You are here
Home > Prachar News > વૈષ્ણોદેવીના પ્રવાસે ગયેલા સરપંચોએ તન મન ધનથી સાથે રહેવા નેમ લીધી – ધારાસભ્ય ઋષિભાઈને ટીકીટ મળે તેવી સરપંચોએ માનતા રાખી

વૈષ્ણોદેવીના પ્રવાસે ગયેલા સરપંચોએ તન મન ધનથી સાથે રહેવા નેમ લીધી – ધારાસભ્ય ઋષિભાઈને ટીકીટ મળે તેવી સરપંચોએ માનતા રાખી

(પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર
વિસનગરમાં પાટીદાર અનામત આંદોલન બાદ તાલુકાના તમામ પાટીદાર સરપંચો ભાજપના ધારાસભ્યથી વિમુખ થઈ ગયા હોવાનુ લોકો માની રહ્યા છે. પરંતુ ગત અઠવાડીયે આજ તાલુકાના પાટીદાર સહીત અન્ય જ્ઞાતિના આશરે ૩૫ જેટલા સરપંચોએ ભાજપના ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલના સહયોગથી પોતાની પત્નિ અથવા પતિ સાથે વૈષ્ણોદેવીનો પ્રવાસ કરી મા વૈષ્ણોદેવીના દર્શન કરી તેમના શરણે ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલને ભાજપ પાર્ટી ફરીથી વિધાનસભાની ટીકીટ આપે તેવી માનતા રાખી હતી. જો પાર્ટી ઋષિકેશભાઈ પટેલને ફરીથી ટીકીટ આપશે તો તેમને વિજયી બનાવવાની પ્રવાસમાં ગયેલા તમામ સરપંચોએ ખાત્રી આપી હતી.
વિસનગર તાલુકાને પાટીદાર અનામત આંદોલનનુ એપી સેન્ટર માનવામાં આવે છે. અનામત આંદોલન બાદ તાલુકાના તમામ પાટીદાર સરપંચો ભાજપના ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલથી વિમુખ થઈ થયા હોવાનું લોકો માની રહ્યા છે. પરંતુ તાલુકાના મોટાભાગના પાટીદાર સરપંચો ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલના પડખે હોવાનુ જોવા મળ્યુ છે. કારણકે વિસનગર તાલુકાના પાટીદાર સહીતના ૩૫ જેટલા સરપંચો અને ભાજપના હોદ્દેદારોએ ધારાસભ્યના ૫૦ ટકા આર્થિક ફાળાથી ૭ દિવસ માટે વૈષ્ણોદેવી માતાજીના દર્શન કરવા પ્રવાસનુ આયોજન કર્યુ હતુ. જેમાં સરપંચો અને હોદ્દેદારો મળીને કુલ ૭૨ વ્યક્તિઓ ગત તા.૧૮-૯ ના રોજ વિસનગરથી વૈષ્ણોદેવીના પ્રવાસે જવા નીકળ્યા હતા. પ્રવાસમાં અમૃતસર સુવર્ણમંદિર, જલીયાવાલા બાગ, વાઘા બોર્ડર, શિવકોટી, જમ્મુ, વૈષ્ણોદેવી કટારા સ્થળોએ ફરીને તા.૨૪-૯ ના રોજ આનંદ-ઉલ્લાસ સાથે વિસનગર પરત ફર્યા હતા. આ પ્રવાસમાં ભાલક, દેણપ, પુરણપુરા, કમાણા, લાછડી, બાસણા, ખરવડા, કાજીઅલીયાસણા, ધામણવા, ઉદલપુર, મગરોડા, પાલડી, ગુંજા, કીયાદર, ચિત્રોડીપુરા, બેચરપુરા, રાજગઢ, કંસારાકુઈ, રામપુરા(કાંસા), ઘાઘરેટ, સદુથલા, લક્ષ્મીપુરા, ખંડોસણ, ધારૂસણા, મહંમદપુરા, ચિત્રોડા મોટા, દઢિયાળ, ગણપતપુરા, ઘાઘરેટ, કાંમલપુર, રંગાકુઈ, ઈયાસરા, ગોઠવા, વિષ્ણુપુરા, બોકરવાડા, રામપુરા, મહાદેવપુરા, ચિત્રોડીપુરા, તરભ, કાંસા, સદુથલા, રંગપુર, ખંડોસણ, ગુંજા ગામના સરપંચો જોડાયા હતા. જેમાં ઉમતાના પૂર્વ સરપંચ અંકીતભાઈ પટેલ, સુંશીના પૂર્વ સરપંચ મહેશભાઈ પટેલ અને સદુથલાના પૂર્વ સરપંચ મહેન્દ્રભાઈ પટેલ પણ પ્રવાસમાં ગયા હતા. જ્યારે કેટલાક ગામના સરપંચો સીધા ધારાસભ્ય કાર્યાલયમાં આવ્યા હતા. જ્યાં સરપંચોએ ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ પી.