વિસનગરમાં રથયાત્રા નિમિત્તેની મળેલી મીટીંગમાં – ચોરી-ચેઈન સ્નેચીંગ-ટ્રાફીક મુદ્દે PI સમક્ષ રજુઆત

વિસનગરમાં રથયાત્રા નિમિત્તેની મળેલી મીટીંગમાં – ચોરી-ચેઈન સ્નેચીંગ-ટ્રાફીક મુદ્દે PI સમક્ષ રજુઆત

Prachar News No Comments on વિસનગરમાં રથયાત્રા નિમિત્તેની મળેલી મીટીંગમાં – ચોરી-ચેઈન સ્નેચીંગ-ટ્રાફીક મુદ્દે PI સમક્ષ રજુઆત

(પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર
વિસનગર પોલીસ સ્ટેશનનો ચાર્જ સંભાળનાર પી.આઈ.પી.કે.રાણાની અધ્યક્ષતામાં મળેલ મીટીંગમાં હાજર શહેરના અગ્રણીઓએ શહેરમાં વધી રહેલા ચેઈન સ્નેચીંગ અને ચોરીના બનાવો તેમજ ટ્રાફીક મુદ્દે રજુઆત કરી હતી. મીટીંગમાં હાજર પાલિકા પ્રમુખે આડેધડ પાર્ક કરાતા વાહનો હટાવવામાં અને રખડતી ગાયો પકડવામાં પોલીસની મદદ મળે તે બાબતે પી.આઈ.ને સુચન કર્યુ હતુ. આ મીટીંગમાં પાલિકા કોર્પોરેટરો તથા વેપારી મહામંડળે પી.આઈ.ને બુકે આપી આવકારી શુભેચ્છા પાઠવી હતી.
વિસનગર સીટી પોલીસ સ્ટેશનનો પી.આઈ.પી.કે.રાણાએ ચાર્જ સંભાળતા તેમની અધ્યક્ષતામાં વિસનગર પોલીસ સ્ટેશનમાં તા.૩-૭-૨૦૧૬ ને રવિવારે રથયાત્રા નિમિત્તે શાંતી સમિતિની અને શહેરના વિવિધ પ્રશ્નોની ચર્ચા માટેની મીટીંગનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ મીટીંગમાં પાલિકા પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલ તથા પાલિકાના કોર્પોરેટરો, વેપારી મહામંડળના હોદ્દેદારો તેમજ શહેરના અગ્રણીઓએ હાજરી આપી હતી. મીટીંગમાં લગભગ ૪૦ લોકોએ હાજરી આપતા બેઠક વ્યવસ્થા ખોટવાઈ હતી. કેટલાક કોર્પોરેટરો તથા અગ્રણીઓને ઓફીસ બહાર ઉભા રહેવાની ફરજ પડી હતી. આ મીટીંગમાં રથયાત્રા શાંતીથી પુર્ણ થાય તેની ચર્ચા બાદ શહેરના વિવિધ પ્રશ્નો બાબતે રજુઆત થઈ હતી.
જેમાં એસ.ટી.સ્ટેન્ડના દરવાજાથી એમ.એન.કોલેજના ગેટ સુધી રોડની સાઈડમાં જે વાહનો ગેરકાયદેસર પાર્કિંગ કરવામાં આવે છે. અને જેના કારણે ટ્રાફીક જામના વારંવાર જે પ્રશ્નો બને છે તે બાબતે તેમજ રાત્રીના સમયે ટ્રાવેલર્સવાળા આડેધડ લક્ઝરીઓ પાર્ક કરતા સર્જાતી ટ્રાફીક સમસ્યા દુર થાય તે બાબતે રજુઆત કરવામાં આવી હતી. મીટીંગમાં ગંજબજાર ફાટક પાસે ફરજ ઉપરના કર્મચારીઓ ટ્રાફીક કામગીરી નહી કરી આખો દિવસ મોબાઈલમાં રચ્યા પચ્યા રહેતા હોવાથી ટ્રાફીક પોઈંટનો કોઈ હેતુ જળવાતો નહી હોવાની રજુઆત કરવામાં આવી હતી. શહેરમાં વારંવાર ચોરીના બનાવો બને છે તેમજ ચેઈન સ્નેચીંગના બનાવો આતરે દિવસે બને છે તેને રોકવા પેટ્રોલીંગ સઘન બનાવાય તે મુદ્દે પી.આઈ.રાણાનુ ધ્યાન દોરવામાં આવ્યુ હતુ. રાત્રીના સમયે હાઈવે ઉપરથી પસાર થતા વાહનોના આર.ટી.ઓ.નંબરની નોંધણીનુ રજીસ્ટર નિભાવવુ તે મુદ્દે સુચન કરાયુ હતુ. ગૌરવપથ રોડ ઉપરના તેમજ રેલ્વે સર્કલથી એમ.એન.કોલેજ સુધીની ટ્રાફીક વ્યવસ્થા જળવાય તે મુદ્દે પણ ચર્ચા થઈ હતી.
હાઈવે ઉપર ઓટો કન્સલ્ટના વેપારીઓ દ્વારા આડેધડ વાહનોનો ખડકલો કરવામાં આવે છે. જે વાહનોને ડીટેન કરવા પોલીસ ક્રેનની સેવા આપે તેમજ શહેરમાં રખડતી ગાયો પકડવામાં પોલીસ મદદરૂપ બને તે માટે પાલિકા પ્રમુખે પી.આઈ.રાણાને પાલિકા સ્ટાફને પોલીસની મદદ મળે તે બાબતે રજુઆત કરી હતી.

Leave a comment

Back to Top