You are here
Home > News > હાર્દિક પટેલના રાજકીય સ્ટેટમેન્ટ સામે મનુભાઈ લાછડીનો જવાબ રાજકીય પક્ષમાં જોડાવાની જાહેરાતથી અનામત મળશે નહી

હાર્દિક પટેલના રાજકીય સ્ટેટમેન્ટ સામે મનુભાઈ લાછડીનો જવાબ રાજકીય પક્ષમાં જોડાવાની જાહેરાતથી અનામત મળશે નહી

હાર્દિક પટેલના રાજકીય સ્ટેટમેન્ટ સામે મનુભાઈ લાછડીનો જવાબ
રાજકીય પક્ષમાં જોડાવાની જાહેરાતથી અનામત મળશે નહી
(પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર
પાસના કન્વીનર હાર્દિક પટેલ દ્વારા કોંગ્રેસમાં જોડાવાના રાજકીય સ્ટેટમેન્ટ સામે વિસનગરના પાટીદાર અગ્રણી મનુભાઈ પટેલ(લાછડી)એ જણાવ્યુ છેકે કોઈ પણ રાજકીય પક્ષમાં જોડાવાની જાહેરાતથી પાટીદાર અનામત મળી જવાનુ નથી. પાટીદાર આંદોલન અને એકતા ઉપર અસર કરતા આવા રાજકીય સ્ટેટમેન્ટથી હાર્દિક પટેલે દૂર રહેવુ જોઈએ.
ગુજરાતના પાટીદારોની અનામત માટે લાંબો સમય સુધી આંદોલનનુ નેતૃત્વ કરનાર અને આંદોલનના કારણે જેલવાસ ભોગવનાર પાસના કન્વીનર હાર્દિક પટેલે જેલમાંથી મુક્ત થયા બાદ વિવિધ પક્ષોમાં જોડાવાની રાજકીય વાતો વહેતી થઈ છે. હાલમાં રાજસ્થાનમાં આશરો લેનાર હાર્દિક પટેલે પણ રાજકીય પક્ષમાં જોડાવાના સ્ટેટમેન્ટ આપ્યા છે. ત્યારે વિસનગરના પાટીદાર અગ્રણી પાટીદાર અનામત આંદોલનના ટેકેદાર લાછડીવાળા મનુભાઈ પટેલે હાર્દિક પટેલના રાજકીય સ્ટેટમેન્ટ સામે જવાબ આપતા જણાવ્યુ છેકે, હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાવાની અને આપમાં જોડાવાની વાતો થઈ રહી છે. ભાજપે પાટીદારોને ૧૦ ટકા ઈબીસી આધારે અનામત આપવાનો વટહુકમ કર્યો. જેને હાઈકોર્ટમાં પડકારતા બંધારણની જોગવાઈઓ નહી હોવાથી હાઈકોર્ટે ૧૦ ટકા ઈબીસીનો વટહુકમ રદ કર્યો. જેની સામે સરકાર સુપ્રીમમાં પણ જવાની છે. જે બાબત ધ્યાનમાં રાખી પાટીદારોએ સમજવુ જોઈએ કે રાજ્ય અને કેન્દ્રમાં ભાજપ સરકારની સત્તા હોવા છતા ભાજપ ૧૦ ટકા ઈબીસી પ્રમાણે અનામત અપાવી શકી નથી. ત્યારે અન્ય કોઈપણ પક્ષ પાટીદારોને અનામત અપાવી શકવાનો નથી. હાર્દિક પટેલના રાજકીય સ્ટેટમેન્ટથી પાટીદારોનુ ભવિષ્યનુ આગામી આંદોલન અને પાટીદાર એકતા ઉપર ગંભીર અસર થઈ રહી છે. હાર્દિક પટેલે પાટીદાર અનામત માટે મહત્વનુ યોગદાન આપ્યુ છે. પાટીદારોએ અત્યાર સુધીની તેની નિડર, નિષ્પક્ષ ફક્ત પાટીદારોના હિત માટેની આગેવાની સ્વિકારી તેને ટેકો આપ્યો છે. પરંતુ જેલમાંથી મુક્ત થયા બાદ રાજસ્થાનમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યના નિવાસ્થાનમાં આશરો લીધા બાદ હાર્દિક પટેલનુ રાજકીય વલણ બદલાયુ છે. હાર્દિક પટેલે સમાજને ગેરમાર્ગે દોરવાનુ બંધ કરવુ જોઈએ. કોઈ રાજકીય પક્ષ સાથે જોડાવાથી અનામત મળી જવાની નથી. હાઈકોર્ટના ચુકાદાથી પાટીદારોએ ૧૦ ટકા ઈબીસી ગુમાવી અને પાટીદારોના નેતૃત્વવાળી સરકારમાં ઉભુ થયેલ ઉગ્ર પાટીદાર આંદોલનના કારણે સરકારમાંથી પાટીદારોએ આગેવાની પણ ગુમાવી છે. જે સમજવાની પાટીદારોને જરૂરી છે. પાટીદારોને મોટુ રાજકીય નુકશાન થયુ છે. ત્યારે અન્ય પક્ષમાં પાટીદારોને આવી આગેવાની ક્યારેય મળવાની નથી. કોંગ્રેસ અને આપ સહીત કોઈપણ રાજકીય પક્ષો જો પાટીદારો અને સવર્ણોને અનામત આપવાની ગેરંટી આપતા હોય તો ફક્ત તેઓ લોકસભા અને રાજ્યસભામાં રજુઆત કરી બતાવે તોયે ઘણુ છે.
ભવિષ્યમાં પાટીદાર અનામત સમીતી(પાસ)માં કોઈ આગેવાન રાજકીય હોદ્દો મેળવવાની લાલચમાં કોઈ પક્ષમાં જોડાશે તો આંદોલનના ૧૪ શહીદો તથા સમાજ માફ નહી કરે. રાજકીય પક્ષમાં જોડાનાર પાસના આગેવાનેએ સમાજને જવાબ આપવો પડશે. સમાજે પાટીદારોના હિત માટે ચાલતા આંદોલન માટે પાસની આગેવાની સ્વિકારી છે. જેનો રાજકીય લાભ ખાટવાનો પ્રયત્ન થશે તો આંદોલન પડી ભાગશે. પાટીદારોની એકતા તુટશે. મનુભાઈ પટેલે જણાવ્યુ છે કે હું એસપીજીના લાલજી પટેલ અને હોદ્દેદારોને છેલ્લા ૧૫ વર્ષથી ઓળખુ છુ. જે ભવિષ્યમાં ક્યારેય કોઈ પક્ષનો હાથો નહી બને તેવો વિશ્વાસ છે. પાસના કન્વીનરો પાટીદાર સમાજને તેમજ માઁ ઉમિયા અને માઁ ખોડલ સમક્ષ મંદિરમાં લેખીતમાં બાહેધરી આપે કે અમે કોઈપક્ષની આગેવાની નહી કરીએ કે કોઈ પક્ષને ટેકો નહી આપીએ ફક્તને ફક્ત પાટીદાર અનામત આંદોલન માટે અને સમાજના હિતમાં લડત ચલાવીશુ.

Leave a Reply

Top