ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલની સરકારમાં રજુઆતથી વિસનગર APMC માં મગફળીની ટેકાના ભાવે ખરીદી થશે

ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલની સરકારમાં રજુઆતથી વિસનગર APMC માં મગફળીની ટેકાના ભાવે ખરીદી થશે

News, Prachar News No Comments on ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલની સરકારમાં રજુઆતથી વિસનગર APMC માં મગફળીની ટેકાના ભાવે ખરીદી થશે

ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલની સરકારમાં રજુઆતથી
વિસનગર APMC માં મગફળીની ટેકાના ભાવે ખરીદી થશે

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર માર્કેટયાર્ડમાં નવા વર્ષના પ્રથમ ત્રણ દિવસમાં આશરે ૩૦૦૦ બોરી મગફળીની આવક થઈ હતી. મગફળીના રૂા.૭૨૫ થી ૮૫૧ સુધીના ભાવો બોલાયા હતા. ત્યારે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદી શકાય તે માટે વિસનગર એ.પી.એમ.સી.ના ચેરમેેન અને ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલે સરકારમાં રજુઆત કરતા માર્કેટયાર્ડમાં તાત્કાલિક મગફળીની ખરીદીનુ સેન્ટર ફાળવવામાં આવ્યુ છે. આ સેન્ટર મંગળવારથી શરૂ થવાની શક્યતા છે.
વિસનગર માર્કેટયાર્ડ ખેતપેદાશના વેપારક્ષેત્રે સમગ્ર ઉત્તર ગુજરાતમાં જાણીતુ સેન્ટર છે. જેના કારણે વિસનગર, વડનગર, ખેરાલુ, સતલાસણા સહીત અન્ય તાલુકામાંથી ખેડૂતો પોતાના પાકનુ પોષણક્ષમ ભાવે વેચાણ કરવા માટે વિસનગર માર્કેટયાર્ડમાં આવવાનુ વધુ પસંદ કરે છે. જેમાં નવા વર્ષમાં તા.૭-૧૧ ના રોજ સોમવારથી માર્કેટયાર્ડમાં મગફળીની હરાજી શરૂ થઈ હતી. આ હરાજીમાં પ્રથમ દિવસે માર્કેટયાર્ડમાં ૯૭૦ બોરી મગફળીની આવક થઈ હતી. ત્યારબાદ બીજા અને ત્રીજા દિવસે ૧૦૦૦ થી ૧૧૦૦ બોરી મગફળીની આવક થઈ હતી. ત્યારે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદી શકાય તે માટેે વિસનગર માર્કેટયાર્ડમાં એક સેન્ટર ફાળવવા એપીએમસીના ચેરમેન અને ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ તથા ખેતબજાર નિયામકને લેખિત રજુઆત કરી હતી. ચેરમેન ઋષિકેશભાઈ પટેલની રજુઆતને પગલે સરકારે મગફળીની ખરીદી માટે વિસનગર એપીએમસીનેે એક સેન્ટર ફાળવતા ખેડુતોમાં આનંદની લાગણી ફેલાઈ છે. જોકે સરકારે રાતોરાત રૂા.૫૦૦ અને ૧૦૦૦ ની ચલણી નોટો બંધ કરતા બજારમાં તેની અસર પડી છે. છતાં આવતીકાલે મંગળવારથી માર્કેટયાર્ડમાં સરકારશ્રી(ના ફંડ) દ્વારા ટેકાના ભાવે આ સેન્ટર ઉપર મગફળીની ખરીદી શરૂ થવાની શક્યતા છે. માર્કેટયાર્ડમાં મગફળીનુ વેચાણ કરવા આવનાર ખેડૂતોએ જરૂરી આધાર-પુરાવા સાથે લાવવાના રહેશે. (૧) નવા ૭/૧૨ અને ૮-અ ના ઉતારા જેમાં વર્ષ ૨૦૧૬-૧૭ માં ખરીફમાં મગફળીનું વાવેતર દર્શાવેલુ હોવુ જોઈએ. જો મગફળીનુ વાવેતર દર્શાવેલ ન હોય તો પંચાયતના તલાટી, મંત્રી અથવા સરપંચનો દાખલો (૨) જેના નામનો દાખલો હોય તેમના નામની બેંક પાસબુકની નકલ જેમાં ખાતા નં., બ્રાન્ચ, આઈ.એફ.સી.કોડ દર્શાવેલ હોવો જોઈએ (૩) આધારકાર્ડની નકલ અથવા કોઈપણ આઈ.ડી.પ્રુફ સાથે લાવવુ ફરજીયાત છે. આ ઉપરાંત ખેડૂતે વેચાણ કરેલ મગફળીનુ પેમેન્ટ તેમના ખાતામાં સીધુ જમા થશે. એકજ દિવસમાં ખેડુતદીઠ વધુમાં વધુ ૭૧ ગુણી(૩૫ કિલોની) સીધી ખેડૂત પાસેથી હરાજીમાં ખરીદી થશે. (૪) ટેકાના ભાવ પ્રતિ ૨૦ કિલોના રૂા.૮૪૪ નક્કી થયેલા છે. (૪) ખેડૂતો પોતાની મરજીથી હરાજીમાં ટેકામાં અથવા વેપારીને વેચાણ કરી શકે છે તેવુ એપીએમસી સત્તાધિશો દ્વારા જણાવાયુ છે.

Leave a comment

Back to Top