You are here
Home > Prachar News > ધારાસભ્ય ઉપરના હુમલાને પાલિકા સભ્યોએ વખોડ્યો – નિર્દોષ પાટીદારોને ખોટી રીતે હેરાન કરાશેતો ધરણા કરીશુ

ધારાસભ્ય ઉપરના હુમલાને પાલિકા સભ્યોએ વખોડ્યો – નિર્દોષ પાટીદારોને ખોટી રીતે હેરાન કરાશેતો ધરણા કરીશુ

(પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર
વિસનગરમાં ધારાસભ્ય ઋષિભાઈ પટેલ ઉપરના હુમલાના કેસમાં આરોપીઓના જે નામ દર્શાવવામાં આવ્યા છે તે રાજકીય ઈશારે આપવામાં આવ્યા હોવાનુ જણાવી આ કેસમાં નિર્દોષ પાટીદાર યુવાનોને ખોટી રીતે હેરાન કરવામાં આવશે તો પ્રતિક ઉપવાસ અને ધરણાનો કાર્યક્રમ કરવાની પાટીદાર મહિલા સમિતિ, પાલિકા સભ્યો તથા સંકલન સમિતિ દ્વારા ચીમકી આપવામાં આવી છે.
શહેરના પ્રથમ નાગરિકની હરોળમાં આવતા પાલિકા સભ્યોએ ધારાસભ્ય ઋષિભાઈ પટેલની કાર ઉપરના પથ્થરમારાના બનાવને શખ્ત શબ્દોમાં વખોડી એ સાબીત કરી બતાવ્યુ છેકે પાલિકા સભ્યો ભલે પાટીદાર અનામત આંદોલનના પવનમાં ચુંટાયા હોય પરંતુ આવા હિચકારા હુમલાના બનાવને ક્યારેય ટેકો હોય નહી. ધારાસભ્યની કાર ઉપરના હુમલાના બનાવમાં આ કેસમાં છ વ્યક્તિઓ સામે નામ જોગ ફરીયાદ કરવામાં આવી છે. જેમાં વિસનગર પાટીદાર મહિલા સમિતિ તથા પાલિકા સભ્યોનો રોષ છેકે આરોપીઓ તરીકે જેમના નામ આપવામાં આવ્યા છે તેમાંથી કોઈ બનાવસ્થળે હાજર હતું નહી. આ બાબતે તા.૨૮-૯-૨૦૧૬ ને બુધવારે વિસનગર પાટીદાર મહિલા સમિતિ દ્વારા મામલતદાર આર.એમ.દંતાણીને આવેદન પત્ર આપવામાં આવ્યુ છેકે, અસામાજીક તત્વો દ્વારા ધારાસભ્ય ઉપર જે પથ્થરમારો થયો તે ખરેખર નિંદનીય બાબત છે. પરંતુ ધારાસભ્ય દ્વારા જે નામ જોગ ફરીયાદ કરવામાં આવી છે તે વખોડી નાખવા જેવી છે. જો આ નિર્દોષ પાટીદાર સાવજોને કંઈ પણ થશે તો અમે વિસનગર પાટીદાર મહિલા સમિતિ મામલતદાર કચેરી સામે ઉપવાસ ઉપર બેસસે. જેમાં કંઈપણ અણબનાવ થશે તો તંત્રની જવાબદારી રહેશે.
તા.૨૯-૯-૨૦૧૬ ના રોજ પાલિકા પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલ, સંકલન સમિતિના પ્રમુખ ગોરધનભાઈ પટેલ પાલિકા સભ્યો અને સંકલન સમિતિના સભ્યો દ્વારા પી.આઈ.પી.કે.રાણા, મામલતદાર અને કલેક્ટર સમક્ષ આવેદનપત્ર આપવામાં આવ્યુ છે. જેમાં જણાવાયુ છેકે તા.૨૭-૯-૨૦૧૬ ના રોજ રાત્રે વિસનગરમાં ધારાસભ્યની ગાડી ઉપર થયેલ હુમલો અમો શખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. પરંતુ ફરીયાદમાં શહેરના પ્રતિષ્ઠીત વેપારીઓ, નાગરીકો અને કોર્પોરેટરોના જે નામો આપવામાં આવ્યા છે તે રાજકીય કિન્નાખોરી અને પૂર્વગ્રહ રાખી રાજકીય બદઈરાદાથી આપવામાં આવ્યા છે. ગુનેગારોને કડકમાં કડક શિક્ષા થાય તેવી અમારી માગણી અને લાગણી છે. પરંતુ નિર્દોષોને ખોટી રીતે હેરાન કરીને પોતાની રાજકીય ખીચડી શેકવાનો પ્રયત્ન કરી રહેલ છે. બનાવના સ્થળ ઉપર હાજર ન હોય તેમ છતા પોલીસ ફરીયાદમાં નામ લખવામાં આવ્યા છે તે કેવી રીતે ચલાવી લેવાય? આ હુમલો વખોડવા લાયક છે. ગામની અને તાલુકાની શાંતી ડહોળવાનો પ્રયત્ન થઈ રહેલ છે. પોલીસની કામગીરી વિવાદાસ્પદ છે. આ બાબતે ઉંડાણથી તપાસ કરી સત્ય હકીકત જાહેર જનતા સમક્ષ તાત્કાલીક લાવવા અમારી લાગણી અને માગણી છે. અન્યથા આ બાબતે અમો અહિંસક લડતના મંડાણ કરીશુ, પ્રતિક ધરણા કરીશુ. તાલુકા અને શહેરમાં અશાંત પરિસ્થિતિ સર્જાશે તો તેની સંપુર્ણ જવાબદારી સરકારની રહેશે.

Leave a Reply

Top