You are here
Home > News > મીટ ધ પ્રેસ ક્લબ વિસનગર દ્વારા જુનાગઢમાં પત્રકારના હત્યારાઓને સજા કરવાના મુદ્દે આવેદન આપ્યુ

મીટ ધ પ્રેસ ક્લબ વિસનગર દ્વારા જુનાગઢમાં પત્રકારના હત્યારાઓને સજા કરવાના મુદ્દે આવેદન આપ્યુ

મીટ ધ પ્રેસ ક્લબ વિસનગર દ્વારા
જુનાગઢમાં પત્રકારના હત્યારાઓને સજા કરવાના મુદ્દે આવેદન આપ્યુ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
જુનાગઢમાં ભાગીદારી ધંધામાં અંગત અદાવત રાખીને ત્રણ શખ્સો દ્વારા ગત સોમવારે રાત્રે અખબારના પત્રકારની તેની જ ઓફીસમાં ઘાતકી હત્યા કરવાના બનાવના પડઘા રાજ્યભરમાં પડ્યા છે. પત્રકારો દ્વારા ઠેર-ઠેર આવેદનપત્રો આપીને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાની માગણીઓ કરવામાં આવી છે. ત્યારે સરકારે જીવના જોખમે કવરેજ કરી સમાજમાં થતી ઘટનાઓનો નિષ્પક્ષપણે પર્દાફાશ કરતા અને મોંઘવારીમાં પરીવારનુ ગુજરાન ચલાવવા માટે સાઈડમાં બીજો વ્યવસાય કરતા ચોથી જાગીરને ન્યાય આપવા માટે આવા અસામાજીક તત્વો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. આ ઉપરાંત્ત જીવ ગુમાવનાર પત્રકારની તપાસ કર્યા બાદ તેના પરિવારોને રોજગારી આપવાનો કોઈ કાયદો અમલમાં મુકવો જોઈએ.
ગુજરાતમાં ભાજપ સરકાર સબ સલામતના ભલે બણગા ફૂકતી હોય પરંતુ આજે રાજ્યમાં કથળેલી કાયદો વ્યવસ્થાના લીધે પત્રકારો અને પોલીસ પણ સલામત રહી નથી. ભાજપ સરકાર પોતાની વોટબેંક ટકાવી રાખવા બુટલેગરો સામે કડક કાર્યવાહી કરતી નથી. જેના કારણે બુટલેગરો બેખૌફ બનીને નિષ્પક્ષ પત્રકારો ઉપર જીવલેણ હુમલા કરતા ખચકાતા નથી. આજની કમરતોડ મોંઘવારીના જમાનામાં પત્રકારને પત્રકારીત્વના વ્યવસાય ઉપર પોતાના પરિવારનુ ગુજરાન ચલાવવુ અત્યંત કપરૂ બન્યુ છે. જેથી કેટલાક પત્રકારો બીજી આવક ઉભી કરવા સાઈડમાં પૂરક વ્યવસાય કરતા હોય છે. જો કોઈ પત્રકાર સાઈડના વ્યવસાયમાં વધુ કમાણી કરે તો તે અસામાજીક તત્વોને અથવા ભાગીદારોને આંખના કણાની જેમ ખૂચતો હોય છે. અને આવા તત્વો પોતાના ધંધામાંથી પત્રકારનો કાયમી કાંટો કાઢી બધુ હડપ કરવાના પેતરા ગોઠવે છે. આવોજ એક કિસ્સો જુનાગઢના એક અખબારના પત્રકાર સાથે બન્યો છે. જુનાગઢના વણઝારી ચોકમાં આવેલ શ્રીરાજ કોમ્પલેક્ષના ચોથા મળે એક અખબારના પત્રકાર કિશોરભાઈ નાનાલાલ દવેની ઓફીસ આવેલી હતી. કિશોરભાઈ પત્રકારના વ્યવસાય સાથે છેલ્લા ૨૫ વર્ષથી જોડાયેલા હતા. જેઓ પત્રકારીત્વની સાથે પૂરક આવક મેળવવા માટે સાઈડમાં પાંચ વર્ષ પહેલા ચોબારી ગામના ફિરોજ નામના વ્યક્તિ સાથે ટ્રાવેલ્સનો ધંધો શરૂ કર્યો હતો. પરંતુ કોઈ કારણોસર બન્ને વચ્ચે રૂપિયાની બાબતે ખટરાગ ઉભો થતા ફિરોજે પત્રકાર કિશોર દવેનો ધંધામાંથી કાયમી કાંટો કાઢવા માટે ષડયંત્ર રચ્યુ હતુ. જેના માટે તેને તેના બીજા બે મિત્રો સાથે મળીને ગત સોમવારે રાત્રે કિશોરભાઈની ઓફીસમાં જઈ તીક્ષ્ણ હથિયાર વડે છાતી, પેટ અને આંતરડાના ભાગે ઉપરાછાપરી ઘા ઝીકી તેમને મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયા હતા. પત્રકારની ઘાતકી હત્યા થયાના સમાચાર વાયુવેગે ફેલાતા સમગ્ર રાજ્યભરના પત્રકારોમાં ભારે રોષ ભભૂક્યો હતો. પત્રકારો દ્વારા સ્થાનિક મામલતદાર કચેરીમાં આવેદનપત્રો આપીને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી હતી. જેમાં મીટ ધ પ્રેસ ક્લબ વિસનગરના પત્રકારોમાં જયેશભાઈ વ્યાસ, બાલમુકુન્દભાઈ બ્રહ્મભટ્ટ, જયંતીભાઈ માંડલીક, ભરતભાઈ પંડ્યા, વિશાલભાઈ પંડ્યા, ઈન્દ્રવદનભાઈ ભટ્ટ, ગુલાબઅહેમદ મનસુરી, હિતેશભાઈ શાહ તથા કનુભાઈ શર્માએ ભેગા મળીને ગત બુધવારે બપોરે તાલુકા સેવાસદનમાં જઈ મામલતદાર આર.એમ.દંતાણીને આવેદનપત્ર આપી પત્રકાર કિશોરભાઈ દવેના હત્યારાને કડકમાં કડક સજા કરવાની માગણી કરી હતી. જોકે પત્રકારો દ્વારા ઠેર-ઠેર આવેદન અપાતા પોલીસના ઉચ્ચ અધિકારીઓએ જુનાગઢમાં પ્રેસ કોન્ફરન્સ બોલાવી પોતાની આબરૂ બચાવવાનો પ્રયત્ન કર્યો હોવાનુ લોકો માની રહ્યા હતા. ત્યારબાદ પોલીસે ઓફીસમાં મુકેલા સીસીટીવી ફૂટેજના આધારે ઉંડાણપૂર્વક તપાસ કરતા કિશોરભાઈના ભાગીદાર ફિરોજે ભાગીદારીના ધંધામાં રૂપિયાના હિસાબના મામલે તેના બે મિત્રોની મદદથી કિશોરભાઈની ઘાતકી હત્યા કરી હોવાનુ ખુલ્યુ હતુ.

Leave a Reply

Top