કે.પટેલ(કાંસા), તાલુકા પંચાયતના પૂર્વપ્રમુખ રાજુભાઈ ચૌધરીનુ શાલ ઓઢાડીને સન્માન કરી પ્રવાસમાં થયેલો આનંદ વ્યક્ત કર્યો હતો. જેમાં સરપંંચોએ વૈષ્ણોદેવીના ધામમાં એક મીટીંગ કરી આવનારી વિધાનસભાની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલને ફરીથી ટીકીટ આપવામાં આવે તેવી માતાજીની માનતા રાખી હતી. અને ધારાસભ્ય ઋષિભાઈ પટેલને સરપંચ રહીએ કે ના રહીએ કોઈપણ ભોગે વિજયી બનાવવાની નેમ લીધી હતી. આ સમયે દઢિયાળના સરપંચ દિલીપભાઈ ચૌધરીના પ્રયત્નો અને ધારાસભ્ય ઋષિભાઈના કામોથી પ્રભાવિત થઈ કોંગ્રેસના આગેવાન શંકરભાઈ ચૌધરીએ ધારાસભ્યના હસ્તે કેસરીયો ધારણ કરી ભાજપમાં જોડાયા હતા. ત્યારબાદ ધારાસભ્યથી પ્રભાવિત થયેલા સદુથલા ગામના સરપંચ લક્ષ્મણભાઈ પટેલે(એલ.કે. પટેલ) જણાવ્યુ હતુ કે ગઈ વખતની ચુંટણીમાં ભોળાભાઈ સાહેબ હતા ત્યારે આખા ગામમાં હુ અને મારા સભ્ય રામાભાઈ માધાભાઈએ તેમને પુરો સહયોગ આપ્યો હતો. આમ આપણે સરપંચોએ મારા જેવું રાખવાનુ. કારણકે ભોળાભાઈ સાહેબ, ગોસા સાહેબ બધા જતા રહ્યા એટલે આ સાહેબ આવ્યા એટલે આપણે લાંબુ વિચાર્યા વગર ખાઈ પીને મજા કરવાની. વધુમાં સરપંચ લક્ષ્મણભાઈ પટેલે ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ રાજુભાઈ ચૌધરીના વખાણ કરતા જણાવ્યુ હતુ કે પહેલા રાજુભાઈ ચૌધરી તાલુકા પંચાયતના પ્રમુખ હતા તે વખતે ઓફીસ ભરાયેલી રહેતી હતી. રોજ રૂા.૧૫ ની ચા મળતી હતી. પરંતુ અત્યારે તો કશું ભાળતા નથી. આ દુઃખ મારે એકલાને નહી પણ બધાને પેઠુ છે. જેથી આપણે તો બધા ભેગા થઈને ખોતરવાનુ કામ કરવાનુ છે. પછી ફણગો તો ફૂટશે તેમ કહી પ્રવાસી સરપંચોને કોઈપણ ભોગે ધારાસભ્યના પડખે રહેવાની સલાહ આપી હતી. જ્યારે રામપુરા(કાંસા)ના સરપંચ ભરતભાઈ પટેલે બધા પ્રવાસી સરપંચો વતી ધારાસભ્યનો આભાર વ્યક્ત કરી પ્રવાસ દરમિયાન સરપંચોમાં બનેલી એકતાના ભારોભાર વખાણ કર્યા હતા. જેમાં તેમને પાટીદાર અનામત આંદોલન બાદ બદનામ થયેલા વિસનગર તાલુકામાં એકસાથે આટલા બધા સરપંચો અને ધારાસભ્ય પાસે બેઠા છે તેને માતાજીની કૃપા ગણાવીને આવનારી વિધાનસભાની ચુંટણીમાં ઋષિકેશભાઈ પટેલને પાર્ટી ટીકીટ આપે તો બધાએ સાથે મળીને તેમને વિજયી બનાવવા આહ્‌વાન કર્યુ હતુ. જ્યારે ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલે સરપંચોને પાર્ટી ટીકીટ આપે કે ન આપે પણ બધાએ એક સાથે રહી ભાજપના કમળને ખિલવવા સહકાર આપવા જણાવ્યુ હતુ. આ સાથે પ્રવાસી સરપંચોને તેમના ગામમાં બાકી વિકાસના કામો કરવા પોતાનો તમામ સહયોગ આપવા ખાત્રી આપી હતી. અને આ સંયોગને માતાજીની કૃપા ગણાવી હતી. જ્યારે દઢિયાળના સરપંચ દિલીપભાઈ ચૌધરીએ જણાવ્યુ હતું કે, આજદીન સુધી આપણને આવા સરળ ધારાસભ્ય ક્યારેય મળ્યા નથી. જેથી આપણે આવનારી વિધાનસભાની ચુંટણીમાં ઋષિભાઈ સાહેબને પાર્ટી ટીકીટ આપે તો તેમને જીતાડવા પુરેપુરી મહેનત કરવાની છે.

Leave a Reply

Top