You are here
Home > Prachar News > એસીબી ડીપાર્ટમેન્ટે ૧૧ સરકારી બાબુઓને અપ્રમાણસર મિલકત માટે પકડ્યા – સરકારી તંત્રમાં મોટાભાગે બધા શેઠનાજ સોમલા છે

એસીબી ડીપાર્ટમેન્ટે ૧૧ સરકારી બાબુઓને અપ્રમાણસર મિલકત માટે પકડ્યા – સરકારી તંત્રમાં મોટાભાગે બધા શેઠનાજ સોમલા છે

તંત્રી સ્થાનેથી

pen_png7408

એસીબી ડીપાર્ટમેન્ટે ૧૧ સરકારી બાબુઓને અપ્રમાણસર મિલકત માટે પકડ્યા

સરકારી તંત્રમાં મોટાભાગે બધા શેઠનાજ સોમલા છે

એસીબી અધિકારીઓએ અમદાવાદ, ગોધરા, પંચમહાલ, ગાંધીનગર, જામનગર, રાજકોટ, પાલનપુર, બનાસકાંઠા અને ઝાલોદમાં આખુ ગુજરાત ખુંદી વળ્યા ત્યારે ૧૧ સરકારી અધિકારીઓને ત્યાં દરોડા પાડી કરોડોની અપ્રમાણસર મિલકતો પકડી પાડી છે. એસીબીના અધિકારીઓને સરકારી બાબુઓની અપ્રમાણસર મિલકતો માટે આખુ ગુજરાત નહિ પણ એક તાલુકાના સરકારી બાબુઓને ત્યાં રેડ કરાય તો આવી મિલકતો આરામથી મળી જાય. એસીબીના અધિકારીઓને કલાસ વન અધિકારીઓ પકડવાની જરૂરી નથી. કલાસવન અધિકારીઓના સીટી સર્વે ઓફીસના, પી.ડબ્લ્યુ.ડી.ઓફીસના, પટાવાળાઓને ચકાસવામાં આવે તો પણ લાખ્ખો બેનામી નાણાં મળી શકે છે. વિસનગર સેવાસદનમાં પટાવાળો ગાડી લઈ નોકરી કરવા આવવાના ભૂતકાળમાં બનાવો નોંધાયા છે. પટાવાળાના પગાર ઉપર ગાડી ચાલી શકે નહી. એસીબી ડીપાર્ટમેન્ટ વેપારીઓ, બિલ્ડરો, ર્ડાક્ટરો, ઉદ્યોગપતિઓને બેનામી નાણાં માટે ડેક્લેરેશન કરાવે છે. ખરેખર જોઈએ તો પકડાતા વ્યવસાયીક તમામ વ્યક્તિઓએ જે પણ બેનામી આવક ભેગી કરી છે તે તેમની મહેનત, બુધ્ધિ, સાહસ, જોખમ લેવાની શક્તિની કમાણી છે. પણ કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલયની ખોટી ટેક્સનીતિને લઈ મહેનતના પૈસા વ્યવસાય કરનાર વ્યક્તિઓને બેનામી કરવાની ફરજ પડે છે. આ લોકો ધંધામાં સાહસથી નાણાં ભેગા કરે છે. ભૂલ કરે તો તેમને નુકશાન ભોગવવા વારો આવે છે. બિલ્ડરો, તંત્રની આંટીઘૂંટીને પાર કરી નાણાં કમાય છે. આંટીઘૂંટીમાં ફસાય તો નાણાં મૂકવા વારો આવે છે. જ્યારે સરકારી બાબુઓને તેમને મળેલી સત્તાનો દુરુપયોગ કરી નાણાં ભેગા કરવાના હોય છે. સરકારી બાબુઓને બુધ્ધિ ઉપયોગ કે મહેનત કરવાની હોતી નથી. છતાં રોજેરોજ લાખો રૂપિયા કમાઈ શકે છે. ગાંધીનગરમાં કેટલાક એવા વિભાગો છેકે જેનો હેડ(મુખ્ય અધિકારી) રોજની એક લાખથી પાંચ લાખની કમાણી કરે છે તેવી લોકચર્ચા છે. સરકારી બાબુઓ જે મેળવે છે તે તેમના હક્કનું નથી. જ્યારે વ્યવસાયીક માણસો જે પણ મેળવે છે તે તેમના હક્કનું, મહેનત, સાહસનુ હોય છે. છતાં સરકારી બાબુ અને વેપારીઓને એક સરખા ગણે છે. આઈ.ટી.ડીપાર્ટમેન્ટ જો સરકારી બાબુઓની તપાસ કરે તો દસ વર્ષ સુધી તેમને અપાયેલો કાળા નાણાં પકડવાનો ટારગેટ પૂર્ણ થાય તેમ છે. સરકારી બાબુઓ માટે એવું કહી શકાય કે જે સરકારી બાબુઓ ઈમાનદાર રહ્યા છે તેમને ચાન્સ મળ્યો નથી તેવી તેમની ઈમાનદારી છે. ૯૫ ટકા કરતાં વધારે સરકારી બાબુઓ ઉપરની કમાણી તેમની તાકાત અને હોદ્દા પ્રમાણે મેળવે છે. સરકારી બાબુઓ માટે એક જૂની શેઠના સોમલાની વાત અહીં લખી છે. એક શેઠ મોટુ કારખાનું ચલાવતા હતા. કારખાનાના દરવાજા આગળ બનાવેલ ઓટલા ઉપર શેઠની ગાદી રહેતી હતી. શેઠ ગાદી ઉપર બેસી કારખાનામાં નજર રાખતા હતા. તેમને ત્યાં એક સોમા નામનો માણસ હતા. જે ચોરી કરતાં વારંવાર પકડાતો હતો. પણ ગરીબ હોવાથી શેઠ તેને જતો કરતા હતા. શેઠને યાત્રાએ જવાનો અવસર આવતા તેમણે એક ગુરખાને ચોકી માટે રાખ્યો અને સોમાનુ ધ્યાન રાખવા જણાવ્યું. શેઠ જાત્રાએ ગયા જાત્રાથી પાછા આવી કારખાને આવ્યા ગુરખાને પૂછ્યું સોમલાની બરાબર ખબરતો રાખી છેને? ગુરખાએ હિન્દી ભાષામાં જવાબ આપ્યો “શેઠ તુમ્હારી ફેક્ટરીમે એક સોમલા નહિ હૈ યહાં તો સબ સોમલે હૈ” શેઠની ફેક્ટરીની જેમ આજની તારીખે દેશના સરકારી બાબુઓ માટે તમામ શેઠના સોમલા છે તેવું કહી શકાય. જોકે તેમાં ક્યાંક અપવાદ હશે પણ સોમલાની સંખ્યા મોટા પ્રમાણમાં છે.

Leave a Reply

Top