીના તાલુકાને તા.રપ-૭-ર૦૧૬ સુધીમા O.D.F કરવાનો ટાર્ગેટ આપવામા આવ્યો છે. જેમા સરકારશ્રીના વર્ષ-ર૦૧રના સર્વે પ્રમાણે અગાઉ વિસનગર તાલુકાના ૩ર ગામોને O.D.F જાહેર કર્યા હતા. જે અન્વયે વિસનગર તાલુકા વિકાસ અધિકારી વિજયભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ બાકીના ૩૩ ગામડાઓ પૈકી પ (પાંચ) ગામ દીઠ તાલુકા પંચાયતના કર્મચારીઓની પાંચથી છ સભ્યોની આઠ ટીમો બનાવવામા આવી છે. આ ટીમનો તા.રર-૬-ર૦૧૬થી ૩૧-૭-ર૦૧૬ સુધી ૩૭ દિવસનો કાર્યક્રમ નક્કી કરવામા આવ્યો છે. જે મુજબ દરેક ટીમો વહેલી પરોઢે નિયત કરેલા ગામોમાં જઈ ખુલ્લામાં શૌચક્રિયા કરતા લોકોને ઘરના શૌચાલય ન હોય તો તેને બનાવવાની કાર્યવાહી કરે છે. વિસનગર તાલુકાને O.D.F જાહેર કરવા માટે તાલુકા પંચાયતની ટીમના સભ્યો દ્વારા ખુલ્લામા શૌચક્રિયા કરવાથી શારિરીક થતુ નુકશાન, બહેનોને લગતા પ્રશ્નો તથા વૃધ્ધોને પડતી મુશ્કેલીઓ માર્ગદર્શન આપી લોકજાગૃતી લાવવામા આવે છે. આમ જીલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓ અને આઈ.આર.ડી.શાખાના કર્મચારીઓ વડાપ્રધાનના સ્વચ્છ ભારત મિશન(ગ્રામ્ય) યોજનાને સાકાર કરવા જે પ્રયત્નો કરી રહ્યા છે તે સરાહનીય છે.

Leave a comment

Back to Top