You are here
Home > News > સોના કોમ્પલેક્ષ હિત રક્ષક સમિતિ દ્વારા રજુઆત – ITI ચાર રસ્તા વિસ્તારમાં દબાણ-ગંદકી દૂર કરો

સોના કોમ્પલેક્ષ હિત રક્ષક સમિતિ દ્વારા રજુઆત – ITI ચાર રસ્તા વિસ્તારમાં દબાણ-ગંદકી દૂર કરો

(પ્ર.ન્યુ.સ.)               વિસનગર,રવિવાર
વિસનગર આઈ.ટી.આઈ.ચાર રસ્તા પાસે સોના કોમ્પલેક્ષમાં મોટા શો-રૂમ, ઓફીસ, દુકાનો આવેલી છે. ત્યારે આ વિસ્તારમાં પાલિકાની નિષ્કાળજીના કારણે ગંદકી, દબાણો અને ટ્રાફીક થતા તેનો નિકાલ કરવા સોના કોમ્પલેક્ષ હિતરક્ષક સમિતિ દ્વારા પાલિકા પ્રમુખ તથા ચીફ ઓફીસર સમક્ષ રજુઆત કરવામાં આવી છે. આઈ.ટી.આઈ.ચાર રસ્તા પાસે સર્કલ બનાવવાનો પ્રશ્ન પણ ઘણા સમયથી ગુંચવાયેલો છે. સર્કલ બને તો અકસ્માત ટાળી શકાય તેમ છે.
વિસનગર આઈ.ટી.આઈ.ચાર રસ્તા પાસે આવેલ સોના કોમ્પલેક્ષના વેપારીઓ એકઠા થઈ આ વિસ્તારના વિકાસ માટે ગંદકી દુર કરવા દબાણો હટાવવા અને સર્કલ બનાવવા બાબતનુ ચીફ ઓફીસર કલ્પેશભાઈ ભટ્ટને આવેદન પત્ર આપવામાં આવ્યુ છે. આવેદન ષ્ઠપત્રમાં રજુઆત કરવામાં આવી છેકે, આઈ.ટી.આઈ.ચાર રસ્તા પાસે સોના કોમ્પલેક્ષ સામે આવેલ ખુલ્લી જગ્યામાં ચોમાસાના કારણે મોટા ખાડા પડી ગયા છે. વરસાદી પાણી ભરાવાથી કાદવ કિચ્ચડ થતા નર્કાગાર સ્થિતિ સર્જાય છે. આ રસ્તો કાંસા ગામ, આ રોડ ઉપરની કાંસા એન.એ.માં આવેલ ૫૦ થી વધુ સોસાયટીઓનો મુખ્ય માર્ગ, વિસનગરથી ઉંઝા તરફ જવાનો માર્ગ હોવાથી દિવસ દરમ્યાન ભારે ટ્રાફીક રહે છે. રોડ ઉપર મોટા ખાડા તથા કાદવ કિચ્ચડ હોવાથી અકસ્માતના અને વાહનો પટકાવાના બનાવો બને છે. માર્કેટની સામે આવેલ સરકારી જગ્યામાં છેલ્લા ઘણા સમયથી પરપ્રાંતીય ઈસમો દ્વારા ગેરકાયદેસર ધાર્મિક સ્થળ તથા રહેણાંકનુ પાકુ મકાન બનાવતા વેપારીઓ માટે ધંધાકીય નડતરરૂપ છે. આ વિસ્તારની આવી પરિસ્થિતિના કારણે સોના કોમ્પલેક્ષના વેપારીઓ હેરાન પરેશાન થઈ ગયા છે. વળી આઈ.ટી.આઈ.ચાર રસ્તા ઉપર ટ્રાફીકનુ ભારણ રહેતા અવારનવાર અકસ્માતના બનાવો બને છે. આ સર્કલ ઉપર ડમ્પરની ટક્કરથી એક સાયકલ સવારનુ મૃત્યુ થયુ હતુ. જેથી આવી પરિસ્થિતિઓના કારણે આઈ.ટી.આઈ.ચાર રસ્તા ઉપર સર્કલ બનાવવા, બીન અધિકૃત દબાણ તોડી નાખવા, ચાર રસ્તાથી ગુરૂકુળ રોડની આસપાસ સ્વચ્છતા જળવાય તે માટે બ્લોક પાથરવા, રોડની આસપાસ ગટરલાઈનનુ લેવલ કરી ભરાઈ રહેતા પાણીનો નિકાલ કરવા, કાદવ કિચ્ચડ થતો હોવાથી નિયમિત દવાનો છંટકાવ કરવા તથા સ્વચ્છતા અભિયાન અંતર્ગત દુકાનદારોને ડસ્ટબીન આપવા વેપારીઓ દ્વારા રજુઆત કરવામાં આવી છે.

Leave a Reply

Top