You are here
Home > News > એસબીઆઈ દ્વારા ચલણી નોટો નહી અપાતા – દેના ગ્રામીણ-ધિણોજ નાગરીક-ક્રેડીટ સોસાયટીઓમાં રોકડ તંગી

એસબીઆઈ દ્વારા ચલણી નોટો નહી અપાતા – દેના ગ્રામીણ-ધિણોજ નાગરીક-ક્રેડીટ સોસાયટીઓમાં રોકડ તંગી

(પ્ર.ન્યુ.સ.) વિસનગર, રવિવાર
રૂા.૫૦૦ અને ૧૦૦૦ નોટો બંધ કરવામાં આવતા લોકોએ મોટા પ્રમાણમાં નોટો એક્ષ્ચેન્જ કરાવી પરંતુ જે લોકોના ખાતામાં બેલેન્સ છે તે લોકોને આરબીઆઈની સુચના પ્રમાણે પણ નાણાં નહી મળતા ભારે હાલાકી ભોગવી રહ્યા છે. વિસનગરમાં એસબીઆઈ દ્વારા નાની બેંકોને નોટો નહી આપતા દેના ગ્રામીણ, ધિણોજ નાગરીક તથા ક્રેડીટ સોસાયટીઓમાં રોકડ તંગી ઉભી થઈ છે. સુચનાનુ પાલન નહી કરતા બેંકના આવા અધિકારીઓ સામે આરબીઆઈ અને સરકાર પગલા ભરે તેવી ખાતેદારોની માગણી છે.
વિસનગરની મરચન્ટ કોલેજમાં આવેલી એસબીઆઈની શાખા એ ચેસ્ટ બેંક છે. સ્ટ્રોગરૂમની સુવિધા હોવાથી આરબીઆઈ દ્વારા આ બેંકને મોટા પ્રમાણમાં ચલણી નોટો આપવામાં આવે છે. રૂા.૫૦૦-૧૦૦૦ ની નોટો સરકારે રદ કર્યા બાદ આરબીઆઈની સુચના છેકે ચેસ્ટ બ્રાન્ચોએ અન્ય બેંકને નોટો આપવી. વિસનગરમાં દેના ગ્રામીણ બેંક, ધિણોજ નાગરીક બેંક તથા ક્રેડીટ સોસાયટીઓના એસબીઆઈમાં ખાતા છે. આ બેંકોને એસબીઆઈ દ્વારા અત્યારે મની ક્રાઈસીસમાં આવી નાની બેંકોને ચલણી નોટો નહી આપવામાં આવતા આ બેંકના ખાતેદારો નાણા મેળવવામાં ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. દેના ગ્રામીણ બેંકમાં તો મોટેભાગે ખેડુત ખાતેદારો છે. આરબીઆઈ એક બાજુ જાહેરાત કરે છેકે ખેડૂતોને રૂા.૨૫૦૦૦ સુધી ઉપાડવા મળશે. પરંતુ એસબીઆઈ ગ્રામીણ બેંકને નોટોજ નહી આપતા અત્યારે ખેડૂતો નાણાં ઉપાડવા દેના ગ્રામીણ બેંકના ધક્કા ખાઈ રહ્યા છે. દેના ગ્રામીણમાં અત્યારે રૂા.૮૦૦૦ સુધીજ રોકડ આપવામાં આવે છે. જ્યારે ધિણોજ નાગરીક બેંકની હાલત તો સામાન્ય ખાતેદાર જેવી થઈ ગઈ છે. બેંક દ્વારા એસબીઆઈમાં પૈસા ઉપાડવા જાય તો એક ખાતેદારને જેટલા મળે તેટલા નાણાં આપવામાં આવે છે. જ્યારે જાણવા મળ્યા પ્રમાણે કેટલીક લાગતી વળગતી બેંકોને છુટથી રોકડ આપવામાં આવી છે. જેની સરકાર દ્વારા તપાસ થાય તો ખ્યાલ આવે તેમ છે. નોટબંધી બાદ કેટલીક બેંકોએ બંધ બારણે મોટા પ્રમાણમાં જુની નોટો લઈ નવી નોટો આપી હોવાના કિસ્સા બહાર આવ્યા છે. નોટબંધી બાદ લોકો સુધી નવી નોટો ઝડપી પહોચે તેવા સરકાર દ્વારા પ્રયત્નો થઈ રહ્યા છે. ત્યારે એસબીઆઈ નાની બેંકોને રોકડ નહી આપતા નાની બેંકોના ખાતેદારો મુશ્કેલીમાં મુકાયા છે. એસબીઆઈ રોજ નાની બેંકોને પાંચ લાખ જેટલી રોકડ આપે તો પણ ખાતેદારોની મુશ્કેલી દુર થાય તેમ છે. એસબીઆઈમાં મોટી રોકડ આવે છે ત્યારે નાની બેંકોને જરૂરીયાત પ્રમાણે રોકડ આપે તો નાના ખાતેદારોની મુશ્કેલી દુર થાય તેમ છે.

Leave a Reply

Top