You are here
Home > Local News > વડનગરમાં રસ્તા પરનુ દબાણ દુર કરાવવા રહીશોની રજુઆત

વડનગરમાં રસ્તા પરનુ દબાણ દુર કરાવવા રહીશોની રજુઆત

(પ્ર.ન્યુ.સ.)         વિસનગર,રવિવાર
વડનગરના નદીઓળ પરા વિસ્તારમાં આવેલ રાવળશેરીમાં રહેતા રહીશોની આવવા જવાના રસ્તા પરની સરકારી જમીનમાં ખોડાની શેરીમાં રહેતા એક વ્યક્તિએ ગેરકાયદેસર દબાણ કરીને રસ્તો બંધ કર્યો છે. જે બાબતે રહીશોએ વડનગર ટીડીઓ, મામલતદાર, જીલ્લા કલેક્ટર કચેરી સહીત વિવિધ જગ્યાએ લેખીત રજુઆત કરી રસ્તા પરનુ ગેરકાયદેસર દબાણ દુર કરાવવાની માગણી કરી છે. ત્યારે વહીવટીતંત્રના અધિકારીઓ આ રહીશોની રજુઆતને ક્યારે ધ્યાનમાં લે છે તે જોવાનુજ રહ્યું?
વડનગરના નદીઓળ પરા વિસ્તારમાં બરૂડા જોડે આવેલ સર્વે નં.૩/૩ એકર ગુંઠા ૦.૦૬ હે.આરે.ચો.મી.૦.૦૫.૯૫ વાળી જમીન રાવળ બળદેવભાઈ જેઠાભાઈ રહે.કનેરૂનુ ચાચરૂ, રાવળ ઈશ્વરભાઈ જીવરામ અને રાવળ શોભનાબેન ડાહ્યાલાલ, બન્ને રહે.રાવળશેરી તથા રાવળ જશીબેન જીવરામભાઈ રહે.ખરવાડીએ ભેગા મળી જમીન માલીક પટેલ શંકરલાલ છગનલાલ (રહે.નદીઓળ, પરાવાળા) પાસેથી રૂા.૪૫૦૦૦ માં ખરીદી હતી. જેનો તા.૨૫-૬-૧૯૯૯ ના રોજ વેચાણ દસ્તાવેજ કર્યા પછી તેઓની પાસે કબજો ભોગવટો હોવાથી ત્યાં એક મકાન બનાવ્યુ હતુ. ત્યારબાદ ખોડાની શેરીમાં રહેતા પટેલ અશોકભાઈ ગણપતભાઈએ રહીશોના આવવા-જવાના રસ્તા ઉપર સરકારી જગ્યામાં ગેરકાયદેસર લોખંડની એંગલો ઉભી કરી વરંડો બનાવીને દબાણ કર્યુ હતુ. આ જગ્યામાં દબાણ કરીને અશોકભાઈનો ઈરાદો મકાન બનાવવાનો હોવાની રહીશોને જાણ થતા તેઓએ તેનો વિરોધ કર્યો હતો. ત્યારે અશોકભાઈએ તેમને કહ્યુ કે આ જગ્યા મને વર્ષ-૧૯૯૦ માં મફતગાળામાં મળી હોવાથી તે મારી છે. જોકે મફતગાળો વર્ષ-૧૯૯૦ માં તેમને મળ્યો હોય અને આજદીન સુધી તેઓએ તેમાં મકાન ના બનાવ્યુ હોય તો કાયદેસર રીતે તેને રદ ગણાય છે. છતાં અશોકભાઈએ તે જગ્યામાં દબાણ કરીને રહીશોના આવવા જવાના રસ્તાને ગેરકાયદેસર રીતે બંધ કર્યો છે. જેથી રહીશોએ પોતાનો ન્યાય મેળવવા વડનગર ટીડીઓ, મામલતદારશ્રી, જીલ્લા કલેક્ટરશ્રી, શહેરી વિકાસ મંત્રીશ્રી, ગાંધીનગર તથા તલાટી કમ મંત્રી, વડનગરને લેખીત રજુઆત કરી રસ્તા ઉપરનું ગેરકાયદેસર દબાણ તાત્કાલીક દૂર કરાવવાની માગણી કરી છે. ત્યારે વહીવટી તંત્રના અધિકારીઓ આ રહીશોને ક્યારે ન્યાય આપે છે તે જોવાનુજ રહ્યું?

Leave a Reply

Top