You are here
Home > News > નૂતન અમૃત મહોત્સવનો શાનદાર શુભારંભ

નૂતન અમૃત મહોત્સવનો શાનદાર શુભારંભ

નૂતન અમૃત મહોત્સવનો શાનદાર શુભારંભ

(પ્ર. ન્યુ.સ.) વિસનગર, રવિવાર
નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત ના.મ.નૂતન સર્વ વિદ્યાલય ઉત્તર ગુજરાતની ખ્યાતનામ સંસ્થા છે. આ વર્ષે નવેમ્બર-૨૦૧૬ માં તેના ૭૫ વર્ષના પ્રસંગે અમૃત મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમનો શુભારંભ તા.૨૨-૧૦-૨૦૧૬ ને શનિવારના રોજ નૂતન સર્વ વિદ્યાલયના પટાંગણમાં ત્રિવિધ કાર્યક્રમો જેવા કે સ્પોર્ટસ ડે, નૂતન પ્રદર્શની અને ફન ફેર દ્વારા દબદબાભેર થયો. આ સમારંભના અધ્યક્ષસ્થાને વિસનગરના લોકલાડીલા ધારાસભ્યશ્રી ઋષિકેશભાઈ પટેલ, મુખ્ય મહેમાનશ્રી તરીકે શ્રી આર.આઈ.પટેલ-સચિવશ્રી ગુજ.મા. અને ઉ.મા.શિક્ષણ બોર્ડ, ગાંધીનગરે સ્થાન શોભાવ્યું. નૂતન સર્વ કેળવણી મંડળના માન.શ્રી ભોળાભાઈ સી.પટેલ, ઉપપ્રમુખશ્રી પ્રકાશભાઈ એસ.પટેલ, મંત્રીશ્રી ચંદ્રકાન્તભાઈ એમ.પટેલ, તથા ટ્રસ્ટી મંડળના તમામ સભ્યશ્રીઓ હાજર રહી શોભામાં અભિવૃદ્ધિ કરી. આ ઉપરાંત ગણપત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિશ્રી ર્ડા.એલ.એન. પટેલ, સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના કુલપતિ શ્રી ર્ડા.ડી.જે.શાહ તથા નૂતન કેળવણી મંડળ સંચાલિત તમામ ફેકલ્ટીના પ્રિન્સીપાલશ્રીઓ, હેડ ઓફ ધી ડીપાર્ટમેન્ટ, વિસનગર શહેર તથા તાલુકાની શાળાઓના આચાર્યશ્રીઓ, સમગ્ર નૂતન શાળા સ્ટાફ, ૧૨૦૦ થી વધુ વિદ્યાર્થીઓ, પત્રકારો અને આશરે ૭૦૦ ની આસપાસ વાલીમિત્રો હાજર રહી કાર્યક્રમમાં અભૂતપૂર્વ સહકાર પુરો પાડ્યો.
કાર્યક્રમની શરૂઆત મંગલ પ્રાર્થનાથી કરવામાં આવી ત્યારબાદ અધ્યક્ષશ્રી તથા ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. શાળાના આચાર્યશ્રી મનુભાઈ એસ.નાયકે મહેમાનોનો પરિચય આપી શાબ્દિક સ્વાગત કર્યુ, ત્રિરંગા કપડામાં સજ્જ વિદ્યાર્થીઓએ ‘નૂતન ૭૫’ ફોરમેશન બનાવી શારિરીક કૌવત દાખવી હાજર રહેલ. સૌના મન મોહી લીધાં. ત્યારબાદ તમામ મહેમાનશ્રીઓએ ભૂંગળ, શરણાઈના સૂરે, ઢોલના ગગનભેદી નાદે, તાલીઓના અભૂતપૂર્વ ગડગડાટ સાથે રંગબેરંગી ફુગ્ગાઓ ઉડાડી નૂતન