You are here
Home > News > રૂા.૪ કરોડના ખર્ચે વિકાસ થઈ રહ્યો છે તેવી દેવો અને ઋષિમુનિઓની ભૂમિ પીંડાળીયામાં ગણેશ વિસર્જન અટકાવવા લાગણી

રૂા.૪ કરોડના ખર્ચે વિકાસ થઈ રહ્યો છે તેવી દેવો અને ઋષિમુનિઓની ભૂમિ પીંડાળીયામાં ગણેશ વિસર્જન અટકાવવા લાગણી

રૂા.૪ કરોડના ખર્ચે વિકાસ થઈ રહ્યો છે તેવી દેવો અને ઋષિમુનિઓની ભૂમિ
પીંડાળીયામાં ગણેશ વિસર્જન અટકાવવા લાગણી

(પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર
વિસનગર શહેરમાં પીંડાળીયુ તળાવ પવિત્ર સ્થળ પૈકીનુ એક છે. આ તળાવનો રૂા.૪ કરોડના ખર્ચે વિકાસ થઈ રહ્યો છે. તળાવમાં સ્વચ્છતા રહે છે. ત્યારે ગણેશ વિસર્જન તથા અન્ય પ્રસંગોએ વિસર્જન વખતે આ તળાવમાં મૂર્તિ નહી પધરાવી તળાવમાં સ્વચ્છતા જાળવવા લાગણી પ્રવર્તી છે.
વિસનગરમાં પીંડાળીયુ તળાવ એ દેવો તથા ઋષિમુનિઓની ભૂમિ કહેવાય છે. અહીયા સંતો-મહંતોની સમાધી છે. તળાવ વિસ્તારમાં કોઈ બદી નહી હોવાથી લોકો અહી આવી શાંતીથી બેસી શકે છે. તળાવ આસપાસના વિસ્તારોમાં ફતેહ દરવાજાના પાટીદારોની જમીન આવેલ હોઈ તેમની સતત અવરજવરના કારણે તળાવમાં માછલીઓ પકડવાની બદી ફુલીફાલી નથી. આ તળાવ આસપાસ કોઈ દબાણ નથી. ફતેહ દરવાજા વિસ્તારના પાટીદાર યુવાનોની હાંકના કારણે આ પવિત્ર સ્થળે અસામાજીક પ્રવૃત્તિ ઘુસી શકી નથી. જેના કારણે આગવી ઓળખની રૂા.૪ કરોડની ગ્રાન્ટમાંથી તળાવનુ રીનોવેશન અને બ્યુટીફીકેશન કરવા પાલિકા દ્વારા સર્વસંમતીથી ઠરાવ કરવામાં આવ્યો છે. પીંડાળીયા તળાવનુ જે ઐતિહાસિક મહત્વ છે તે જળવાય તે માટે પાટીદાર યુવાનો દ્વારા સતત દેખરેખ રાખવામાં આવે છે.
ગણેશચતુર્થી હોય કે શ્રાવણ માસમાં દશામાના વ્રત સમયે લોકો આવુ પવિત્ર અને સ્વચ્છ પીંડાળીયા તળાવમાં મૂર્તિઓ પધરાવવા આગ્રહ રાખે છે. જેના કારણે તળાવમાં ગંદકી થાય છે. કેટલાક લોકોએ લાગણી વ્યક્ત કરી છેકે અમદાવાદ કાકરીયાની જેમ વિસનગરમાં પીંડાળીયુ તળાવ રીનોવેશન થઈ રહ્યુ છે. કાકરીયાના રીનોવેશન બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાકરીયામાં મૂર્તિઓ પધરાવવા મનાઈ ફરમાવવામાં આવી છે. અમદાવાદમાં ગણેશ વિસર્જન ઈન્દીરા બ્રીજ નીચે સાબરમતી નદીમાં થાય છે. ત્યારે વિસનગરમાં પણ પીંડાળીયા તળાવમાં મૂર્તિ વિસર્જન પર રોક લગાવવા પાલિકાએ વિચારવુ જોઈએ. હાલમાં પીંડાળીયામાં મૂર્તિ પધરાવવા કોઈ રોકતુ નથી. પરંતુ લોકોએ હવે આ તળાવમાં મૂર્તિ વિસર્જન નહી કરવા વિચારવુ જોઈએ. શહેરમાં દેળીયુ તળાવ પણ છે. જ્યા ધાર્મિક પ્રસંગે લોકોની ઓછી અવરજવરના કારણે અસામાજીક પ્રવૃત્તિ ફુલીફાલી છે. પાલિકા દ્વારા દેળીયુ તળાવ રીનોવેશન કરવા પણ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે પરંતુ આ વિસ્તારમાં અસામાજીક પ્રવૃત્તિ ફુલીફાલી હોવાથી તળાવ રીનોવેશન માટે કરેલો ખર્ચ એળે ગયો છે. લોકોએ હવે પીંડાળીયા તળાવમાં મૂર્તિ વિસર્જન કરવાનુ ટાળી હવે દેળીયા તળાવમાં મૂર્તિ વિસર્જન માટે વિચારવુ જોઈએ.

Leave a Reply

Top