Select Page

પાલિકા તંત્ર ઉભરાતી ગટરોની સફાઈ કરવામાં નિષ્ફળ આદર્શ વિદ્યાલય સામે ગટર ઉભરાતા ગંદકી

પાલિકા તંત્ર ઉભરાતી ગટરોની સફાઈ કરવામાં નિષ્ફળ આદર્શ વિદ્યાલય સામે ગટર ઉભરાતા ગંદકી

વિસનગર પાલિકા તંત્ર નિષ્કીય થતા અત્યારે શહેર ગંદકી અને ગટરો ઉભરાવાની સમસ્યાનો સામનો કરી રહ્યુ છે. આદર્શ વિદ્યાલય સામે જાહેર રોડ ઉપર છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાય છે. પાલિકા તંત્ર કામચલાઉ રીપેરીંગ કરે છે. પરંતુ ચોકઅપ થયેલી ગટરની સફાઈ માટે કોઈ મશીનરી નહી હોવાથી કાયમી ઉકેલ લાવી શકતા નથી. ગટરનુ પાણી દુકાનોમાં ભરાતા ધંધા ઉપર પણ અસર થઈ રહી છે. શૈક્ષણિક સંકુલ આગળ સ્વચ્છતા જાળવવામાં પણ પાલિકા તંત્ર નિષ્ફળ જતા વિદ્યાર્થીઓને ગંદકીમાંથી પસાર થવાની ફરજ પડે છે.

1 નગરપાલિકા પાસે ગટરની સફાઈ કરવા કોઈ મશીનરી નથી 2 ગટરનું ગંદુ પાણી દુકાનમાં ભરાયુ
વિસનગર પાલિકાના વોર્ડ નં.૭ ના સભ્યો તેમના વિસ્તારમાં સ્વચ્છતા અને વિકાસ માટે ધમપછાડા કરે છે. પરંતુ પાલિકા દ્વારા કોઈ નોધ લેવાતી નથી. વોર્ડના પ્રશ્નો માટે આ સભ્યોએ થોડા સમય પહેલાજ રાજીનામાની ચીમકી આપી હતી તેની કોઈ અસર જોવા મળતી નથી. આદર્શ વિદ્યાલયની આગળ આવેલ બસ સ્ટેન્ડ સામેની દુકાનો આગળ છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાય છે. ગટરનુ ઉભરાતુ પાણી આદર્શ વિદ્યાલય પાસેના ત્રણ રસ્તા સુધી ફેલાય છે. ગટરનુ ગંદુ પાણી દુકાનો આગળ ભરાતા દુકાનો પણ ખોલી શકાય નહી તેવી પરિસ્થિતિ ઉદ્‌ભવે છે. ગટર ઉભરાવાથી ચામુંડા પાર્લર એન્ડ પ્રોવિઝન આગળ પાણી ભરાતા વેપારીને દુકાન બંધ રાખવાની ફરજ પડી હતી. ગટરનુ ગંદુ પાણી ફેલાતા આખા રોડ ઉપર ગંદકી અને દુર્ગંધ ફેલાય છે. આવી પરિસ્થિતિ છેલ્લા ઘણા સમયથી છે. પરંતુ પાલિકા તંત્ર દ્વારા કાયમી નિકાલ કરવામાં આવતો નથી. આ વિસ્તારના વેપારીઓની નારાજગી છેકે, ગટર ઉભરાતા પાલિકા કર્મચારીઓ આવીને સળીયા નાખી કામચલાઉ સફાઈ કરી પાણીનો નિકાલ કરે છે. પરંતુ કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી. પાલિકામાં રજુઆત કરવામાં આવે છે તો ગટર સફાઈ કરવાનુ મશીન નથી તેમ કહી હાથ ઉંચા કરી દેવામાં આવે છે. ગટર ઉભરાતા આ વિસ્તારના લોકો હેરાન થઈ રહ્યા છે. સવાલા દરવાજા કાળકા માતાના પરા આગળ ગટર ઉભરાતા નવી લાઈન નાખવામાં આવી હતી ત્યારે છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ગટરનો કાયમી નિકાલ માટે કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી.
આ વિસ્તારમાં આદર્શ વિદ્યાલયની આગળ પણ કચરાના ઢગ જોવા મળે છે. શૈક્ષણિક સંકુલ આગળ સ્વચ્છતા જાળવવા સરકારની સુચના હોવા છતા પાલિકા તંત્ર ગણકારતી નથી. કચરો ન ફેલાય તે માટે પાલિકા દ્વારા પાંજરૂ મુકવામાં આવ્યુ છે. પરંતુ સફાઈ કામદારોજ છુટો કચરો નાખતા આખો દિવસ ગંદકી જોવા મળે છે. આ વોર્ડના સભ્યોનુ પણ પાલિકામાં કંઈ ઉપજતુ નહી હોવાની નારાજગી જોવા મળી રહી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us