Select Page

વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાં પીવાના પાણીના વલખા

કુલરની વ્યવસ્થા હોવા છતા જાળવણીના અભાવે

વિસનગર તાલુકા પોલીસ સ્ટેશન નવુ બનાવવામાં આવતુ નથી. ત્યારે પોલીસ સ્ટેશનમાં અસુવિધાઓના કારણે કર્મચારીઓ ત્રાસી ગયા છે. પોલીસ સ્ટેશનમાં પીવાના પાણીની વ્યવસ્થા નથી. એક નહી પરંતુ બબ્બે કુલર છે પરંતુ જાળવણીના અભાવે ઉપયોગ થતો નથી. સરકારી ગાડીઓનો બેફામ ઉપયોગ થાય છે. ત્યારે પાણીની બોટલો ભરવાની વ્યવસ્થા થઈ શકતી નથી.
આવુ પોલીસ સ્ટેશન આખા ગુજરાતમાં ક્યાય છે નહી. આવા ખરાબ અને સુવિધાઓ વગરના પોલીસ સ્ટેશનમાં નોકરી કરાવી એ સજારૂપ છે. આવા શબ્દો વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પાસેથી સાંભળવા મળે છે. પોલીસ અધિકારીઓ પોતાની સુવિધા માટે ખર્ચા કરે છે. ડી.વાય.એસ.પી.ક્વાટર્સ અને ડી.વાય.એસ.પી. ઓફીસ માટે વિસનગર તાલુકા પંચાયતની જગ્યા મળે છે અને લાખ્ખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. પરંતુ જ્યા પોલીસ સ્ટાફના કર્મચારીઓને દિવસ રાત ફરજ બજાવવાની હોય છે તે પોલીસ સ્ટેશનો નવા બનાવવા માટે વિચાર કરવામાં આવતો નથી.
ગુજરાતમાં મોટાભાગના પોલીસ સ્ટેશન નવા બની ગયા છે. જ્યારે વિસનગર તાલુકા પોલીસ સ્ટેશન એક એવુ છેકે જે અંગ્રેજો વખતના ખખડધજ મકાનમાં કાર્યરત છે. જ્યા સુવિધાના નામે મીંડુ છે. અત્યારે ઉનાળામાં તરસ છીપાવા માટે પીવાના પાણીની વારંવાર જરૂર પડે છે. ત્યારે વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાં પીવાના પાણીની કોઈ વ્યવસ્થા નથી. તાલુકાના લોકોની તાલુકા પોલીસ સ્ટેશનમાં ઘણી અવરજવર રહે છે. ત્યારે ગામડાના લોકોને પાણી પીવા માટે ફાફા મારવા પડે છે. ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને ઘરેથી પાણીની બોટલ લઈને આવવુ પડે છે. એક બોટલ આખો દિવસ ક્યાંથી ચાલે? પોલીસ સ્ટેશનમાં દાતાઓના સૌજન્યથી બે કુલર છે. પરંતુ પાણીની બોટલોની વ્યવસ્થાના અભાવે કુલર ચાલુ કરી શકાતા નથી. પોલીસના સરકારી વાહનોનો બેફામ ઉપયોગ થાય છે. પરંતુ બોટલો ભરવા માટે વાહનની વ્યવસ્થા કરવામાં આવતી નથી. પોલીસ સ્ટેશનમાં મહિલા કર્મચારીઓ માટે પણ કોઈ સુવિધા નથી. અલગ શૌચાલય વગર મહિલા કર્મચારીઓને શરમ અનુભવવી પડે છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us