You are here
Home > Prachar News > પ્રમુખ સહીત સ્વચ્છતા અને આરોગ્ય સમિતિના ચેરમેનની નિષ્ક્રીયતાથી – વિસનગર પાલિકાના ફોગીંગ મશીન શોભાના ગાઠીયા સમાન

પ્રમુખ સહીત સ્વચ્છતા અને આરોગ્ય સમિતિના ચેરમેનની નિષ્ક્રીયતાથી – વિસનગર પાલિકાના ફોગીંગ મશીન શોભાના ગાઠીયા સમાન

(પ્ર.ન્યુ.સ.)            વિસનગર,રવિવાર
ચોમાસાના ભેજવાળા વાતાવરણથી વિસનગરમાં મચ્છર અને જીવાતનો ઉપદ્રવ વધ્યો છે. પાલિકા પાસે ફોગીંગ મશીન છે પરંતુ પ્રમુખ તેમજ સ્વચ્છતાના અને આરોગ્ય સમિતિના ચેરમેનની નિષ્ક્રીયતાના કારણે દવાનો છંટકાવ કરવાના મશીન શોભાના ગાઠીયા સમાન પડી રહ્યા છે. શહેરના લોકો મચ્છર અને જીવાતનો ત્રાસ સહન કરી રહ્યા છે. પાલિકા દ્વારા પાણી ભરાયેલા વિસ્તારમાં દવાનો છંટકાવ પણ કરવામાં આવતો નથી.
ચોમાસાના કારણે વિસનગર શહેરના કેટલાક વિસ્તારમાં પાણી ભરાઈ રહેતા ગંદકીથી મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. ભેજવાળા વાતાવરણના કારણે મચ્છર અને જીણી જીવાતથી લોકો ત્રાસી ગયા છે. શહેર મધ્યેથી પસાર થતી ખુલ્લી કેનાલના કારણે પણ મચ્છરો ફેલાઈ રહ્યા છે. આવા સમયે ગંદકીવાળા વિસ્તારમાં ગેમેક્સીન દવાનો છંટકાવ અને ફોગીંગ મશીનથી શહેરમાં દવાનો છંટકાવ કરવાની ફરજ પાલિકા તંત્ર ચુક્યુ છે. મચ્છર અને જીવાતનો ઉપદ્રવ વધે ત્યારે તેનો નાશ કરવા ફોગીંગ મશીનનો ઉપયોગ જરૂરી છે. વિસનગર પાલિકામાં વર્ષાબેન પટેલના પ્રમુખકાળમાં ફોગીંગ મશીન વસાવવામાં આવ્યા છે. પરંતુ વર્તમાન પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલ તેમજ આરોગ્ય સમિતિના ચેરમેન ભાવનાબેન રબારી અને સ્વચ્છતા સમિતિના ચેરમેન જગદીશભાઈ ચૌહાણની નિષ્ક્રીયતાથી ગમે તે કારણોસર ફોગીંગ મશીનનો ઉપયોગ થતો નથી. આ વર્ષે ચોમાસામાં એકજ દિવસ ફોગીંગ મશીનથી દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. અત્યારે દવાનો છંટકાવ કરવાની ખુબજ જરૂરીયાત છે ત્યારે ફોગીંગ મશીનનો ઉપયોગ કેમ કરવામાં આવતો નથી તે પ્રશ્ન લોકોમાં ચર્ચાઈ રહ્યો છે. પાલિકા પ્રમુખ સ્વચ્છતા તથા આરોગ્ય સમિતિના ચેરમેન શહેરમાં વધેલો મચ્છર અને જીવાતનો ઉપદ્રવ અંકુશમાં લેવા કોઈ કાર્યવાહી કરે છેકે નહી તે હવે જોવાનુ રહ્યુ.

Leave a Reply

Top