You are here
Home > Local News > માસ કોપી કેસમાં કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર – ખેરાલુ સાયન્સ કોલેજનુ પરીક્ષા કેન્દ્ર રદ કરાયુ

માસ કોપી કેસમાં કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર – ખેરાલુ સાયન્સ કોલેજનુ પરીક્ષા કેન્દ્ર રદ કરાયુ

(પ્ર.ન્યુ.સ.)            વિસનગર,રવિવાર
ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવાતી પરીક્ષાઓ દરમ્યાન કોઈપણ વ્યક્તિ ચોરી કરતા પકડાય તો તેનુ તે વિષયનુ રિઝલ્ટ આપવામાં આવતુ નથી અને તેની ઉપર શિક્ષાત્મક પગલા ભરવામાં આવે છે. તેમજ ધોરણ ૧૨ સાયન્સ કોલેજનુ પરીક્ષા કેન્દ્ર આપવા માટે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ સીસીટીવી કેમેરા ન હોય તો પરીક્ષા કેન્દ્રો આપવામાં આવતા નથી. આવી અનેક રીતે કડક દેખાતી યુનિવર્સિટીને ખેરાલુ સાયન્સ કોલેજમાં વર્ષોથી સીસીટીવી કેમેરા ન હોવા છતા પરીક્ષાઓ આપવા દીધી અને પેપર ચેક કરનારા પ્રોફેસરોએ ફરીયાદ કરી કે માસ કોપી જેવુ લાગે છે કે તુરતજ કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર પરીક્ષા કેન્દ્ર રદ કરી દેવામાં આવતા ખેરાલુ પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.
ખેરાલુની આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં સીસીટીવી કેમેરા નથી તેવુ યુનિવર્સિટી તંત્ર જાણતુ હોવા છતા આંખ આડા કાન કરી પરીક્ષા થવા દીધી તો કોની શરમથી આવુ બન્યુ. ખેરાલુ કોલેજમાં લેવાતી તમામ પરીક્ષાઓમાં ક્યારેય ચોરીઓ થતી નથી. દર વર્ષે કોપી કેસ થાય છે તો પછી કયા અધ્યાપકે માસ કોપી થવા દીધી? તે તપાસી જેતે પ્રોફેસર ઉપર પગલા લેવાવા જોઈએ તેની જગ્યાએ યુનિર્વસિટીએ એક તરફી નિર્ણય લઈ ખેરાલુ સાયન્સ કોલેજનુ પરીક્ષા કેન્દ્ર રદ કરી દીધુ તે વ્યાજબી નથી. એક બાજુ માસ કોપી માટે દોષિત ઠરનાર વિદ્યાર્થીઓનુ રિઝલ્ટ જાહેર કરી દીધુ. વિદ્યાર્થીઓ આગળના વર્ષમાં એડમીશન પણ લઈ લીધુ. યુનિવર્સિટીએ ખરેખર માસ કોપીના કસુરવાર વિદ્યાર્થીઓ અને પેપરમાં ચોરી થવા દેનાર પ્રોફેસર ઉપર પગલા લેવા જોઈએ તેના બદલામાં યુનિવર્સિટી ષ્ઠઆખુ સાયન્સ કોલેજનુ પરીક્ષા કેન્દ્ર બંધ કરે તે વ્યાજબી નજ કહેવાય.
બી.એસ.સી.સેમીસ્ટર-૪ ના ગણીતના એક પેપરનુ ખેરાલુ કોલેજની ઉત્તરવહી ચેક કરતા એકસરખા જવાબના લખાણ માટે માસ કોપી માટે યુનિવર્સિટીમાં ફરીયાદ થઈ હતી. ગણીતનુ પેપર સહેલુ હોય કે ગણીતના પ્રોફેસર આઈ.એમ.પી.પ્રશ્નો વિદ્યાર્થીઓને આપ્યા હોય ત્યારે તેવા સમયે તમામ વિદ્યાર્થીઓના પ્રશ્નો સાચા પડે અથવા તો એક ક્લાસ રૂમમાં હોશિયાર વિદ્યાર્થીઓ હોય તો પણ તમામે સાચા જવાબ આપ્યા હોય તેવુ પણ બની શકે છે. ખેરાલુ કોલેજનો એક તરફી વાંક કાઢવો વ્યાજબી તો નજ કહેવાય. ખેરાલુ કોલેજના વહીવટકર્તા આ બાબતે રજુઆત કરશે તેવુ કોલેજ વહીવટીતંત્ર દ્વારા જાણવા મળ્યુ છે.

Leave a Reply

Top