વિસનગરમાં એક ગેસ એજન્સીના સંચાલકને તેની ઓફીસમાં ફરજ બજાવતી યુવતી સાથે પ્રેમ સબંધ બંધાયો હતો. આ પતિ-પત્ની ઔર વોહના કિસ્સામાં પ્રેમીકા યુવતીએ તેના પ્રેમીને પામવા પ્રેમીની પત્નીને બળજબરીથી ઝેરી ગોળીઓ ગળાવતા એ બનાવને લઈ ભારે ચકચાર જાગી છે. ઘરસંસાર બગાડનાર પ્રેમીકા વિરુધ્ધ પત્નીએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે મારી નાખવાના પ્રયત્નનો ગુનો દાખલ કરી યુવતીની ધરપકડ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ વિજાપુર મીઠાપુર રોડ ઉપર નંદનવન સોસાયટીમાં રહેતા અને મુળ લાડોલ ગામના વતની કનુભાઈ પટેલે વિસનગરમાં સોના કોમ્પલેક્ષમાં હરસિધ્ધ ગેસ એજન્સી શરૂ કરી હતી. જેમાં બે વર્ષ પહેલા સાતેક માણસોને નોકરી રાખ્યા હતા. ઓફીસમાં ભરતી કરેલ સ્ટાફમાં આઈ.ટી.આઈ.પાછળ વૈશાલીનગર સોસાયટીમાં રહેતી જીનલબેન ઉર્ફે જમનાબેન મણીલાલ પ્રજાપતિને પણ નોકરી રાખી હતી. ઓફીસમાં કામ કરતી આ યુવતી સાથે ગેસ એજન્સીના સંચાલક કનુભાઈ પટેલને પ્રેમ સબંધ થયો હતો. કનુભાઈ પટેલ તેમની પત્ની મયુરીબેન પટેલ સાથે આ પ્રેમ સબંધના કારણે બોલવાનુ પણ બંધ કર્યુ હતુ. ઘણી વખતતો કનુભાઈ પટેલ આ પ્રેમસબંધના કારણે પોતાના ઘરે પણ આવતા નહતા.
૧૩ વર્ષની દિકરી અને ૬ વર્ષના દિકરા સાથેનો હર્યોભર્યો પરિવાર વિખરાઈ ન જાય તે માટે મયુરીબેન પટેલના પરિવારના અને જીનલબેન પ્રજાપતિના પરિવારના લોકો ભેગા થઈ જીનલ પ્રજાપતિને સમજાવવા પ્રયત્ન કર્યો હતો. જે સમજાવટથી કોઈ ફરક પડ્યો નહોતો. રથયાત્રા બાદતો કનુભાઈ પટેલે પોતાના ઘરે વિજાપુર જવાનુ બંધ કરી દીધુ હતુ. પતિના પ્રેમ સબધંથી કંટાળેલા મયુરીબેન પટેલ તેમના જેઠાણી સુશીલાબેન હર્ષદભાઈ પટેલ અને મામાજી કિરણભાઈ ચુનીલાલ બેચરદાસ પટેલ સાથે જીનલ પ્રજાપતિના ઘરે વૈશાલીનગરમાં આવ્યા હતા. આ સમયે જીનલ પ્રજાપતિ, તેની મમ્મી અને પપ્પા ઘરે હાજર હતા. મયુરીબેન પટેલ અને જીનલ પ્રજાપતિ એક રૂમમાં ચર્ચા કરતા હતા. જ્યારે મયુરીબેન પટેલ સાથે આવેલા તેમના જેઠાણી અને મામાજી બીજા રૂમમાં બેઠા હતા. મયુરીબેન પટેલ અને જીનલ પ્રજાપતિ એક રૂમમાં ચર્ચા કરતા હતા. ત્યારે જીનલ પ્રજાપતિ કહેવા લાગેલ કે કનુ મારો નહી થાય તો તારો પણ નહી થાય, તુ અમારી વચ્ચે કાંટારૂપ છે. તું મરી જાય તો અમે બન્ને જોડે રહી શકીએ તેમ કહી જીનલ પ્રજાપતિએ એક ડબ્બીમાંથી ગોળીઓ કાઢી મયુરીબેન પટેલનુ મોં પકડી બળજબરીથી ગોળીઓ તેણીના મોંમાં નાખી દીધી હતી અને મોં દબાવી દીધુ હતુ.જેના કારણે મયુરીબેન પટેલના મોઢામાં ગોળીઓ ઉતરી ગઈ હતી. ગોળીઓ અંદર ઉતરતાજ મયુરીબેન પટેલને ચક્કર શરૂ થઈ ગયા હતા. એટલામાં મયુરીબેનના જેઠાણી અને મામાજી આવી ગયા હતા. સમય જતા મયુરીબેન બેભાન થતા તેમને તાત્કાલીક ઉત્કર્ષ આઈ.સી.યુ.માં સારવાર્થે દાખલ કરાયા હતા. સારવારમાં મયુરીબેન પટેલને જાણવા મળેલ કે જીનલ પ્રજાપતિએ બળજબરીથી જે ગોળીઓ ગળાવી હતી તે સેલ્ફોેસની ગોળીઓ હતી. પ્રેમીકાએ તેના પ્રેમીને પામવા વચ્ચે કાંટારૂપ બનનાર પત્નીને પતાવી દેવા આ પ્રયત્ન કરતા મયુરીબેન પટેલ હેબતાઈ ગયા હતા. જેમણે આ બાબતે પોલીસને જાણ કરતા પોલીસે જીનલ પ્રજાપતિ વિરુધ્ધ મારી નાખવાના પ્રયત્નની આઈપીસીની કલમ ૩૦૭ મુજબ ગુનો દાખલ કરી તેની તાત્કાલીક ધરપકડ કરી હતી.