You are here
Home > News > શૈક્ષણિક નગરીના નભનો સિતારો ખરી પડ્યો – વિસનગરને શિક્ષણનુ હબ બનાવનાર ભોળાભાઈ પટેલનુ નિધન

શૈક્ષણિક નગરીના નભનો સિતારો ખરી પડ્યો – વિસનગરને શિક્ષણનુ હબ બનાવનાર ભોળાભાઈ પટેલનુ નિધન

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
ઉત્તર ગુજરાતના સહકારી શ્રેષ્ઠી, પૂર્વ મંત્રી, વિસનગરને શૈક્ષણિક નગરીનુ હબ બનાવનાર ભોળાભાઈ પટેલના આકસ્મિક અવસાનથી સમગ્ર વિસનગર તાલુકામાં અને નૂતન કેળવણી મંડળમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે. જેમની સ્મશાન યાત્રા અને બેસણામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો તેમના ટેકેદારો વિગેરેએ મોટી સંખ્યામાં હાજરી આપી દિવંગત ભોળાભાઈ પટેલને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા. જેમના અવસાનથી શૈક્ષણિક નગરીમાં ન પુરાય તેવી એક કેળવણીકારની ખોટ પડી છે.
નૂતન કેળવણી મંડળના ચેરમેન પદે વર્ષો સુધી રહી દિર્ઘદ્રષ્ટીથી કેળવણી મંડળને એક વટવૃક્ષ બનાવી અનેક કોલેજો, સંસ્થાઓ સ્થાપનાર, સહકારી અગ્રણી, ગુજરાત સરકારના માજી મંત્રી તેમજ વિસનગર શહેર અને તાલુકાના વિકાસમાં જેમનુ આગવુ યોગદાન છે તેવા ભોળાભાઈ ચતુરભાઈ પટેલનુ તા.૧૪-૧૧-૨૦૧૬ ને સોમવારની રાત્રે અમદાવાદ ખાતે તેમના નિવાસ્થાને દુઃખદ અવસાન થતા જે સમાચાર વિસનગર શહેર અને તાલુકામાં વાયુવેગે ફેલાતા ઘેરા શોકની લાગણી ફેલાઈ હતી. ૮૯ વર્ષની ઉંમરે પણ મજબુત અને મક્કમ મનોબળ ધરાવતા ભોળાભાઈ પટેલનો પાર્થિવ દેહ મોડી રાત્રે વિસનગર ખાતેના તેમના નિવાસ્થાને લાવવામાં આવ્યો હતો. જેમનો નશ્વર દેહ તેમના નિવાસ્થાને મુકવામાં આવતા મોટી સંખ્યામાં લોકો અંતીમ દર્શન માટે ઉમટી પડ્યા હતા. સવારે ૧૦-૦૦ કલાકે તેમના નિવાસ્થાનેથી નીકળેલી સ્મશાન યાત્રામાં શહેર-તાલુકાના અગ્રણીઓ જોડાયા હતા. શહેરના સાર્વજનિક સ્મશાનગૃહમાં ભોળાભાઈ પટેલના પાર્થિવદેશને તેમના પૌત્ર પ્રિયંકકુમાર કૌશીકભાઈ પટેલે અગ્નીદાહ આપતા સહકારી શ્રેષ્ઠી તેમજ એક કેળવણીકારનો પાર્થિવદેહ પંચમહાભુતોમાં વિલીન થયો હતો. તા.૧૭-૧૧-૨૦૧૬ ને ગુરુવારના રોજ ભોળાભાઈ પટેલના નિવાસ્થાને તેમનુ બેસણું રાખવામાં આવ્યુ હતુ. ત્યારે વિસનગર શહેર તાલુકાના અને ઉત્તર ગુજરાતના તમામ અગ્રણીઓએ બેસણામાં હાજરી આપી તેમના પુત્ર કૌશીકભાઈ પટેલ અને તેમના પરિવારને આશ્વાસન આપી ભોળાભાઈ પટેલને શ્રધ્ધાંજલી અર્પી હતી. પ્રભુ ભોળાભાઈ પટેલના દિવંગત આત્માને ચીર શાંતી અર્પે અને તેમના પરિવાર ઉપર આવી પડેલ આપત્તી સહન કરવાની શક્તિ અર્પે તેવી પ્રચાર સાપ્તાહિક પરિવારની પ્રાર્થના.

Leave a Reply

Top