You are here
Home > News > અગાઉ ભાજપના શાસનમાં વિસનગરમાં પાલિકા દ્વારા બનાવેલ આંગણવાડીમાં ભ્રષ્ટાચારની બૂ

અગાઉ ભાજપના શાસનમાં વિસનગરમાં પાલિકા દ્વારા બનાવેલ આંગણવાડીમાં ભ્રષ્ટાચારની બૂ

અગાઉ ભાજપના શાસનમાં
વિસનગરમાં પાલિકા દ્વારા બનાવેલ આંગણવાડીમાં ભ્રષ્ટાચારની બૂ

(પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર
સ્લમ વિસ્તારના નાના બાળકોને બાળપણથીજ શિક્ષણ સાથે પોષણક્ષમ આહાર મળી રહે તે હેતુથી સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ઠેર-ઠેર આંગણવાડી કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. જેમાં વિસનગર પાલિકાના ભાજપના શાસનમાં પદાધિકારીઓ અને અધિકારીની કમીશન ખાવાની ભ્રષ્ટ નિતીના લીધે શહેરની કેટલીક આંગણવાડીઓ આડેધડ બનાવી દીધી છે. સમય થતા આવી આંગણવાડીઓ અસામાજીક તત્વોનો અડ્ડો બની જાય છે. ત્યારે સરકારના અધિકારી અને પદાધિકારીઓએ બાળકોના હિતમાં આડેધડ આંગણવાડીઓ બનાવનાર સામે કડક પગલા લઈ નાણાંની રીકવરી કરવી જોઈએ.
ભાજપ સરકાર દ્વારા સ્લમ વિસ્તારના નાના બાળકોનો બાળપણથીજ શિક્ષણની સાથે માનસિક અને શારીરિક વિકાસ થાય તેવા હેતુથી શહેર અને ગામડાઓના સ્થાનિક વિસ્તારોમાં આંગણવાડી કેન્દ્રો શરૂ કર્યા છે. આંગણવાડીનુ પાકુ મકાન બનાવવા માટે સરકાર વહીવટીતંત્રના અધિકારીઓને જરૂરી ગ્રાન્ટ ફાળવે છે. જેમાં પાલિકાએ બાળકોના આરોગ્યને ધ્યાને રાખીને આંગણવાડી કેન્દ્ર બનાવવા જગ્યા ફાળવવાની હોય છે. પરંતુ પાલિકાના પદાધિકારીઓ અને અધિકારીની કમીશન ખાવાની ભ્રષ્ટ નિતી અને અણઆવડતના કારણે આડેધડ આંગણવાડીઓ બનાવવામાં આવી છે. જેમાં વિસનગર શહેરના ઉમિયા માતા મંદિર પાસે આવેલ સ્મશાન રોડ ઉપર ભાજપના શાસનમાં પાલિકા દ્વારા એક આંગણવાડી માટે પાકુ મકાન બનાવવામાં આવ્યુ છે. પરંતુ આ મકાન જાહેર શૌચાલયને અડીને બનાવવામાં આવ્યુ છે. જેથી શૌચાલયનુ ગંદુ પાણી આંગણવાડી પાસે વહે છે. બીજી બાજુ આંગણવાડી પાસે ગટરના ગંદા પાણીની કેનાલ પસાર થાય છે. જેનુ ગંદુ પાણી ભરાઈ રહેતા ભારે દુર્ગંધ મારે છે. ત્યારે પાલિકા દ્વારા આવી જગ્યાએ આંગણવાડીનુ મકાન બનાવવાનો અર્થ શું? ભાજપ સરકાર બાળકોના આરોગ્યની ચિંતા કરવાના જાહેરમાં બણગા ફૂકે છે. બીજી બાજુ બાળકોના આરોગ્યની ધ્યાન રાખ્યા વગર આજ ભાજપના સત્તાધિશોએ આડેધડ આંગણવાડીઓના મકાનો બનાવ્યા છે. આવા આંગણવાડીના મકાનોનો કોઈ ઉપયોગ થતો નથી. જેના કારણે ભવિષ્યમાં આવી બંધ આંગણવાડીના મકાનો અસામાજીક તત્વોનો અડ્ડો બની જાય છે. ત્યારે સરકારે શહેરમાં આડેધડ આંગણવાડી બનાવનાર જવાબદારો સામે નાણાંની રિકવરી કરવા કાર્યવાહી કરવી જોઈએ. અત્રે નોંધપાત્ર બાબત છેકે અત્યારે શહેરમાં ભાડાના મકાનમાં ચાલતી આંગણવાડી કેન્દ્રો પાકા મકાનમાં બનાવવા માટે જે તે વિસ્તારમાં જગ્યા ફાળવવા આઈ.સી.ડી.એસ.ના સી.ડી.પી.ઓ.પન્નાબેન પરીખે પાલિકાને વારંવાર રજુઆતો કરી છે. છતાં પાલિકાના સત્તાધિશોના પેટનુ પાણી હલતુ નથી. પાલિકાએ બાળકોના હિતમાં સ્લમ વિસ્તારમાં આંગણવાડીનુ પાકુ મકાન બનાવવા કાર્યવાહી કરવી જોઈએ.

Leave a Reply

Top