ગઠબંધનના તમામ સભ્યોએ સહીઓ કરી વિશ્વાસ આપ્યો કમિટીઓની રચનામાં સંકલન સમિતિનો નિર્ણય આખરી રહેશે

ગઠબંધનના તમામ સભ્યોએ સહીઓ કરી વિશ્વાસ આપ્યો કમિટીઓની રચનામાં સંકલન સમિતિનો નિર્ણય આખરી રહેશે

News, Prachar News No Comments on ગઠબંધનના તમામ સભ્યોએ સહીઓ કરી વિશ્વાસ આપ્યો કમિટીઓની રચનામાં સંકલન સમિતિનો નિર્ણય આખરી રહેશે

ગઠબંધનના તમામ સભ્યોએ સહીઓ કરી વિશ્વાસ આપ્યો
કમિટીઓની રચનામાં સંકલન સમિતિનો નિર્ણય આખરી રહેશે

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર પાલિકાની કમિટીઓની મુદત પૂર્ણ થતા નવી કમિટીઓની રચનાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કમિટીઓની રચના માટેનો ખાસ સાધારણ સભાનો એજન્ડા પણ નીકળી ગયો છે. જોકે આ વખતે ગઠબંધનના તમામ સભ્યોએ સંકલન સમિતિ નિર્ણય લે તે માન્ય રહેશે તેવી સહીઓ કરી આપતા કમિટીઓની રચનામાં સંકલન સમિતિનો નિર્ણય આખરી રહેશે.
વિસનગર પાલિકાની વિવિધ કમિટીઓની એક વર્ષની મુદત પૂર્ણ થતા નવી કમિટીઓની રચના માટેની તૈયારીઓ સંકલન સમિતિ દ્વારા શરૂ કરવામાં આવી હોવાનુ જાણવા મળ્યુ છે. ગત વર્ષે સંકલન સમિતિએ જે કમિટીઓની રચના કરી હતી તે નિર્ણય રાતોરાત બદલાયો હતો અને જનરલમાં કોઈના ઈશારે બનેલી કમિટીઓનુ કવર ખોલવામાં આવતા ભારે વિવાદો થયા હતા. જોકે આ વર્ષે સંકલનનો નિર્ણય માન્ય હોય તોજ સંકલન કમિટીઓની રચના કરેે તેવી પાણી પહેલા સંકલને પાળ બાંધી દીધી છે. સંકલનની દરમ્યાનગીરી ન હોય તો ગઠબંધન ટકે તેમ નહી હોવાનુ જણાતા તા.૨૦-૧૨-૨૦૧૬ ના રોજ પાલિકા પ્રમુખની ઓફીસમાં ગઠબંધનના તમામ સભ્યોની મીટીંગ મળી હતી. જે તમામ સભ્યોએ કમિટીઓની રચનામાં સંકલન નિર્ણય કરે તે માન્ય રહેશે તેવી સંમતી આપી હોવાનુ જાણવા મળ્યુ છે.
ગઠબંધનના તમામ સભ્યોની સંમતી બાદ સંકલન સમિતિ કમિટીઓની રચનાનો ગંજીફો ચીપશે. સંકલન સમિતિ દ્વારા જે કમિટીઓની રચના કરવામાં આવશે તેની પુરી ગુપ્તતા જાળવવામાં આવશે અને કમિટીઓની રચના માટેની ખાસ સાધારણ સભામાં આ કવર ખોલી કમિટીઓની રચના માટેનો પત્ર વાંચી સંભળાવવામાં આવશે. તા.૨૮-૧૨-૨૦૧૬ ને બુધવારના રોજ સવારે ૧૦-૦૦ કલાકે કમિટીઓની રચના માટે ખાસ સાધારણ સભા મળશે. જાણવા મળ્યા પ્રમાણે ગત વર્ષમાં જે ચેરમેનો વિવાદોમાં સપડાયા છે તેમનું પત્તુ કપાશે. વિકાસમંચના પ્રમુખ કાળમાં વિકાસમંચના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન હોવાથી આ વખતે સવા વર્ષ કોંગ્રેસના પ્રમુખની મુદત હોવાથી સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન પણ કોંગ્રેસના બનશે. મોટાભાગની કમિટીઓમાં ફેરફાર થાય તેમ જણાય છે. અંદરોઅંદરના વિખવાદથી કેટલાક ગત વર્ષે સફળ કામગીરી કરનાર ચેરમેનો પણ આ વર્ષે કમિટીની જવાબદારી ન મળે તેવુ ઈચ્છી રહ્યા છે. કેટલાક સભ્યો એકપણ કમિટિ લેવા માગતા નથી. જેથી સંકલને પહેલા સભ્ય કમિટી લેવા માગે છેકે નહી તે સંમતિ મેળવવી પડશે. સંમતિ લીધા વગર કમિટિ આપવામાં આવશે તો જનરલના દિવસેજ સભ્ય કમિટી લેવાની અનિચ્છા દર્શાવેતો નવાઈ નહી. સંકલન કોને કઈ કમિટીની જવાબદારી આપે છે તેની સભ્યો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. જેની ખબર તો ખાસ સાધારણ સભાના દિવસેજ પડશે.

Leave a comment

Back to Top