અમૃત મહોત્સવના શુભારંભની ધમાકેદાર જાહેરાત થઈ. આકાશ રંગબેરંગી ફુગ્ગાઓથી છવાઈ ગયું. આ સમયે નૂતન લોગો સ્પર્ધામાં વિજેતા થયેલ બે વિદ્યાર્થીઓને ઈનામ આપી બિરદાવ્યા. ત્યારબાદ મહેમાનશ્રીઓના હસ્તે નૂતન પ્રદર્શનનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું. પ્રાસંગિક પ્રવચનમાં શ્રી આર.આઈ.પટેલે નૂતન શાળાની વિકાસ ગાથાના વખાણ કર્યા. શ્રી ભોળાભાઈ પટેલે પોતાના ભૂતકાળના સંસ્મરણો યાદ કર્યા. ઉપપ્રમુખશ્રી પ્રકાશભાઈ પટેલે પોતાની વિદ્યાર્થી અવસ્થાને યાદ કરી હવે સાંકળચંદ પટેલ યુનિવર્સિટી સ્થપાઈ, યોગનુ યોગ આજે સી.બી.એસ.સી.ઈંગ્લીશ મીડીયમ સ્કુલનું ખાતમુહર્ત થવાનું છે અને મેડીકલ કોલેજ શરૂ કરવાના પ્રયત્નો શરૂ થઈ ગયા છે તેની વાત કરી. સાથે સાથે નવેમ્બરમાં યોજાનાર અમૃત મહોત્સવમાંં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઉમટી પડે તેવુું આહવાન કર્યુ. ધારાસભ્યશ્રી ઋષિકેશભાઈ પટેલે સાંકળચંદ કાકાના કાર્યોને યાદ કર્યા અને હાલના વિદ્યાર્થીઓને ટેકનોલોજી અને અંગ્રેજીમાં પારંગત થવાની શીખ આપી. નૂતન પ્રદર્શનીમાં નૂતનના ૭૫ વર્ષનો શૈક્ષણિક, સામાજીક, ઈતિહાસને કંડારતી સિદ્ધિઓ, એવોર્ડસ, અગત્યની ઘટનાના દૃશ્યો, મોડેલો, પ્રશંસનીય રહ્યા. ફનફેરમાં ખાણી પીણી તથા ગેઈમ્સ, રમકડાંના ૧૬ જેટલા જુદા જુદા સ્ટોલ્સ હતા. જેનો વિદ્યાર્થીઓ, વાલીઓએ ભરપુર લ્હાવો માણ્યો.
સદર કાર્યક્રમના અંતમાં સુપરવાઈઝરશ્રી જે.એલ.પટેલ દ્વારા આભારવિધિ કરવામાં આવી. કાર્યક્રમનુ સંચાલન શાળના શિક્ષકશ્રી જીતેન્દ્રભાઈ એસ.પટેલ અને શ્રીમતિ કવિતાબેન એસ.કલ્લૈયા દ્વારા કરવામાં આવ્યુ. આ પ્રસંગે સંસ્થાના મુરબ્બીશ્રી ભોળાભાઈ પટેલે નૂતન જનરલ હોસ્પિટલ માટે તેમના ધર્મપત્નિ અને સ્વ.સાંકળચંદ કાકાના સુપુત્રી સ્વ.શાંતાબેનના નામે રૂા.૧ કરોડ ૨૫ લાખના દાનની જાહેરાત કરેલ છે. આ પ્રસંગે સંસ્થાના મેનેજમેન્ટ દ્વારા સંસ્થાના ભૂતપૂર્વ અને સંસ્થાએ સમાજના અગ્રણીઓ પાસે અમૃત મહોત્સવ પ્રસંગે સંસ્થાના વિકાસ માટે આર્થિક યોગદાન આપવાની ટહેલ મુકતા ખુબજ ઉત્સાહથી યોગદાન આપવા માટે આગળ આવેલ છે.આમ ખૂબજ આનંદ અને ઉલ્લાસપૂર્વક શુભારંભ કાર્યક્રમ યોજાઈ ગયો.

Leave a Reply

Top