You are here
Home > News > ધારાસભ્ય ઋષિભાઈ પટેલે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી સરદાર પટેલની પ્રતિમા મુકવા તમામ પ્રયત્નો કરીશ-ધારાસભ્ય

ધારાસભ્ય ઋષિભાઈ પટેલે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી સરદાર પટેલની પ્રતિમા મુકવા તમામ પ્રયત્નો કરીશ-ધારાસભ્ય

ધારાસભ્ય ઋષિભાઈ પટેલે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી
સરદાર પટેલની પ્રતિમા મુકવા તમામ પ્રયત્નો કરીશ-ધારાસભ્ય

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરમાં કાંસા ચાર રસ્તા ઉપરના સર્કલમાં સરદાર પટેલની પ્રતિમા મુકવાનુ કામ ખોરંભે પડે તેમ જણાતા ધારાસભ્ય ઋષિભાઈ પટેલે સર્કલ સ્થળે જઈ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી કાયદેસરની પ્રક્રિયા અનુસરી ૩૧ મી ઓક્ટોબરે પ્રતિમા મુકાય તે માટે માર્ગ અને મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓને સુચનો કર્યા હતા. જે સમયે ધારાસભ્યએ જણાવ્યુ હતુ કે સરદાર પટેલની પ્રતિમાનુ અનાવરણ થાય તે માટે મારા પુરતા પ્રયત્નો છે. જેમાં રાજકીય દ્વેષભાવનો કોઈ અવકાશ ન હોય.
વિસનગરમાં કાંસા ચાર રસ્તા સર્કલમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા મુકવા પાલિકા દ્વારા ગત મે માસથી કાર્યવાહી કરવામાં આવી રહી હતી. આ સર્કલ બનાવવા અને તેની જાળવણી માટે તા.૯-૬-૨૦૧૦ થી તિરૂપતી સરજન લી. ને પાંચ વર્ષની મુદત માટે મંજુરી આપવામાં આવી હતી. જે મુદત પુર્ણ થતા પાલિકા દ્વારા આ સર્કલમાં સરદાર પટેલની પ્રતિમા મુકવા માર્ગ અને મકાન વિભાગની વિસનગર પેટા ઓફીસ સમક્ષ મંજુરી માગવામાં આવી હતી. પરંતુ કેટલાક નિયમોને આધીન માર્ગ મકાન વિભાગ દ્વારા મંજુર મળતી નહોતી. સરદાર પટેલ જયંતિની તારીખ નજીક આવતી હતી ત્યારે મંજુરી નહી મળતા છેલ્લે પાલિકા પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલે અમદાવાદ સર્કલ ઓફીસ રૂબરૂ જઈ તાત્કાલીક મંજુરી માટે વિનંતી કરી હતી. મંજુરી નહી મળે તેમ જણાતા પ્રમુખે ચીમકી આપી હતી કે મંજુરી નહી મળે તો સરદાર પટેલની પ્રતિમા માટીમાં મુકીશુ. પ્રતિમાને કંઈ નુકશાન થશે તો જવાબદારી માર્ગ અને મકાન વિભાગની રહેશે.
સરદાર પટેલ જયંતિ ૩૧ મી ઓક્ટોબર નજીકમાં આવતી હોવાથી સરદાર પટેલની પ્રતિમા મુકવા મંજુરી નહી મળે તેમ જણાતા ધારાસભ્ય ઋષિભાઈ પટેલે તા.૨૦-૧૦ ના રોજ સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસીડન્ટ પ્રકાશભાઈ પટેલ અને માર્કેટયાર્ડના ડીરેક્ટર એલ.કે. પટેલ સાથે કાંસા ચાર રસ્તા સર્કલની મુલાકાત લઈ માર્ગ અને મકાન વિભાગના વિસનગર પેટા વિભાગ ઓફીસના નાયબ કાર્યપાલક ઈજનેર જે.એસ.ચાવડા તથા એસ.ઓ.ડી.આર. પટેલને રૂબરૂ સ્થળ ઉપર બોલાવી સમયસર પ્રતિમા મુકાય તેની ચર્ચા કરી હતી. કાયદેસરની પ્રક્રિયા અનુસરી પ્રતિમા મુકવા તાત્કાલીક મંજુરી મળે તે માટે અમદાવાદ અને ગાંધીનગર માર્ગ મકાન વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. ગાંધીનગર દરખાસ્ત કરવી જરૂરી જણાતા ચીફ ઓફીસર કલ્પેશભાઈ ભટ્ટને તાત્કાલીક ગાંધીનગર મોકલ્યા હતા. ધારાસભ્ય ઋષિભાઈ પટેલના આ પ્રયત્નોથી સરદાર પટેલની પ્રતિમાનુ ૩૧ મી ઓક્ટોબરે લોકાર્પણ થશે.
