ખેડૂતોને આકર્ષવા વેપારીઓ સતલાસણા, ગઢવાડાના ગામડા ખૂંદી વળ્યા વિસનગર માર્કેટયાર્ડમાં તા.૭-૧૧ થી મગફળીનો વેપાર ધમધમશે

ખેડૂતોને આકર્ષવા વેપારીઓ સતલાસણા, ગઢવાડાના ગામડા ખૂંદી વળ્યા વિસનગર માર્કેટયાર્ડમાં તા.૭-૧૧ થી મગફળીનો વેપાર ધમધમશે

News, Prachar News No Comments on ખેડૂતોને આકર્ષવા વેપારીઓ સતલાસણા, ગઢવાડાના ગામડા ખૂંદી વળ્યા વિસનગર માર્કેટયાર્ડમાં તા.૭-૧૧ થી મગફળીનો વેપાર ધમધમશે

ખેડૂતોને આકર્ષવા વેપારીઓ સતલાસણા, ગઢવાડાના ગામડા ખૂંદી વળ્યા
વિસનગર માર્કેટયાર્ડમાં તા.૭-૧૧ થી મગફળીનો વેપાર ધમધમશે

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર માર્કેટયાર્ડને ધમધમતુ કરવા માર્કેટયાર્ડના ચેરમેન, બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ અને વેપારીઓ એક થયા છે. સતલાસણા-ગઢવાડાના ખેડૂતો વિસનગર માર્કેટયાર્ડમાં મગફળી વેચવા પ્રેરાય તે માટે માર્કેટયાર્ડના વેપારીઓની ટીમ સતલાસણાના ગામેગામ ફરી ખેડૂતોનો સંપર્ક કર્યો હતો. ખેડૂતોને આકર્ષવા વેપારીઓએ કમિશન ઓછુ કર્યુ છે અને વેપારીઓને આકર્ષવા મગફળીના વેપાર ઉપર શેષ ઓછી કરવામાં આવી છે. વિસનગર માર્કેટયાર્ડમાં મગફળીનો માલ વેચવા ખેડૂતો આતુર છે. તા.૭-૧૧-૨૦૧૬ થી માર્કેટયાર્ડમા મગફળીની હરાજી શરૂ થશે. મગફળીના વેપારથી માર્કેટયાર્ડ ધમધમતુ થશે.
કપાસના ભાવ નહી મળતા કપાસનુ વાવેતર ઘટ્યુ છે. વળી નવરાત્રી સમયે વરસાદ થવાથી કપાસના પાકને નુકશાન થતા કપાસનુ પીઠુ ગણાતા વિસનગર માર્કેટયાર્ડમા આ વર્ષે કપાસની આવક ઘટે તેમ છે. માર્કેટયાર્ડમાં ટર્નઓવર જળવાઈ રહે નવી ખેતપેદાશોની આવક શરૂ થાય અને વેપારીઓના ધંધા જળવાઈ રહે તેવા હેતુથી વિસનગર માર્કેટયાર્ડના ચેરમેન, અને બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે વેપારીઓને સાથે રાખી આ વર્ષથી માર્કેટયાર્ડમાં મગફળીની હરાજી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. સતલાસણા અને ગઢવાડા વિસ્તારમાં ખેડૂતો મગફળીની ખેતી કરે છે. વિસનગર માર્કેટયાર્ડમાં મગફળીની હરાજી થતી નહી હોવાથી આ ખેડૂતો પાલનપુર માર્કેટયાર્ડમાં મગફળી વેચવા જાય છે. જ્યારે અન્ય ખેત પેદાશો વેચવા વિસનગર માર્કેટયાર્ડમાં આવે છે. અન્ય માર્કેટયાર્ડમાં એવી પરિસ્થિતિ છેકે મગફળીની આવકો નહીવત હોવાથી ચાર પાંચ દિવસે મગફળીની હરાજી થાય છે. જ્યારે ખેડૂતોને પેમેન્ટ પણ લેટ મળે છે.
ખેરાલુ, સતલાસણા અને ગઢવાડા વિસ્તારના, મોકેશ્વર ડેમથી ધરોઈ ડેમ સુધીના વિસ્તારના મગફળીની ખેતી કરતા ખેડૂતો વિસનગર માર્કેટયાર્ડમાં મગફળીનો પાક વેચવા આકર્ષાય તે માટે માર્કેટયાર્ડના વેપારીઓ અને ડીરેક્ટરો છેલ્લા એક માસથી આ વિસ્તારની મંડળીઓ અને ખેડુતોનો લોકસંપર્ક કરી રહ્યા છે. આ વિસ્તારના ખેડૂતો તમામ પાક વિસનગર માર્કેટયાર્ડમાં વેચવા આવે છે જ્યારે મગફળીની હરાજી થતી નહી હોવાથી મગફળીને પાક વેચવા અન્ય માર્કેટયાર્ડમાં જતા હતા. ત્યારે વિસનગર માર્કેટયાર્ડમાં મગફળીની હરાજી શરૂ થવાની હોવાથી ખેરાલુ, સતલાસણા અને ગઢવાડાના મગફળી પકવતા ખેડૂતોનો પણ વિસનગર માર્કેટયાર્ડમાં માલ વેચવા ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિસનગર માર્કેટયાર્ડમાં મગફળીનો પાક વેચવા આવતા ખેડૂતોને રોજેરોજ હરાજી અને તુર્તજ પેમેન્ટનો લાભ મળશે.
વિસનગર માર્કેટયાર્ડમાં ખેડૂતો મગફળીની હરાજી કરવા આકર્ષાય તે માટે મગફળીની હરાજી ઉપર વેપારી કમિશન રૂા.૧ રાખવામાં આવ્યુ છે. અન્ય ખેતપેદાશમાં રૂા.૧.૫ કમિશન ચાલે છે. જ્યારે વેપારીઓ મગફળીનો માલ ખરીદવા પ્રોત્સાહીત થાય તે માટે મગફળીના વેપાર ઉપર ૩૦ પૈસા શેષ રાખવામાં આવી છે. બીજી જણસોમાંં ૬૦ પૈસા શેષ છે. અન્ય માર્કેટોમાં વેપારીઓ રીગ કરતા હોવાથી ખેડૂતોને મગફળીનો પુરતો ભાવ મળતો નહોતો. જ્યારે વિસનગર માર્કેટયાર્ડમાં વેપારીઓ વચ્ચે તંદુરસ્ત હરિફાઈ હોવાથી મગફળીના પાકનો ભાવ મળશે. વિસનગર માર્કેટયાર્ડમાં બેસતાવર્ષ પછી તા.૭-૧૧-૨૦૧૬ ને સોમવારથી મગફળીની હરાજી શરૂ થશે તેવુ માર્કેટયાર્ડના સેક્રેટરી કમલેશભાઈ પટેલે જણાવ્યુ છે.

Leave a comment

Back to Top