સરદાર પટેલની પ્રતિમા મુકવામાં ધારાસભ્ય આડખીલીરૂપ બની રહ્યા હોવાની શહેરમાં ચર્ચાઓ થતી હતી. ત્યારે સર્કલ સ્થળની મુલાકાત લઈ પ્રતિમા સમયસર મુકાય અને તેનુ લોકાર્પણ થાય તે માટે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને જરૂરી સુચનો કરતા ખોટી ચર્ચાઓનો છેદ ઉડી ગયો છે. આ બાબતે ધારાસભ્ય ઋષિભાઈ પટેલે જણાવ્યુ હતુ કે નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે નર્મદા ડેમ પાસે સરદાર વલ્લભભાઈ પટેલની દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા મુકવા સંકલ્પ કર્યો હતો. ત્યારે વિસનગરમાં સરદાર પટેલની પ્રતિમા મુકાવાનુ કામ ચાલતુ હોય તે આનંદની વાત છે. સરદાર પટેલ ફક્ત પાટીદાર સમાજનાજ નહી સમગ્ર રાષ્ટ્રના સૌના નેતા છે. જેમણે દેશને એક કરવાનુ કામ કર્યુ હતુ. અખંડ ભારતના શીલ્પીની જ્યારે પ્રતિમા મુકાતી હોય તેમાં રાજકારણ ન હોય. તિરૂપતી સરજને વર્ષ ૨૦૧૦ માં સ્વર્ણિમ સંકુલ બનાવી સ્વર્ણિમ કુંભ મુક્યો હતો. તેને આંદોલન સમયે નુકશાન કરી તોડફોડ કરાઈ હતી. તેનુ કોઈના પ્રત્યે રાગદ્વેષ કે દુઃખ ન હોય. પાલિકા દ્વારા ૧૦ ફૂટની પ્રતિમા મુકવાની કામગીરી ચાલી રહી છે. જે ૩૧ મી ઓક્ટોબરે મુકાશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. પ્રતિમા મુકવાની મંજુરી માટે સરકાર તરફથી ધારાસભ્ય તરીકે મારા તમામ પ્રયત્નો રહેશે. આ પ્રસંગ આખા વિસનગર તાલુકાનો પ્રસંગ છે. તમામ સમાજના લોકો સાથે મળી ઉત્સાહભેર ભાગ લે. ધારાસભ્યનુ કદ નહી પરંતુ સરદાર પટેલનુ કદ મોટુ છે. લોકાર્પણમાં મને ન બોલાવે તો પણ પ્રતિમા મુકાય તેવુ ઈચ્છુ છુ. જે માટે મારા પુરતા પ્રયત્નો છે. પ્રતિમા મુકવામાં પાલિકાને જે પણ અડચણો પડે તેની ભલે મને જાણ ન કરે, મારા ધ્યાને ન લાવે છતા પ્રતિમા મુકવા પ્રયત્ન કરીશ. આ માટે જીતુભાઈ પટેલ પણ પ્રયત્નો કરી રહ્યા છે. જેમાં સફળતા મળશેજ.
માર્ગ અને મકાન વિભાગની વિસનગર પેટા વિભાગની નાયબ કાર્યપાલક ઈજનેરશ્રીની કચેરી દ્વારા પ્રચારને જણાવ્યુ હતુ કે, કોઈપણ કામની મંજુરી માટે ઉપરી અધિકારીઓ અને કચેરીઓનો સંપર્ક રાખવો પડે છે. પાલિકા દ્વારા પ્રતિમાની મંજુરી માટે મે મહિનામાં પત્રવ્યવહાર કર્યા બાદ મંજુરી મળે તેની કોઈ દરકાર લેવામાં આવી નથી. જેના કારણે મંજુરીમાં વિલંબ થયો છે. મંજુરી માટે ઉપરી અધિકારીને પાલિકાના પદાધિકારી દબાણ કરી શકે. અમે દબાણ કરી શકીએ નહી. વિસનગર પેટા વિભાગ ઓફીસે મે મહિનામાંજ મહેસાણા કાર્યપાલક ઈજનેરને મંજુરી માટે પત્ર લખ્યો હતો. મંજુરીમાં વિલંબ થવા પાછળ પાલિકાની નિષ્કાળજી જવાબદાર છે.

Leave a Reply

Top